
જયન્ત પાઠકનો પરિચય
-
જન્મ -
20 ઑક્ટોબર 1920
કવિ, વિવેચક, સંસ્મરણલેખક. તેમનો જન્મ રાજગઢના ગોઠ ગામમાં થયો હતો. 1938માં મૅટ્રિક થઈને તેમણે 1943માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાંથી ગુજરાતી–સંસ્કૃત વિષયો સાથે બી.એ.ની પદવી હાંસલ કરી હતી. 1945માં એ જ વિષયોમાં વડોદરા કૉલેજમાંથી એમ.એ. કર્યું હતું. 1960માં ‘1920 પછીથી ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિદ્ધિ’ વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1943–1947 દરમિયાન દાહોદ–હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. 1947થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકારની હેસિયતથી યોગદાન આપ્યું. 1953થી નિવૃત્તિ સુધી એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા. 1957નો કુમારચંદ્રક, 1976માં નર્મદ સુવર્ણચંદ્રક, 1976માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 1982-83નું ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક. 1974માં સોવિયેટ દેશ નેહરુ ઍવૉર્ડ, 1979માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ, તથા વર્ષ 1990-91 માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી.
એમના પ્રકાશિત કાવ્યસંગ્રહોમાં ‘મર્મર’ (1954), ‘સંકેત’ (1960), ‘વિસ્મય’ (1963), ‘સર્ગ’ (1969), ‘અંતરીક્ષ’ (1975), ‘અનુનય’ (1978), ‘મૃગયા’ (1983), અને ‘શૂળી ઉપર સેજ’ (1988) છે, જેમાં પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય, અને માનવીનાં સુખદુઃખાત્મક સંવેદનો એમના પ્રિય અને નિરંતર જિજ્ઞાસાના વિષયો રહ્યા છે. તેમણે અલગ અલગ કાવ્યરૂપોમાં ખેડાણ કર્યું છે, તેમની પાસેથી ગીત, સૉનેટ, મુક્તક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ, અછાંદસ રચનાઓ આપણને મળે છે.
તેમના વિવિધ કાવ્યસંગ્રહો વિશે વિવેચક, અભ્યાસુ, દક્ષા વ્યાસ નોંધે છે કે,
“‘મર્મર’ અને ‘વિસ્મય’માં તત્કાલીન સાપેક્ષ ભાવ પ્રબળ રીતે ઝિલાયો છે. ‘વિસ્મય’થી કવિની આરણ્યક વૃત્તિ ધ્યાન ખેંચવા લાગે છે. અહીં પ્રણયનાં આનંદ, ઉલ્લાસ, તૃપ્તિ સાથે એના વૈફલ્યનો વિષાદ પણ આલેખાય છે. ‘સંકેત’માં કવિ ચીલો ચાતરવા મથે છે અને ભાવાભિવ્યક્તિ તથા છંદોવિધાન પરત્વે પ્રયોગશીલતા દાખવે છે, પરંપરિતમાં રચનાઓ આપે છે એનું અનુસંધાન ‘સર્ગ’માં મળે છે. પરંતુ કવિનું લક્ષ, શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ જ વિશેષ રહે છે. તેથી ‘સર્ગ’માં છાંદસ રચનાઓ અને ગીતો ઉપરાંત અછાંદસ રચનાઓ અને ગઝલો પણ ધ્યાન ખેંચે છે. છતાં પ્રકૃતિનાં નર્યાં સૌંદર્યચિત્રો, પ્રકૃતિ સાથેના સંવેદનશીલ અનુભવો ને પ્રણયભાવમાં વિરહનો વિફલતાનો ઘેરો વિષાદ અત્યંત નાજુક રીતે આલેખાય છે. વિસ્મયભાવમાં વિદગ્ધતા અને કલાસંયમ ભળે છે. વતનપ્રીતિના ભવિષ્યમાં આવનારા કાવ્યફાલનો અંકુર પણ અહીં જ ફૂટતો જણાય છે. કવિએ વતનનાં સંસ્મરણોનું આલેખન કરતી ગદ્યકૃતિઓ ‘વનાંચલ’ (1967) અને ‘તરુરાગ’ (1988) રચી છે. વતનવિચ્છેદની એમાં વ્યક્ત તીવ્ર અનુભૂતિએ એમની કવિતાને અસલ વતન આપ્યું. એ ‘અસલ’ વતન એટલે ‘પ્રકૃતિ’, આદિમતા અને અસલિયતની ભોંય’. એ પછી ‘અંતરીક્ષ’માં કવિની કાવ્યપ્રવૃત્તિએ સ્પષ્ટ વળાંક લીધો. કવિ જે વન, વતન, પ્રકૃતિ, શૈશવમાં જીવ્યા છે તેને પામવાની ઉત્કટ ઇચ્છા, ઝંખના, અને એને ગુમાવ્યાની ઊંડી વેદનાનો – અતીતઝંખનાનો પ્રબલ સૂર કવિતામાંથી ઊઠે છે. ગુજરાતી કવિતામાં આવી અતીતઝંખા, આવી ભરપૂરતાથી પ્રથમ વાર પ્રગટી છે. ‘અનુનય’માં આદિમતાની ખોજ સાથે એના જ એક ઉન્મેષરૂપે ઇન્દ્રિયરાગિતાની એક સરવાણી ઉમેરાય છે. કવિ બાહ્ય નિસર્ગનાં અને આપણી અંદરની પ્રકૃતિનાં આંતરિક સ્વરૂપોમાં ઊંડા જઈ તે દ્વારા હયાતીના મૂળને પામવાનો પુરુષાર્થ આદરે છે. ‘મૃગયા’માં અન્યોક્તિનો આશ્રય લઈને ઘણી આકર્ષક રચનાઓ થઈ છે. સ્પર્શક્ષમ રચનાઓ અહીં પ્રકૃતિના અનુપમ સૌંદર્યનું દર્શન કરાવે છે. કવિના છેલ્લા ત્રણ કાવ્યસંગ્રહોમાં પ્રગટતો વતનપ્રીતિનો પ્રબળ ઉદ્રેક ‘વનાંચલ’માં શિશુવયના આનંદપર્વનાં વિષાદમધુર સંસ્મરણોરૂપે માણવા મળે છે. પૂર્વ પંચમહાલની નિબિડ પ્રકૃતિ, ત્યાંનું જનજીવન, વન્ય પ્રકૃતિ પર થઈ રહેલું નગરસંસ્કૃતિનું આક્રમણ, શિશુવયના સાથીઓ – એ સૌ સાથેના બાળક બચુના નિર્મળ હૃદયસંધાનની આ ભાવાર્દ્ર કથા છે.”
એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચનો પણ આપ્યાં છે. 1920 પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનાં પરિબળો અને સિદ્ધિને આલેખતું કવિતાના ઇતિહાસનું એમનું પુસ્તક ‘આધુનિક કવિતાપ્રવાહ’ (1965), ‘આલોક’ (1966), અને ‘ભાવયિત્રી’ (1974)માં વિવિધ લેખકો–કૃતિઓની તપાસ તથા સૈદ્ધાંતિક વિચારણા છે. ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’ (1985)માં એમનાં વસનજી ઠક્કર વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો સંગૃહીત છે. ‘કિમપિદ્રવ્યમ્’ (1987)માં વિવેચન-લેખો છે. ‘ટૂંકીવાર્તા : સ્વરૂપ અને સાહિત્ય’ (અન્ય સાથે, 1967), ‘ઝવેરચંદ મેઘાણી : જીવન અને સાહિત્ય’ (અન્ય સાથે, 1968), ‘રામનારાયણ વિ. પાઠક (સર્જક અને વિવેચક)’ (1970) જેવા સ્વરૂપ અને સર્જન વિશેના અભ્યાસગ્રંથો; કવિતાનો રસાસ્વાદ કરાવતું પુસ્તક ‘કાવ્યલોક’ (1973), ‘ભાવચિત્ર’ (1974), ‘કાવ્યસંચય’ ભા. 3 (અન્ય સાથે, 1981), ‘ગુજરાતી ઊર્મિકાવ્યો’ (1983), વગેરે એમનાં સંપાદનો છે; તો ‘ચેખૉવની શ્રેષ્ઠ નવલિકાઓ’ (1957), ‘ધીરે વહે છે દોન’ ભા. 3 (1961), ‘ક્રાંતિની કથા’ (1978), વગેરે એમના અનુવાદો છે.
(તસવીર સૌજન્ય: જગન મહેતા)