Jayant Parekh Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જયન્ત પારેખ

કવિ, નાટ્યકાર, વિવેચક, અનુવાદક અને સંપાદક

  • favroite
  • share

જયન્ત પારેખનો પરિચય

જન્મ જેઠાલાલ પારેખને ત્યાં મુંબઈમાં અને વતન રાજકોટ જિલ્લાનું ગોંડલ. 1946માં મૅટ્રિક, મુંબઈની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે 1952માં વિનયન સ્નાતક, અભ્યાસની સમાંતર જુદી જુદી જગ્યાએ ક્લાર્ક તરીકે નોકરી, 1961માં મુંબઈની સિદ્ધાર્થ કૉલેજ આર્ટ્સ ઍન્ડ સાયન્સમાં તેમજ 1972માં એમ. ડી. શાહ મહિલા કૉલેજ, મલાડમાં વ્યાખ્યાતા તેમજ વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપ્યા બાદ સેવાનિવૃત્ત, 1990માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. હાઈસ્કૂલકાળથી હસ્તલિખિત સાપ્તાહિક ‘ધ્રુવ’ પ્રગટ કરતા હતા. ‘દીપશિખા’ નામે માસિક પણ શરૂ કર્યું. 1956માં સ્થપાયેલ ‘કવિલોક’ ટ્રસ્ટના મુખપત્ર ‘કવિલોક’માં આરંભથી સંલગ્ન રહ્યા. ઉપરાંત તેમની પરિપક્વ સંપાદનસૂઝનો લાભ ‘ક્ષિતિજ’ (સુરેશ જોષી સાથે), ‘ઊહાપોહ’ (1969-1974, સુરેશ જોષી, રસિક શાહ સાથે) તેમજ ‘એતદ્’ (1977-1986, સુરેશ જોષી, રસિક શાહ અને શિરીષ પંચાલ સાથે) વગેરે સામયિકોને સાંપડ્યો છે.  14મી નવેમ્બર, 2010ના રોજ મુંબઈ ખાતે અવસાન.


નાટક, સાહિત્ય અને સિનેમાના રસિક હોઈ પુષ્કળ વાચન તેમજ દેશ-વિદેશના નાટક-સિનેમાથી થયેલ રુચિઘડતરના પરિપાકરૂપે જયંત પારેખે ઓછું પણ આછું નહીં એવું સત્ત્વશીલ સાહિત્ય આપ્યું છે. તેમણે નાટક, કાવ્ય, વિવેચન, અનુવાદ અને સંપાદન કર્યું છે.

જયંત પારેખનાં કાવ્યો વીસમી સદીના સાતમા દાયકાના આરંભથી ‘એતદ્’, ‘સમર્પણ’, ‘કવિલોક’ આદિ નામચીન સામયિકમાં પ્રગટ થયાં છે. ‘તાવ’, ‘કાગળ કોરોકટ’, ‘સ્ટિલ લાઈફ' વગેરે ધ્યાનાકર્ષક છે. ‘રૂમનંબર નવ’ (2010) તેમનો નાટ્યસંગ્રહ છે. આ સંગ્રહમાં ‘રૂમનંબર નવ’, ‘કાલિદાસ બીજો : એક ફેન્ટસી’ અને ‘હત્યારા’ એમ ત્રણ એકાંકી ગ્રંથસ્થ થયાં છે.

ઇન્ડિયન નેશનલ થિએટર, મુંબઈ રહીને કરેલાં નાટકોનાં રૂપાંતરમાં - ‘વનહંસીને શ્વેતપદ્મ’ (1984) ઉપરાંત પ્રવીણ જોષી, સુરેશ રાજડા, અરવિંદ જોષી વગેરે ખ્યાત દિગ્દર્શકો સાથે રહીને તેમણે રૂપાંતરકાર તરીકે કરેલું કાર્ય ગુજરાતી રંગભૂમિનું સુવર્ણ પાનું છે. આ ઉપરાંત તેમણે નાટ્યસમીક્ષા તેમજ નાટ્યસિદ્ધાંત પર ગંભીરતાથી સૂક્ષ્મતમ વિચારણા કરી છે. ‘નાટકની ભાષા’ નામનો લેખ નોંધપાત્ર છે.

અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત, બંગાળી જેવી ભાષા પર આગવું પ્રાબલ્ય, વિશાળ સાહિત્યિક વાચન તેમને અનુવાદ તરફ દોરી ગયું :  ‘નમતો સૂરજ’ (ઓસામું દઝાઈની જાપાની નવલકથાનો અનુવાદ), ‘વારસ’ (1962, હેન્રી જેમ્સની નવલકથા ‘વોશિંગ્ટન સ્કેવર’નો અનુવાદ), ‘શેષ રમત’ (સેમ્યુઅલ બેકેટના જાણીતા નાટક ‘ઍન્ડ ગેમ’નો અનુવાદ), ‘હિંદી એકાંકી’ (1973, ચંદ્રગુપ્ત વિદ્યાલંકાર સંપાદિત પુસ્તક), ‘વિદેશિની’ – ભાગ-1, 2, 3’ (1985, ટૂંકીવાર્તાઓના અનુવાદ), તેમજ ‘ક્ષિતિજ’, ‘એતદ્’, ‘નવનીત-સમર્પણ', ‘કંકાવટી’, ‘સન્ધિ’ વગેરે સામયિકોમાં વિશ્વસાહિત્યનાં તેમજ ભારતીય સાહિત્યનાં કાવ્યાનુવાદ પ્રકાશિત થયાં છે. સરવાળે નવલકથા, નાટક, એકાંકી, ટૂંકીવાર્તા, કાવ્યોના ઘણા અનુવાદો કર્યાં છે.

‘રાનેરી’  (1968, મણિલાલ દેસાઈનો મરણોત્તર કાવ્યસંગ્રહ), ‘નિરુદ્દેશે’ (1974, રાજેન્દ્ર શાહનો કાવ્યસંગ્રહ), ‘કેટલાંક કાવ્યો’ (2004, પાબ્લો નેરુદાનાં કાવ્યો), ‘સુરેશ જોષી સંચય’ (1992), ‘વિદ્રોહના ચહેરા’ (2007, સુરેશ જોષીની અગ્રંથસ્થ કૃતિઓનો સંચય), ‘ગતિમુક્તિ’, ‘નિદ્રાવિયોગ’, ‘વિદેશિની’ 1, 2, 3 (1985, વિદેશી વાર્તાકારોની વાર્તાઓના અનુવાદના સંચયો) તેમજ ‘ગુજરાતી વાર્તાસંચય’ 1, 2 (1999, શિરીષ પંચાલ સાથે) આદિ સંપાદન એમ અલ્પ પણ સત્ત્વસભર સર્જન આપ્યું છે.