કવિ જનાર્દન પ્રભાસ્કરે ચાર રચનાઓ તૈયાર કરી હતી. તેમનો કાવ્યસંગ્રહ વિહારિણી 1926માં, શરદિની 1928માં, મંદાકિની 1932માં અને રાસનન્દિની 1934માં પ્રકાશિત થયા હતા.
જનાર્દન પ્રભાસ્કરની કવિતાઓમાં ન્હાનાલાલની ગાઢ અસર જોવા મળે છે. તેમની સફળ રચનાઓ 'પ્રણયસખિને', 'અશોકને', 'વિરામચિહ્નો' અને 'જીવનનૌકા' છે. ‘સનાતન શાંતિ’ સૌથી સારી કવિતા છે, જ્યારે ‘હરિજન આવોને’ સૌથી સારું ગીત છે.
પ્રભાસ્કરે રાસગીતોને સારી રીતે લખ્યા છે પરંતુ તેમની કવિતાઓમાં નવીનતા જોવા મળતી નથી. જયન્ત પાઠક આધુનિક કવિતા પ્રવાહમાં લખે છે, ‘જનાર્દન પ્રભાસ્કરના કેટલાંક ગીતોની આરંભની પંક્તિઓ કાવ્યની ચમત્કૃતિવાળી હોય છે પણ પકડ અંત સુધી રહેતી નથી.’
'ભારતસેવિકા' અને 'વિજયપ્રસ્થાન' જેવી રચનાઓમાં એમણે ગાંધીજી અને તેમની અહિંસક લડતનું ગૌરવગાન ગાયું છે.
જનાર્દને લખેલા પહેલા કાવ્યસંગ્રહ 'વિહારિણી' (1926)નાં 57 ગીતોમાં કેટલાંકનાં ધ્રુવપદોના ઉપાડ સારા છે. એ કાવ્યોમાં પ્રણયના, કુદરતના અને જીવનના આછા કુમળા ભાવોને લેખકે સ્પર્શયા છે.
કવિ સુંદરમના મત અનુસાર 'વિરામચિહ્ન'નું કાવ્ય સૌથી ઉત્તમ બનેલું છે. ન્હાનાલાલનાં કેટલાંક ગીતોનાં ઢાળ, વિષય અને રજૂઆત એ ત્રણેયને અપનાવી કોક નવો ભાવ તેમાં રજૂ કરવાની આ લેખકે એક નવીન કાવ્યરીત શોધી છે. શરદિનીનાં 50 ગીતોમાંથી 'ફૂલડાં કેમ વીણીએ?' અને 'પ્રણયનાં દાન' સૌથી સારા બનેલાં છે.
‘મંદાકિની’નાં 45 ગીતોમાં ‘વિશ્વરમણા’, ‘મંજરી મ્હોરી રહી રે’, ‘ગૃહ કોકિલા’ સુંદર અને રસપ્રદ કાવ્યો છે.