Jagdish Joshi Profile & Biography | RekhtaGujarati

જગદીશ જોશી

ગુજરાતી કવિ, સંપાદક, અને અનુવાદક

  • favroite
  • share

જગદીશ જોશીનો પરિચય

તેઓ ગુજરાતી કવિ, સંપાદક અને અનુવાદક હતા, પરંતુ ગુજરાતી સાહિત્યરસિકો તેમને કવિ તરીકે વધુ ઓળખે છે. ઉપનામ અંગીકાર કરવાની પ્રચલિત પ્રણાલીને અનુસરી તેમણે ‘સંજય ઠક્કર’ ઉપનામે પણ કામ કર્યું હતું.

તેમનો જન્મ, ઉછેર, ભણતર, અવસાન મુંબઈમાં થયું હતું. 1949માં એસ. એસ. સી. પાસ કરી તેમણે મુંબઈની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1953માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ.ની ઉપાધિ મેળવી હતી. 1955માં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી. થયા હતા. 1957થી 1978 સુધી, એટલે કે મરણ પર્યંત મુંબઈની બઝારગેટ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી હતી. તેમને 1979નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મરણોત્તર મળ્યું હતું. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આકાશ’ માટે 1972નું ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક પણ એનાયત થયું હતું.

તેમણે કુલ ત્રણ કાવ્યસંગ્રહો આપ્યા હતા. ‘આકાશ’ (1972), ‘વમળનાં વન’ (1976) અને મરણોત્તર ‘મોન્ટા કૉલાજ’ (1979). ‘આકાશ’માં ગીતો, છાંદસ અને અછાંદસ રચનાઓ છે. તેમનાં ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં’ અને ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’ અતિશય ખ્યાતિ પામેલાં ગીતો છે.

વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના મતે “‘વમળનાં વન’ (1976) : જગદીશ જોશીનો, ‘આકાશ’નો અનુગામી કાવ્યસંગ્રહ. અહીં કુલ 114 કૃતિઓ છે; એમાં સત્તાવન ગીતો છે અને બાકીનાં અછાંદસ, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો છે. આધુનિક અને તળપદા સંવેદનનું જ્યાં રસાયણ થયું છે ત્યાં કેટલીક સારી રચનાઓ મળી છે. ગદ્યકાવ્યોમાં પણ ક્યારેક સારું પરિણામ આવ્યું છે. ‘એક હતી સર્વકાલીન વારતા’ આ સંગ્રહની નીવડેલી ગીતરચના છે.”

આ અલ્પજીવી કવિએ તેમના ટૂંકા આયુષ્યમાં પરંપરિત ગીતોનો લયસમૃદ્ધ ખજાનો આપણી સામે મૂકી દીધો છે.

આ ઉપરાંત, તેમની પાસેથી, માણિક ગોડઘાટે ‘ગ્રેસ’ની મરાઠી કવિતાનો ગુજરાતી અનુવાદ મળે છે. ‘સૂર્યઘટિકાયંત્ર’ મરણોત્તર (1981) પ્રકાશિત અનુવાદગ્રંથ છે. ‘હું તો નિત્ય પ્રવાસી’, ‘વાર્તાની પાંખે’, ‘વાર્તાની મોજ’ 1થી 3, ‘વાર્તા રે વાર્તા’ 1થી 3 (1972–73) જેવાં સંપાદનોમાં સહાયક સંપાદક બન્યા હતા. ‘સુલભ સમૂહજીવન’(1974)ના 1થી 3 ભાગોનું પણ સહસંપાદન કર્યું હતું.