ઇન્દ્રસિંહ કરણસિંહ એવા મૂળ નામધારી આ સર્જકનો જન્મ સાબરકાંઠાના રૂપાલ ગામે થયો હતો. તેમણે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યા બાદ 1959થી 1975 દરમિયાન માધ્યમિક શિક્ષક અને ખંડ-સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. 1975થી 1999 સુધી અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર, અમદાવાદ ખાતે સ્ક્રિપ્ટ રાઈટર તથા નિર્માતા તરીકે કાર્યરત રહ્યા. તેમણે ‘ઓમેશિયમ’ અને ‘સંભવામિ’ સામયિકનું સંપાદન કાર્ય પણ સંભાળેલ તો ‘કૃતિ’ના સંપાદન મંડળના સભ્ય, ‘આકંઠ સાબરમતી’ તથા ‘હોટલ પોએટ્સ’ મંડળોના સ્થાપક સભ્ય તેમજ ‘રે મઠ’ના સક્રિય સભ્ય તરીકે સેવા આપી.‘લિટલ થિયેટર’ના નામે બાળરંગભૂમિની સંસ્થાના સ્થાપક-નિયામક રહ્યા.
તેમણે સાહિત્યક્ષેત્રે કવિતા, નવલકથા, નાટક - એકાંકી, બાળનાટક, સંપાદન એમ બહુવિધ સાહિત્યવિધાઓમાં આગવું પ્રદાન કર્યું છે. ‘કિન્તુ’ (1974), ‘બે ઉપનિષદો’ (1988), ‘કેટલાંક ભાષ્યો’ (1989), ‘રોમાંચ નામે નગર’ (1993), ‘અને જાતક કાવ્યો’ (2000) આદિ કાવ્યસંગ્રહો, ‘મોશનલાલ માખણવાળા’ (1994), ‘અડવો ટુ થાઉઝન્ડ’ (બાળનવલ,1995), ‘સંત ઠિઠ્ઠુદાસ’ (1997), ‘સતી વ્યાકુળા’ (1999), ‘વેવ ધ વેવ’ (2000), ‘ફાંફેશ્વર’ (2003), ‘સમર્પણ-502’, ‘બે બાય ત્રણ’ (2007) વગેરે નવલકથાઓ આપી છે.
તેમની પાસેથી ‘ફક્કડ ગિરધારી’ (1976), ‘હું પશલો છું’ (1992), ‘આડી લીટીઓ ઊભી લીટીઓ’ (2006) અને ‘માણસ નામે બાકોરાં’ જેવા તેમના એકાંકીસંગ્રહો અને એમાં સંગ્રહિત ‘કેલિડોસ્કોપ’, ‘હું પશલો છું’, ‘પશાજી પાવાવાળા’ આદિ એકાંકીઓ પરથી લખાયેલા ‘ટાઈમબૉમ્બ’(2000), ‘આઈએમઆઈ યાનિ હું પશલો છું ઉર્ફે પશાજી પાવાવાળા’ (2005) અને ‘વેવ ધ વેવ’ નવલકથા પરથી લખાયેલ ‘પૂછપરછ અથવા કમળનો ક એટલે ખ, ગ નહીં’ (2005) આદિ દ્વિઅંકી નાટકો મળે છે. આ સંગ્રહોમાંના ‘ફક્કડ ગિરધારી’, ‘આ એક શહેર છે’, ‘તારા સમ’, ‘બાયોડેટા’, ‘તપેલી પુરાણ’, ‘સી. શિવાભાઈ’, ‘હું પશલો છું’, ‘વૈશંપાયન એણી પેર બોલ્યા’, ‘લીના ઓ લીના’, ‘અમરફળ’, ‘શૂન્યજ્ઞ ગોમતીપુરી’, ‘પશાજી પાવાવાળા’, ‘યા દેવી સર્વભૂતેષુ’ આદિ તખ્તાલાયક એકાંકીઓ છે.
‘આકંઠ સાબરમતી’ નામક નાટ્યલેખકોની વર્કશૉપમાં સક્રિયપણે ભાગ લઈ અનેક લીલાનાટ્યોનું લેખન અને મંચન પણ કરેલ. ‘જંગલ જીવી ગયું રે લોલ’ (1979), ‘ઝૂનઝૂન ઝૂ બૂબલા બૂ’ (1982), ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો’ (1993) – એ તેમના બાળનાટ્યસંગ્રહો છે અને ‘પૂજા નામે છોકરી’ શીર્ષકથી બાળ-કિશોર નાટ્યશ્રેણી પણ આપી. રમેશ શાહ સાથે ‘સાબરમતી’ (1976) એકાંકીસંગ્રહનું સંપાદન કરેલ.