Hiraben Pathak Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હીરાબેન પાઠક

ગુજરાતી કવિ-વિવેચક

  • favroite
  • share

હીરાબેન પાઠકનો પરિચય

તેઓ ગુજરાતી લેખિકા અને વિવેચક હતાં. તેઓ શરૂઆતમાં રામનારાયણ પાઠકનાં વિદ્યાર્થિની હતાં, અને ત્યાર બાદ તેમનાં બીજાં પત્ની બન્યાં. તે સમયે આ ઘટનાએ ઘણી ચકચાર જગાવી હતી.

પ્રાથમિક શિક્ષણ મુંબઈની રાષ્ટ્રીય શાળામાં, માધ્યમિક શિક્ષણ ચંદારામજી સ્કૂલ અને ન્યૂ ઈરા સ્કૂલમાં લીધું હતું. ત્યાર બાદ તેમણે કર્વે યુનિવર્સિટીમાંથી 1936માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી. 1938માં તેમણે પાઠકસાહેબના માર્ગદર્શન હેઠળ ‘આપણું વિવેચનસાહિત્ય’ વિશે નિબંધ લખ્યો અને તેનું ગ્રંથસ્વરૂપે 1939માં પ્રકાશન પણ થયું હતું. 1938થી 1972 સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે કામ કરીને સ્વૈચ્છિક રાજીનામું આપી છૂટાં થયાં. 1955માં પાઠકસાહેબનું અવસાન થયું. એક દસકો તેમનું દામ્પત્ય રહ્યું. 1995માં ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે તેમનું સન્માન કર્યું.

હીરાબહેન સંવેદનશીલ સર્જક–વિવેચક–આસ્વાદક હતાં. પાઠકસાહેબના અવસાન બાદ તેમણે સદ્‌ગતને લખેલા બાર વિરહ-કાવ્ય-પત્રોના સંચય ‘પરલોકે પત્ર’ (1970)માં પ્રકાશિત થયો હતો. કરુણપ્રશસ્તિનાં તત્ત્વો પણ એમાં છે. ખાસ કરીને મુક્ત વનવેલી છંદનો અને એક પત્રમાં કટાવની ચાલનો તેમણે કરેલો ઉપયોગ નોંધપાત્ર છે. હીરાબહેનને વિવેચનમાં પણ રસ હતો. ‘આપણું વિવેચન-સાહિત્ય’ પછી તેમણે ‘કાવ્યભાવન’ (1968) સંગ્રહ આપ્યો. ‘વિદ્રુતિ’ (1974)માં ગુજરાતી કવિતા, વાર્તા, અને નવલકથા વિશે અભ્યાસનિબંધો તેમણે આપ્યા છે.

‘પરિબોધના’ (1980)માં સિદ્ધાંતચર્ચા અને પેટલીકર આદિ લેખકોની કૃતિઓ વિશેના લેખો છે. ‘ગવાક્ષદીપ’ (1979)માં સંસ્કૃત શ્લોકો કે પંક્તિઓ વિશેનાં લખાણો છે. શામળની ‘ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા’ (1968)નું શાસ્ત્રીય સંપાદન કરી તેઓ સંશોધક તરીકે આપણી સામે આવ્યા છે. ‘સાહિત્ય-આસ્વાદ’ (1973), ‘કાવ્યસંચય’ (અન્ય સાથે, 1981), વગેરે એમનાં સંપાદનો છે. 1971માં ગુજરાતીના અધ્યાપક સંઘના બાવીસમા સંમેલનમાં તેમણે પ્રમુખસ્થાનેથી ‘મોટિફ’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના વિદ્યાનગર અધિવેશનમાં તેઓ વિવેચન વિભાગનાં પ્રમુખ હતાં.

ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય સભાએ 1974નો રણજિતરામ સુવર્ણચંદ્રક આપ્યો હતો. તેમને ‘પરલોકે પત્ર’ કાવ્યસંગ્રહ માટે 1968–72નો નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. 1970–71માં ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક પણ તેમને પ્રાપ્ત થયેલું. પાઠકસાહેબના ગ્રંથોના પ્રકાશનમાં તેમણે સક્રિય રસ લીધો અને અભ્યાસ-લેખો સહિત એ ગ્રંથો સંપાદિત કરી આપ્યા. ગુજરાત સાહિત્ય અકાદમીએ આ સંપાદિત ગ્રંથો પ્રગટ કર્યા છે. છેલ્લો ‘રા.વિ. પાઠક પરિશીલનગ્રંથ’ તેઓ જોઈ ન શક્યાં.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)