Hemant Desai Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હેમંત દેસાઈ

કવિ, વિવેચક, સંશોધક અને સંપાદક

  • favroite
  • share

હેમંત દેસાઈનો પરિચય

તેમનો જન્મ ગંધોર, વાયા અમલસાડ ખાતે ગુલાબભાઈ અને મંજુલાબહેનને ત્યાં થયો હતો. તળોધ ફળિયા, બિલીમોરા એમનું મૂળ વતન. 1957માં વિનયન સ્નાતક, 1959માં વિનયન અનુસ્નાતક, 1978માં પી. એચ. ડી.ની પદવી હાંસલ કરી. બીલીમોરાની ટાટા હાઇસ્કૂલ, અમદાવાદની સી. એન. વિદ્યાવિહાર હાઇસ્કૂલમાં શિક્ષક અને 1962માં અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને 1963માં એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તેમજ 1969માં સાબરમતી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના મુખ્ય અધ્યાપક અને બે વર્ષ કૉલેજનાં આચાર્યપદે એમ નિનિષ્ઠાપૂર્વક અધ્યાપકીય ફરજ નિભાવી. 1983માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં રીડર, ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદનાં મંત્રી તથા મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી. પાંત્રીસેક વર્ષની અધ્યાપકીય કારકિર્દી ધરાવનાર હેમન્ત દેસાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ તરીકે 1994માં નિવૃત્ત થયા. 1997 - 1998માં  ‘કવિલોક’ દ્વૈમાસિકના તંત્રીપદે પણ રહ્યા.

નવસારીની ગાર્ડા કોલેજનાં અભ્યાસ દરમ્યાન કવિ ઉશનસ્_ના અધ્યાપન હેઠળ ઉપરાંત રાજેન્દ્ર શાહ, જયંત પાઠક જેવા કવિ મિત્રો અને બચુભાઇ રાવત તથા પિનાકિન ઠાકોર જેવા કાવ્ય વિવેચકો અને મર્મજ્ઞોનાં સંસર્ગમાં તેમણે કવિતાક્ષેત્રમાં નોંધપાત્ર ખેડાણ કર્યું. કવિતા ઉપરાંત વિવેચન-સંશોધન, સંપાદન ક્ષેત્રે તેમનું પ્રદાન જોવા મળે છે. 

‘ઈંગિત’ (1961), ‘મ્હેક નજરોની ગ્હેક સપનોની’ (1975), ‘સોનલમૃગ’ (1976), ‘વરદાન ફૂલનું’ (1995), ‘સહજતયા’ (2004) વગેરે કાવ્યસંગ્રહ, ‘ગુજરાતી ખંડકાવ્ય-સ્વરૂપ, સિદ્ધિ અને વિસ્તાર' (1972), ‘કવિતાની સમજ’ (1974) ‘અર્વાચીન કવિતામાં પ્રકૃતિ નિરૂપણ’ (1982), ‘કાવ્યસંગતિ’ (1983), ‘કલાપી’ (1986), ‘તરંગ અને કલ્પના’ (1991), ‘કવિતાનું રસાસ્વાદન’(1991), ‘શબ્દાશ્રય’ (1992), ‘કાવ્યસમ્માન’ (2001), ‘કાવ્યઘટના’ (2003) આદિ વિવેચન-સંશોધન ઉપરાંત પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત’ (1967), શિશિર ઋતુનાં કાવ્યોનો સંચય ‘કૂણાં સમણાં જૂની ડાળ' (1986), પીયૂષ પંડ્યાના ‘કદંબ’ કાવ્યસંગ્રહના કેટલાંક કાવ્યોના આસ્વાદલેખોનો સંચય ‘કદંબ કેરી છાયા’ (ભાનુપ્રસાદ પંડ્યા સાથે, 1992) અને ‘ગુજરાતી કવિતાચયન’ (1997) આદિ સંપાદન કૃતિઓ મળી આવે છે.

તેમના સાહિત્યિક પ્રદાનને બિરદાવતા 1958નો કુમારચંદ્રક, 1987નો અખિલ ભારતીય કલાપી એવોર્ડ, 1992નો શ્રી રમણલાલ જોષી પારિતોષિક, ‘કવિતાની સમજ’ને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક, 1992માં ‘શબ્દાશ્રય'ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી વિવેચન પારિતોષિક અને અ.ક.ત્રિવેદી સુવર્ણચંદ્રક આદિ પુરસ્કાર એનાયત થયા છે.