હર્ષદ ત્રિવેદીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામમાં 17 જુલાઈ, 1958ના રોજ થયો હતો. પિતાનું નામ અમૃતલાલ અને માતાનું નામ શશિકલા. સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઇસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યું. ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની થયા. ગુજરાતી લેખિકા બિંદુ ભટ્ટ સાથે 1991માં તેમણે લગ્ન કર્યાં હતાં.
હર્ષદ ત્રિવેદીએ કારકિર્દીની શરૂઆત ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયેલા ગુજરાતી સાહિત્યકોશના સંપાદકીય વિભાગમાં સંશોધન સહાયક તરીકે કરી. અહીં તેમણે 1981થી 1984 સુધી કામ કર્યું. ત્યાર બાદ ગુજરાતી સાહિત્ય અકાદમીમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. એક દાયકા બાદ 1995માં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિના સંપાદક બન્યા અને બે દાયકા સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. 2009થી 2013 દરમિયાન તેમને શબ્દસૃષ્ટિના સંપાદકની સાથે સાથે અકાદમીના મહામાત્ર પણ બનાવાયા હતા. હર્ષદ ત્રિવેદી હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે.
હર્ષદ ત્રિવેદીનો પહેલો કાવ્યસંગ્રહ 'એક ખાલી નાવ' 1984માં પ્રકાશિત થયો હતો. આ કાવ્યસંગ્રહને 1992માં જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો. આ પછી તેમણે 'રહી છે વાત અધૂરી' (2002), 'તારો અવાજ' (2003) અને 'તરવેણી' (2014) જેવા કાવ્યસંગ્રહો આપ્યા. તેમણે કવિતાઓમાં શહેરી અને ગ્રામીણ જીવન વિશે લખ્યું છે. કવિતાઓમાં વિષયને લઈને જોવા મળેલી સ્પષ્ટતા અને ભાષાકીય સમૃદ્ધિની વિવેચકોએ પ્રશંસા કરી છે.
હર્ષદ ત્રિવેદીએ લખેલી ટૂંકી વાર્તાઓનું પહેલું પુસ્તક 'જાળિયું’ 1994માં પ્રકાશિત થયું હતું. આ વાર્તાસંગ્રહમાં નપુંસક પતિની પીડા, સ્ત્રીનું તેના પતિ સિવાય અન્ય કોઈ પ્રત્યેનું આકર્ષણ અને લેસ્બિયન સંબંધ જેવા વિવિધ વિષયોને સ્પર્શ્યા છે. પાણી કલર (1990) તેમનો બાળસંગ્રહ છે અને શબ્દાનુભાવ આલોચનાત્મક લેખોનો સંગ્રહ છે.
હર્ષદ ત્રિવેદીએ ગુજરાતી સંપાદન ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. સામયિકોમાં છપાયેલી પસંદગીની કવિતા પરથી ગુજરાતી કવિતાચયન (1991), સ્વર્ગસ્થ સાહિત્યકારો ઉપરથી 'સ્મરણરેખા' (1997), ગુજરાતી ગઝલોનું સંપાદન 'ગઝલશતક' (1999), ભોળાભાઈ પટેલ સાથે મળીને 'ગુર્જર અદ્યતન નિબંધસંચય' (1999) અને 1998ની શ્રેષ્ઠ વાર્તાઓ (1999) તેમણે સંપાદિત કરેલાં પુસ્તકો છે. સાહિત્યકારોના ઇન્ટરવ્યૂ અને સંવાદનો સંપાદન ગ્રંથ 'તપસીલ' (1999) છે.
આ ઉપરાંત આ ગ્રંથોનું સંપાદન તેમણે કર્યું છે : '2000ની શ્રેષ્ઠ વાર્તાઓ' (2001), 'વેદના એ તો વેદ' (2001), 'લાલિત્ય' (2004), 'કાવ્યાસ્વાદ' (2006), 'રાજેન્દ્ર શાહનાં સૉનેટ' (2007), 'અલંકૃતા' (2008), 'અસ્મિતાપર્વ : વાક્ધારા ભાગ 1થી 10' (2008), 'નવલકથા અને હું' (2009) અને 'પાંચ દાયકાનું પરિદર્શન' (2011).
હર્ષદ ત્રિવેદીને 2014માં કવીશ્વર દલપતરામ પુરસ્કાર એનાયત થયો હતો.