Harsh Brahmbhatt Profile & Biography | RekhtaGujarati

હર્ષ બ્રહ્મભટ્ટ

જાણીતા સમકાલીન ગઝલકાર

  • favroite
  • share

હર્ષ બ્રહ્મભટ્ટનો પરિચય

ગુજરાતી કવિ, ગઝલકાર અને લેખક હર્ષ બ્રહ્મભટ્ટનો જન્મ  31 જુલાઈ, 1954ના રોજ મહેસાણામાં થયો હતો. તેઓ ફિઝિક્સ વિષયની સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી 1975માં સ્નાતક અને 1977માં અનુસ્નાતક થયા. ઉર્દૂ ગઝલમાં મહત્ત્વનું યોગદાન આપનાર આ કવિ ગુજરાત સરકારના વહીવટી અધિકારી હતા. તેઓ ગુજરાતના મુખ્ય મંત્રીના ઍડિશનલ સેક્રેટરી હતા. તેઓ જુલાઈ, 2014માં નિવૃત્ત થયા હતા. હાલ તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સલાહકાર તરીકે કામ કરે છે.

તેમનો સૌપ્રથમ ગઝલસંગ્રહ 1992માં એકલતાની ભીડમાં પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ ‘અંદર દિવાદાંડી’ (2002), ‘મૌનની મહેફિલ’ (2009), ‘જીવનનો રીયાઝ’ (2010), ‘ખૂદ ને ય ક્યાં મળ્યો છું?’ (2012), ‘ઝાકળને તડકાની વચ્ચે’, ‘તું મળે ત્યારે જડું છું’ અને ‘આભ દોર્યું તો સૂર્ય ઉગ્યો’ જેવા કાવ્યસંગ્રહ આપ્યા છે.

હર્ષ બ્રહ્મભટ્ટે ઉર્દૂ ગઝલસંગ્રહ ‘કંદિલ’ (1998), ‘સરગોશી’ (2004), ‘મેરા અપના આસમાન’ (2011), ‘ખામોશી હૈ ઇબાદત’ (2013) અને ‘મંઝિલો કો હટાકે ચલતે’ આપ્યા છે. આ ઉપરાંત તેમણે ટૂંકી કવિતાઓનો સંગ્રહ ‘કોડિયામાં પેટાવી રાત’ (2015) છે.

તેમની કેટલીક ઉર્દૂ ગઝલોને ઉસ્તાદ રાશિદ ખાન, હરિહરન, સોનુ નિગમ, અરિજિત સિંઘ, જાવેદ અલી જેવા ગાયકોએ ગાઈ છે.

હર્ષ બ્રહ્મભટ્ટે અનેક ગુજરાતી પુસ્તકોનું સંપાદન કર્યું છે. જેમાં 'વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા' (સહયોગથી), રાજેશ વ્યાસ 'મિસ્કિન'ની ગઝલો પરથી 'બેસ્ટ ઑફ મિસ્કિન' (2013), 'શબ્દ સાથે મારો સંબંધ' (અનિલ ચાવડા સાથે, 2013), 'યોગેશ જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ' (ઉર્મિલા ઠાકર સાથે મળીને, 2008), 'મારું સત્ય' (અંકિત ત્રિવેદી સાથે મળીને, 2006), 'પ્રેમ વિશે' (અનિલ ચાવડા સાથે) અને 'સાહિત્યમાં દરિયો'(પ્રફુલ રાવલ અને રાજેન્દ્ર પટેલ સાથે)નો સમાવેશ થાય છે.

ગુજરાતી ગઝલમાં આપેલા વિશિષ્ઠ પ્રદાન બદલ હર્ષ બ્રહ્મભટ્ટને 2010માં શારદા ઍવૉર્ડ અને 2012માં કલાપી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમના 'મૌનની મહેફિલ' ગઝલસંગ્રહને દિલિપ મહેતા ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત 2016માં તેમના 'મેરા અપના આસમાન' પુસ્તકને ઉર્દૂ સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતી સાહિત્ય અકાદમીએ એનાયત કર્યો હતો, જેનો તેમણે અસ્વીકાર કર્યો હતો.