રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહરીશ મીનાશ્રુનો પરિચય
જન્મ 3 જાન્યુઆરી, 1953ના રોજ આણંદમાં કૃષ્ણરામ અને લલિતાબેનને ત્યાં થયો. તેમનું મૂળ વતન આણંદ જિલ્લાનું કણજરી ગામ, પરંતુ વ્યવસાયને કારણે પેઢીઓથી આણંદ વસવાટ કર્યો. પ્રાથમિકથી મેટ્રિક સુધીનો અભ્યાસ દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ, આણંદમાં. કેમેસ્ટ્રી વિષય સાથે વી.પી. સાયન્સ કૉલેજમાંથી 1970માં તથા 1972માં એમ.બી. પટેલ સાયન્સ કૉલેજ, આણંદમાં બી.એસસી. થયા. તો 1974માં સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદથી રસાયણશાસ્ત્ર વિભાગમાંથી એમ.એસસી. થયા. 1974માં બૅંકમાં નોકરીએ જોડાયા અને હાલ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્ત થઈ હાલ કવિતાક્ષેત્રે પ્રવૃત્તિરત જીવન ગાળી રહ્યા છે. ઘરમાં ભજન-કીર્તન, પ્રાર્થના, ગુરુમહિમા, વગેરેનું સત્સંગી વાતાવરણ, જયેન્દ્ર શેખડીવાળા, રાજેન્દ્રસિંહ જાડેજા, વગેરેનો મૈત્રીપૂર્ણ સહવાસ, ચિત્રકળા પ્રત્યેનું આકર્ષણ, સંગીત તરફનો એક સ્પષ્ટ ઝોક અને પછી એમાં ઉમેરાયેલી કવિતા – તો એ સમયમાં બધી જ કળાઓ સાથેનું આ પ્રકારનું જોડાણ તેમ જ એક તરફ મધ્ય-પૂર્વના ફકીરો મૌલાના રુમી, શમ્સ તબરેઝ, વગેરે સાથેનું અનુસંધાન અને બીજી બાજુ કબીર સાથેનું અનુસંધાન—આ તમામ તેમના સર્જકપિંડને ઘડવામાં સહાયભૂત થયા છે. તેમણે બ્રિટન, અમેરિકા, અને કૅનેડાની વિદેશયાત્રા કાવ્યપઠન માટે કરી છે.
ખૂબ કાચી વયે લગભગ પાંચમા કે છઠ્ઠા ધોરણના અભ્યાસ દરમિયાન કવિતા જેવું કશું લખવાનું પ્રોત્સાહન શિશુવત્સલ અને વિદ્યાર્થીવત્સલ ગુજરાતીના શિક્ષક એવા જ્હોનભાઈ મૅકવાન પાસેથી મળ્યું. આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીમાંથી ‘બાલમિત્ર’ નામનું સામયિક પ્રગટ થતું એમાં એમની લખેલી કવિતા છપાતી રહેતી. કવિતારસિક આ શિક્ષકના કહેવાથી એકાદ-બે પ્રસંગને લઈને હરીશભાઈએ ઉભડક કવિતા રચેલી. પછી બી.એસસી.ના છેલ્લા વર્ષમાં ‘કવિલોક’ અને ‘કવિતા’ જેવાં કવિતાકેન્દ્રી સામયિક જોઈ અચરજ પામેલા અને પોતે પણ કવિતા તો લખી જ શકે એવા વિશ્વાસ સાથે ‘ચાડિયાનું દુકાળગીત’ લખ્યું. આમ જુઓ તો ચાડિયો અને દુકાળ એ એક વિરોધાભાસ છે. ચાડિયો તો ખરેખર મોલ હોય અને પંખીઓ આવતાં હોય એને ઉડાડવા માટે મૂકેલો હોય છે. પણ અહીં દુકાળ છે એટલે ખેતરમાં કશું નથી અને ચાડિયો ઊભો છે. તો ચાડિયાની કેવી મનોદશા થાય? એ ગીત એમણે ‘નૂતન શિક્ષણ’ કરીને એક સામયિક ગુણવંત શાહ અને અનંત દેસાઈ ચલાવતા, એમાં મોકલ્યું અને એ બીજા જ મહિને છપાયું.
‘સુરીલા સંવાદ’માં આરાધના ભટ્ટે લીધેલી જુદાં જુદાં ક્ષેત્રના વ્યક્તિઓની મુલાકાત સંકલિત થયેલી છે. આરાધના ભટ્ટ તરફથી હરીશ મીનાશ્રુ નામની સ્પષ્ટતા માગતાં હરીશભાઈ જણાવે છે, “એ વખતે હરીન્દ્ર દવે બહુ ઝળહળતું નામ હતું. તો મને થયું કે હરીન્દ્ર દવે અને હરીશ દવે એ બે નામમાં ખાસ ફરક નથી, તો આપણે કંઈક ફરક પાડવો જોઈએ. એટલે મેં ફરક પાડ્યો અને ‘મીનાશ્રુ’ કર્યું. એ અરસામાં મારા મનમાં એ ઇમેજ હતી જે પાછળથી એક ગીતમાં પણ આવે છે, એ ગીત પછી ‘કવિતા’માં પ્રગટ થયેલું. ‘કેમ કરી આંસુને ઓળખશે, ભાઈ, હું તો પાણીમાં તરફડતી માછલી’. આ માછલીનાં આંસુનું કલ્પન છે કે માછલીનું પર્યાવરણ જ જાણે પીડા બની ગયું છે. એ પીડાને તમે અલગથી ઓળખી નથી શકતા એવું કંઈક એમાં પ્રગટ થાય છે. એમાં બીજું કંઈ ખાસ રહસ્ય નથી.”
હરીશ મીનાશ્રુએ ગુજરાતી સાહિત્યમાં સૂફીવાદની વિલક્ષણ ભાત પાડતી નવતર–પ્રયોગશીલ રચનાઓ આપી આધુનિકોત્તર સમયગાળાના નોંધપાત્ર સર્જક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. પૂર્વેથી લખાતા આવતા સાહિત્યથી ઉફરા રહી સ્વયંસ્ફુરણાત્મક સૂક્ષ્મતમ–ગહન પ્રતીતિને પોતાની ભીતર પડેલી ભાષાક્ષમતાથી સામે પલડે મૂકી, તીવ્રતમ રીતે રજૂ કરી જાણે કવિતામાં આગવું ઋત પ્રગટાવ્યું છે. એક તરફ મધ્ય-પૂર્વના ફકીરો મૌલાના રુમી, શમ્સ તબરેઝ, વગેરે સાથેનું અનુસંધાન, તો બીજી બાજુ કબીર સાથેનું અનુસંધાન રહ્યું છે. કબીરે જે ઝીણી ઝીણી વાતો કાંતી છે, એ જુદી જુદી રીતે કવિચિત્તમાં સંગ્રહાઈને કાવ્યમાં નવોન્મેષ સહ પ્રગટ થઈ છે. ‘બનારસ ડાયરી’, ‘સુનો ભાઈ સાધો!’, ‘પદપ્રાંજલિ’ આદિમાં કબીરની હાજરી અનુભવાય છે. દર્શન આત્માની અંદર, તમારા હૃદયમાં સ્થિરપણે ઊંડે ઊતરી ગયું હોય અને એ જુદી જુદી રીતે, જુદી જુદી ભાષામાં, જુદાં જુદાં કલ્પનોથી પ્રગટવાની કોશિશ કરે છે.
‘ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા’ 1988માં પ્રગટેલો પ્રથમ કાવ્યસંગ્રહ. ધ્રિબાંગસુંદર એ એક અર્થમાં આત્મકથનાત્મક અને આત્મવિડંબનાત્મક વિ-આખ્યાન છે, પ્રતિ-આખ્યાન જેવું છે. કવિની હાજરી જરૂર વર્તાય છે, પણ સ્વાયત્ત ઉફરી છટાથી. ત્યાં સુધી કે કવિ પોતાની જાતની હાંસી ઉડાવે છે. આ કવિતા ભલે આમ અંતર્મુખ લાગતી હોય, પણ એક બહિર્મુખ પદાર્થ છે. કવિચિત્તમાં જે કંઈ સ્પંદનો જાગતાં હશે અને ભાષા સાથે જે કંઈ ક્રીડા થતી હશે તે અવશ્ય અંતર્મુખ છે. સિદ્ધ કરેલી જે અંતર્મુખ એકાગ્રતા છે તે ભાષાના આલંબને, ભાષાની બહિર્મુખ ભૂંગળીથી બહાર આવે છે. ધ્રિબાંગસુંદરની આ રચનાઓની જે પદાવલી છે એ અત્યંત શૃંગારપ્રધાન છે. કંઈક અંશે એમાં સંભોગશૃંગારનાં ચિત્રો પણ છે. કવિની ભીતર અંદર જે સ્પ્લિટ પર્સનાલિટી હતી, જે અડધી ધ્રિબાંગ છે અને અડધી સુંદર છે, ધ્રિબાંગ – એ અભિવ્યક્તિ, જે પોલું છે તે બોલે છે. તો કવિતામાં આ જે બોલવાની પ્રક્રિયા છે એ છે ધ્રિબાંગ અને અંદરનું બીજું જે સુંદર અંગ છે, એ બંને અંગ વચ્ચેનો આ એક સંઘર્ષ છે – એ બધું આ કવિતામાં પ્રગટ થાય છે. એટલે કવિ આત્મવિડંબન, જાતમશ્કરી કરવાની કોશિશ કરે છે, અને સાથે સાથે ચારેબાજુ જે પરિવેશ છે સાહિત્યનો, એની વિડંબના પણ કરે છે. સુંદર લાલિત્યપૂર્ણ ભાષા વિશે પણ ચિત્તમાં એક કવિ લેખે અને એક પરમાર્થી તરીકે કવિતામાં ભાષાનું આ લાલિત્ય પણ પ્રગટ કરવાની ઇચ્છા સહ એક-બે પ્રકરણ ગઝલનાં લખ્યાં છે, પછી મધ્યકાલીન કુંડળિયાનો પ્રકાર છે એનું પણ એકાદ પ્રકરણ છે. પછી ગીતો છે, પણ એને ગીતો નથી કહ્યાં પણ ‘તિર્યગ્ ગીતિ’ એવું કહ્યું છે, અછાંદસ પણ છે, ગદ્યકાવ્ય પણ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે કવિને ભાષાનું ઐશ્વર્ય પણ એ કાવ્યોમાં પ્રગટ કરવું હતું. પણ એક કવિ તરીકેની અભિલાષા અને એક પરમાર્થી તરીકે એ ઘટનાને સ્વીકારવાનો ભાવ એ બે વચ્ચેનો સંઘર્ષ અહીં પ્રગટ થાય છે. ‘સુનો ભાઈ સાધો’ (1999, 2011)માં સંતમતની વાત ગઝલમાં પ્રગટ થઈ છે, ‘તાંબૂલ’ (1999, 2009), ‘તાંદુલ’ (1999, 2011), ‘પર્જન્યસૂક્ત’ (1999, 2011), ‘પદપ્રાંજલિ’ (2004)માં સંતમતની વાત જુદી જુદી રીતે પદોમાં પ્રગટ થઈ છે અને અહીં એ ગદ્યકવિતારૂપે પ્રગટ થાય છે. એ ગદ્યકવિતારૂપે પ્રગટ થાય છે ત્યારે જરા એક વિશેષ આધુનિકતાના દાબ સાથે એક નવા પ્રકારની ભાષા, સંકુલ ભાષા લઈને એ આવે છે. એમાં કવિ તો હાજર છે જ, કબીર હાજર છે, અને બનારસ એક શહેર તરીકે છે. બનારસનાં બે પાસાં છે – એક કવિતા એવી પણ છે કે જેમાં અમુક પંક્તિઓમાં બનારસ એક સ્થૂળ નગર તરીકે આવે, અને પછી તરત જ કબીરની વાત આવે, વળી પાછી બનારસની વાત આવે. એમ બે જુદા જુદા તાણા અને વાણા એમાં વણાતા જાય અને એ બે વચ્ચેનું ટેન્શન—જે અંતર્મુખ અને બહિર્મુખ પ્રકારનાં બનારસો છે, એનું—રચાતું જાય. અને એમ કરીને એ ટેન્શનમાંથી એક અસલ વાત અથવા તત્ત્વ ઊભરી આવે. આવું કંઈક એ કવિતાઓમાં થાય છે. ‘નારંગી’, ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’ (2011), ‘પંખી પદારથ’ (2011), ‘બનારસ ડાયરી’ (2016), ‘નાચિકેત સૂત્ર’ (2017), ‘કુંભલગઢ’ (2022) જેવા કાવ્યસંગ્રહો; ઉપરાંત ‘દેશાટન’ (ભારત અને વિદેશી કાવ્યોના અનુવાદ), સાતમી સદીના ચાઇનીઝ કવિ ‘વૉઙ્ગ વિનાં કાવ્યોના અનુવાદ’, ‘હમ્પીના ખડકો’, ‘સન્નિધાન’, ‘સાત વૃક્ષો આથમતા ઉજાસમાં’ (નિકારાગુઆ કવિતાનો અનુવાદ) જેવાં કવિતા અનુવાદનાં પુસ્તકો પણ મળ્યાં છે. ‘નખશિખ’ (આધુનિક ગુજરાતી ગઝલોનો સંચય, 1977), ‘શેષવિશેષ’ (પ્રમોદકુમાર પટેલ સાથે, 1984ની કવિતાઓનું સંપાદન, 1985), ‘રૂપલબ્ધિ’ ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર (2004) જેવાં સંપાદન આપ્યાં છે. ઉપરાન્ત, એમનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદનું પુસ્તક ‘A tree with thousand wings’ નામે મળે છે. તેઓ ગુજરાતી ભાષાનાં અનેક નોંધપાત્ર પારિતોષિકોથી સન્માનિત થઈ ચૂક્યા છે. તખ્તસિંહજી પરમાર પારિતોષિક, જયંત પાઠક કવિતા પુરસ્કાર, સોહમ સ્મારક પુરસ્કાર, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, આઇ.એન.ટી.નો કલાપી ઍવૉર્ડ, વલી ગુજરાતી ગઝલ પારિતોષિક, આદ્યકવિ નરસિંહ મહેતા ઍવૉર્ડ, દિલીપ મહેતા પારિતોષિક તથા તેમના ‘બનારસ ડાયરી’ (2016) માટે 2020ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર જેવાં પારિતોષિક, તદુપરાંત ‘નાચિકેત સૂત્ર’ માટે કુસુમાંજલિ સાહિત્ય સન્માન ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થતાં તેમની કીર્તિમાં વધુ એક પીંછું ઉમેરાયું.