હરીશ મંગલમ્ ગુજરાતી દલિત સાહિત્ય આંદોલનમાં શરૂઆતથી જોડાયેલા છે. તેમણે કવિતા, વાર્તા, નવલકથામાં સર્જન કર્યું છે. આ ઉપરાંત તેમણે વિવેચન, આસ્વાદ અને સંપાદનમાં ખૂબ સક્રિયતા દાખવી છે, તેઓ હયાતી સામયિકના તંત્રી છે. દલિત સાહિત્ય અકાદમીના સંસ્થાપક સભ્ય અને મહામંત્રી પણ છે. 1991માં પ્રકંપ કાવ્યસંગ્રહથી શરૂ થયેલી તેમની સર્જન સફર 40થી વધારે પુસ્તકો સુધી વિસ્તરી છે જેમાં દરેક વિદ્યાનો સમાવેશ થાય છે. હરીશ મંગલમને ગુજરાતી દલિત વાર્તા સંપાદન માટે ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયેલું છે. તલપ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક એનાયત થયું છે. દલિત સાહિત્યમાં સમગ્ર પ્રદાન માટે ગુજરાત સરકારે તેમને સંતશ્રી કબીર એવોર્ડથી સન્માનિત કર્યા છે.