તેમનો જન્મ ખંભરા, કચ્છ જિલ્લાના ખંજરીમાં. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અભ્યાસ કર્યો. પછીથી 1951માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક અને 1961માં અનુસ્નાતક. 1951થી 1968 ‘જનશક્તિ’ દૈનિક અને ‘સમર્પણ’ના સંપાદક. ‘સમકાલીન’ વર્તમાનપત્રમાં તંત્રી. 1968થી 1973 સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી. 1973માં ફરી ‘જનશક્તિ’માં જોડાયા અને ત્યાર બાદ ‘જન્મભૂમિ’, ‘પ્રવાસી’માં મુખ્ય તંત્રી તરીકે અંતિમ વિદાય સુધી કાર્યરત રહ્યા.
1946માં 16 વર્ષની વયે ‘માનસી’માં પહેલું કાવ્ય પ્રકાશિત થયું ત્યારથી સતત ચાલેલી એમની કાવ્યસાધનાના પરિણામરૂપે એમણે ‘આસવ’ અને ‘સમય’ એ બે ગઝલસંગ્રહો; ‘મૌન’ ગીતસંગ્રહ; ‘મનન’ તેમ જ ‘અર્પણ’ મુક્તકસંગ્રહ, અને ‘સૂર્યોપનિષદ’ અછાંદસ કાવ્યોનો સંગ્રહ આપ્યા છે. 1976 સુધીનાં એમનાં કાવ્યોમાંથી સુરેશ દલાલે ‘હયાતી’ નામે સંગ્રહ સંપાદિત કર્યો. ‘અગનપંખી’, ‘પળનાં પ્રતિબિંબ’, ‘અનાગત’, ‘માધવ ક્યાંય નથી’, ‘સુખ નામનો પ્રદેશ’, ‘સંગ-અસંગ’ ‘વસિયત’, ‘લોહીનો રંગ લાલ’, ‘ગાંધીની કાવડ’, ‘મુખવટો’, ‘વસિયત’, ‘નંદિતા’, વગેરે નવલકથા. ‘યુગે યુગે’ તથા ‘સન્ધ્યાકાળે પ્રભાતફેરી’ નામનાં બે નાટકો.
‘દયારામ’, ‘ગાલિબ’, ‘કવિ અને કવિતા’, ‘મુશાયરાની કથા’, ‘ઇકબાલ’, ‘વિવેચનની ક્ષણો’, ‘કલમની પાંખે’ આદિ વિવેચન. ‘નીરવ સંવાદ’, ‘વેરાતું સ્વપ્ન ઘૂંટાતું સત્ય’, ‘શબ્દ ભીતર સુધી’, ‘ઈશ્વરની આંખનું આંસુ’, ‘કથાયાત્રા’ નિબંધસંગ્રહો. ‘મધુવન’, ‘કવિતા’, ‘મડિયાનું મનોરાજ્ય’, ‘શબ્દલોક’ સંપાદન. ‘પિંજરનું પંખી’, ‘ધરતીના છોરું’, ‘જ્યોત સદા જલે’, ‘પરિનિર્વાણ’, ‘ચરણ રુકે ત્યાં’, ‘એકલની પગદંડી’, ‘વાદળ વરસ્યાં નહીં’, ‘મરુભૂમિ’, ‘કવિ અને કવિતા - ડેવિડ વેગનર અને વિલિયમ સ્ટેફર્ડ’ ઇત્યાદિ અનુવાદ. The Cup Of Love અંગ્રેજી સર્જન.
શ્રેષ્ઠ પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક (1982), સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1978), દિલ્હીનો ઍવૉર્ડ (1982) અર્પણ થયા છે. એમની સ્મૃતિમાં સ્થપાયેલું હરીન્દ્ર દવે મેમૉરિયલ ટ્રસ્ટ વર્ષ 2005થી ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક’ એનાયત કરે છે.