અગ્રણી ગુજરાતી સાક્ષર એવા કેશવ હર્ષદ ધ્રુવના મોટા ભાઈ એવા હરિલાલ ધ્રુવનો જન્મ 10 મે, 1856ના રોજ સાબરકાંઠા જિલ્લાના દહેગામ તાલુકાના બહિયેલ મુકામે હર્ષદરાયને ત્યાં થયો. 1870માં મેટ્રિક, 1873માં વિનયન સ્નાતક, 1880માં એલએલ.બી., 1881થી 84 સુધી શિક્ષક, 1884થી સુરતમાં વકીલાત, ત્યાર બાદ વડોદરામાં ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ, 1889માં પુરાતત્ત્વવિષયક સંશોધનલેખોને લીધે સ્ટૉકહોમની ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિ અને બર્લિન યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટ (પીએચ.ડી.) થયા. 1893માં ‘વિલ્સન ફિલોલૉજિક્લ લેક્ચર્સ’ એમણે મુંબઈ યુનિવર્સિટીમાં આપ્યાં હતાં. આ ઉપરાંત સ્ટૉકહોમની ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં ‘રેખાગણિત’ વિશે નિબંધ તેમ જ પ્રાચ્યવિદોની પરિષદમાં તેમણે ‘ભવાઈ’ વિશે અંગ્રેજીમાં નિબંધ રજૂ કર્યો હતો. ‘આહારમીમાંસા’ અને ‘આહારમીમાંસા તથા નિર્ણય’ નામક અન્ય નિબંધોમાં તેમણે માંસાહારનું ખંડન અને શાકાહારનું મંડન કર્યું છે. પ્રાચીન તામ્રપત્રો અને શિલાલેખોના સંશોધનમાં એમણે ઘણો રસ લીધો હતો. ‘ચન્દ્ર’ નામક સાહિત્યિક માસિકના તેઓ તંત્રી હતા. ચાર દાયકા જીવેલા તેમણે 29 જૂન, 1896ના રોજ આ લોકમાંથી કાયમી વિદાય લીધી.
હરિલાલની સોળેક વર્ષની સાહિત્યિક પ્રવૃત્તિ દરમિયાન લખાયેલાં કાવ્યનો મોટો ભાગ ‘કુંજવિહાર’ (1895) અને ‘પ્રવાસ પુષ્પાંજલિ’ (1909) સંગ્રહમાં સમાવિષ્ટ પામ્યો છે. તેમનાં કાવ્યો વિષયની દૃષ્ટિએ ચાર ભાગમાં—શૃંગાર, દેશભક્તિ, પ્રકૃતિવર્ણન, અને પ્રાચીન વિષયોનાં વર્ણનાત્મક ઊર્મિકાવ્ય—વહેંચી શકાય. ‘પ્રવાસ પુષ્પાંજલિ’માં કવિએ જોયેલી-અનુભવેલી યુરોપની પ્રાકૃતિક રમણીયતા અને ભવ્યતા તેમ જ તે દ્વારા માતૃભૂમિનું સ્મરણ ગૂંથ્યું છે. ‘પ્રજારણગર્જન’ અને ‘શૂરતરંગિણી’નાં કાવ્યોમાં દેશપ્રેમની છાલક તેમ જ નર્મદ કાવ્યરીતિનું અનુરણન અનુભવાય છે. તો ‘રાત્રિવર્ણન અને મધુરાકાશદર્શન’ ભવ્ય પ્રકૃતિ-નિરૂપણનું નોંધપાત્ર દૃષ્ટાંત છે. ‘શાન્ત સ્વસ્થ કેસરી’ અને ‘વિકરાળ વીર કેસરી’ ચિત્રો અને શિલ્પો જોઈ સ્ફુરેલાં કાવ્યો છે. એમણે મેઘદૂત શૈલીમાં ‘માલતીસંદેશ’ નામક રચના કરી છે. ‘આર્યોત્કર્ષ’ અને ‘વિક્રમોદય’ નામક નાટ્યકૃતિઓ તેમ જ હરિલાલે ‘અમરુશતક’ તથા ‘શૃંગારતિલક’ શ્લોકોના અનુવાદો પણ આપેલા છે. ‘પ્રાચીન સાહિત્ય રત્નમાળા’માં એમનું સંશોધન પ્રગટ થયું છે. તેમણે ‘ચંદ્રપ્રભાચરિત્ર’ના વિવેચન ઉપર ચર્ચાપત્ર પણ આપ્યું છે.