Harikrishna Pathak Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિકૃષ્ણ પાઠક

ગુજરાતી કવિ, વાર્તાકાર, બાળસાહિત્યકાર અને સંપાદક

  • favroite
  • share

હરિકૃષ્ણ પાઠકનો પરિચય

તેમનો જન્મ 5 ઓગસ્,ટ 1938ના રોજ મોંઘીબેન અને રામચંદ્રભાઇને ત્યાં બોટાદમાં થયો હતો. વતન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું ભોળાદ ગામ. 1956માં મૅટ્રિક, 1961માં ગુજરાત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન પ્રવાહ સાથે સ્નાતકની પદવી, 1961-62માં સોનગઢમાં શિક્ષક, 1963થી તેઓ ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ અને પછીથી વિભાગીય અધિકારી અને પછી મદદનીશ સચિવના પદથી નિવૃત્ત થયા હતા. તેઓ 1994થી 2017 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીમાં સક્રિય રહ્યા, સાથોસાથ અનુક્રમે પ્રસારમંત્રી, વહીવટીમંત્રી અને ઉપપ્રમુખ રહ્યા હતા. હાલ તેઓ ગાંધીનગરમાં જ રહીને અનેક રીતે પ્રવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જો કે તેઓ સરકારી સેવામાં હતા, ત્યારે પણ નવોદિતો માટે શિબિરોનું સંચાલન કરીને સતત પ્રવૃત્તિશીલ રહેતા. ‘ગાંધીનગર સાહિત્યસભા’ના સ્થાપક પ્રમુખ અને ‘બુધ કવિતાસભા’ દ્વારા સતત કાર્યરત રહ્યા.

તેમનું પ્રથમ સર્જન ‘નાટકનો તખ્તો’ ‘ચાંદની’ સામયિકમાં પ્રગટ થયું હતું, જ્યારે તેમની પ્રથમ કવિતા ‘કુમાર’માં પ્રગટ થઈ હતી. ‘સૂરજ કદાચ ઊગે’ (1974) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. આ ઉપરાંત ‘અડવા પચીસી’ (1984), ‘જળના પડઘા’ (1995), ‘રાઈનાં ફૂલ’ (2005), ‘ઘટના ઘાટે’ (2009), ‘સાક્ષર બોતેરી’ (2011) પણ મહત્વના સંગ્રહો છે. ‘જળમાં લખવાં નામ’ (2011)માં એમની સમગ્ર કાવ્યસૃષ્ટિ સંકલિત છે.  ‘મોરબંગલો’ (1988), ‘નટુભાઈને તો જલસા છે’ (2008) એમના વાર્તાસંગ્રહ છે. તો ‘ગલીને નાકેથી’ (1993) વિવેચન, ‘હળવી હવાની પાંખે’ (2005) પ્રવાસકથા, ‘મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, ‘ગાફિલ’ ’ (પરિચયરેખા) ‘અંગત અને સંગત’ (2009) નિબંધસંગ્રહ અને ‘સ્વૈરકથા’ (2018) હાસ્યકથા - આદિ પુસ્તક મળે છે.

‘નગર વસે છે’ (1978, ગાંધીનગરની ‘બૃહસ્પતિસભા’ના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું સંપાદન), ‘કવિતાચયન’ (1996), ‘ગૂર્જર અદ્યતન નવલિકા’ (1998, રઘુવીર ચૌધરી સાથે), ‘ગૂર્જર નવલિકાસંચય’ (1998, રઘુવીર ચૌધરી સાથે), ‘આપની યાદી’ (કલાપીના ચૂંટેલાં કાવ્યોનું સંપાદન), ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય’ (ચંદ્રકાન્ત શેઠ સાથે, 2002), મુકુન્દરાય પારાશર્ય સ્મૃતિગ્રંથશ્રેણી: ‘સ્મૃતિદર્શન’ (2010), ‘છીપે પાક્યાં મોતી’ (2010) અને ‘પારાશર્યનું ભાવવિશ્વ’ (2010) - (કનુભાઈ જાની તથા દિલાવરસિંહ જાડેજા સાથે), બાલમુકુન્દ દવેનું સમગ્ર સાહિત્ય: ‘બૃહદ્દ પરિક્રમા’ (સમગ્ર કવિતા, 2010), ‘અલ્લક-દલ્લક’ (સમગ્ર બાલકાવ્યો, 2011), ‘પ્યાસ અને પરબ’ (કાવ્ય-આસ્વાદ તથા સાહિત્યિક લેખો, 2011) અને ‘ઘટઘટમાં ગંગા’ (પ્રૌઢ નવશિક્ષિતો માટેના ચરિત્રાત્મક આલેખો, 2011) આદિ તેમનું સંપાદન છે.

તેમણે ગુજરાતી બાળસાહિત્યમાં પણ યોગદાન આપ્યું છે. જેમાં ‘કોઈનું કંઈ ખોવાય છે’ (1981, શિશુકાવ્યોનો સંગ્રહ), ‘દોસ્તારની વાતો’ (1993, બાળવાર્તાઓનો સંગ્રહ), ‘ગુલાબી આરસની લગ્ગી’ (1979, કિશોરજીવન પ્રસંગકથાઓનો સંચય) અને ‘હલ્લો-ફલ્લો’ (2005) નામે બાળસાહિત્યનું પુસ્તક સમાવેશ પામે છે. 

તેમને કુમાર સુવર્ણ ચંદ્રક (1967), ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (1973), ક્રિટિક્સ ઍવૉર્ડ (1984), ‘જળના પડઘા’ માટે નર્મદચન્દ્રક (1993 - 1997) તેમજ જયંત પાઠક કવિતા-પુરસ્કાર (1995), ગુજરાતી સાહિત્યસભા તરફથી ધનજી કાનજી ગાંધી સુવર્ણચન્દ્રક (2010), વર્ધમાન વિકાસ ટ્રસ્ટ, વઢવાણ દ્વારા કવિશ્રી દલપતરામ ઍવૉર્ડ (2011), નરસિંહ મહેતા ઍવૉર્ડ (2013) — આદિ પુરસ્કારો મળ્યા હતા.