Harihar Bhatt Profile & Biography | RekhtaGujarati

હરિહર ભટ્ટ

ગાંધીયુગીન કવિ

  • favroite
  • share

હરિહર ભટ્ટનો પરિચય

  • મૂળ નામ - હરિહર પ્રાણશંકર ભટ્ટ
  • જન્મ -
    01 મે 1895
  • અવસાન -
    10 માર્ચ 1978

‘એક જ દે ચિનગારી, મહાનલ!’ કાવ્યથી મશહૂર થયેલા કવિ હરિહર ભટ્ટનો જન્મ 1 મે, 1985ના રોજ સૌરાષ્ટ્રના વેકરિયામાં થયો હતો. આ ગુજરાતી કવિએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગરમાં લીધું હતું. બી.એ. મુંબઈથી થયા અને મહારાષ્ટ્રના અકોલામાં સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવાઓ આપી.

સાબરમતી આશ્રમમાં 1919થી 1930 દરમિયાન સેવાકાર્ય કર્યું હતું. ધરાસણા મીઠાના સત્યાગ્રહમાં વિરમગામની ટુકડી સાથે જોડાયા હતા. આ દરમિયાન પોલીસે તેમની પર દમન કર્યું અને અગરમાં ડુબાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનો જીવ માંડમાંડ બચ્યો હતો.

અસહકારના આંદોલનમાં સત્યાગ્રહી તરીકે તેમની ધરપકડ થતાં 18 માસના કારાવાસની સજા થઈ. આ પછી તેઓ અમદાવાદમાં આવેલા ભો. જે. વિદ્યાભવનમાં ખગોળશાસ્ત્રના અધ્યાપક બન્યા અને પીએચ.ડી.ના માર્ગદર્શક પણ રહ્યા. ‘સંદેશ’ના ‘પ્રત્યક્ષ પંચાંગ’ની 1982માં શરૂઆત થઈ ત્યારથી તેઓ તેના મુખ્ય સંપાદક બન્યા અને મૃત્યુ પર્યંત કામ કર્યું. અમદાવાદની વેધશાળાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી. તેમનું અવસાન 10 માર્ચ 1978ના રોજ અમદાવાદમાં થયું.

‘હૃદયરંગ’ નામના તેમના કાવ્યસંગ્રહમાં 21 ગેય લઘુ ઊર્મિકાવ્યો  છે. આ કાવ્યસંગ્રહની ‘ભવ્ય ડોસા !’ નામની કવિતામાં ગાંધીજીના ગુણોનો મહિમા ગાયો છે. રાષ્ટ્રભક્તિની ભાવના જગાવતી કવિતા ‘હમારો દેશ’ અને અંધશ્રદ્ધાની ઠેકડી ઊડાડતી ‘ગામઠી ગીતા’ નામની રચના રોચક છે.

ખગોળને લગતા ગ્રંથો ‘ખગોળ ગણિત’ ભાગ 1 થી 5, ‘પ્રત્યક્ષ કુંડલી ગણિત’, ‘સૂર્ય-સારણી’, ‘મંગલ-સારણી’ અને ગ્રહણસારણી તેમના જાણીતા ગ્રંથો છે.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)