હનીફ 'સાહિલ' ઉપનામધારી હનીફખાન મોહમ્મદખાન પઠાણનો જન્મ 31 માર્ચ 1946ના રોજ પેટલાદમાં થયો. પેટલાદમાંથી પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યું. બી.એસસી, બી.એડ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શરૂઆતમાં રાધનપુર અને પછી દસાડામાં માધ્યમિક શાળાના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પછી બાયૉલૉજી સાથે એમ.એસસી અને એમ.એડ.ની પદવી મેળવી. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં શેઠ જે. એચ. સોનાવાલા હાઇસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીવવિજ્ઞાનના અધ્યાપક તરીકે સેવારત રહ્યા અને વર્ષ 2004માં નિવૃત્ત થયા. 9 જૂન 2019ના રોજ 73 વર્ષની વયે તેમનું અવસાન થયું.
ઉર્દૂ અને ગુજરાતી બંને ભાષામાં લખતા આ સર્જક પાસેથી વર્ષ 1985માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 'પર્યાય તારા નામનો' નામે પ્રથમ ગઝલસંગ્રહ પ્રગટ થયો. પછી ‘ગુફતગૂ’ (2000), ‘અચરજની પાર’ (2009), ‘કેફિયત’ (2011) જેવા ગઝલસંગ્રહ, ‘હવાના ટકોરા’(2009), 'સુખનવર' (2013), ‘તહેકીકો તફસીર’ (2010), ‘તારા નામે લખું છું સિતારા પતંગિયા’ (2016), ‘નઈ ગઝલ કા મંઝરનામા’ (2017) અને ‘ગઝલનું પરિશીલન’ (2017) જેવાં પુસ્તકો ઉપરાંત 'ગુજરાત ટુડે' દૈનિકમાં 'શબ્દસંતૂર' નામની શેર -શાયરીના આસ્વાદ કરાવતી કૉલમ વર્ષો સુધી ચલાવી, તેમાંથી લેખોનું સંકલન કરીને 'શબ્દ સંતૂર' નામથી પુસ્તક પ્રગટ કર્યું. તો ઉર્દૂ ભાષામાં 'બિખરતી સાઅતો કા સિલસિલા' (2013), ‘હસરતે અર્રે તમન્ના’ (2013) અને ’ગુમશુદા સાઅતો કી તલાશ’ (2016) પણ પુસ્તકો આપ્યાં છે.
તેમને સર્જન બદલ કવિ જયંત પાઠક પારિતોષિક, મનહરલાલ ચોકસી પારિતોષિક, ગુજરાતી અને ઉર્દૂ સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર, ગુજરાત સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર, શ્રેષ્ઠ ગઝલસંગ્રહ ઍવૉર્ડ આદિથી નવાજવામાં આવ્યા છે.