ગુજરાતી ભાષાના જાણીતા વિવેચક અને વાર્તાકાર ગુણવંત વ્યાસનો જન્મ 2 જુલાઈ, 1964ના રોજ થયો હતો. મૂળ અમરેલીના વતની ગુણવંતભાઈએ ડભોઈ-વડોદરા-આણંદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગુણવંત શાહ હાલ આણંદની આર્ટસ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છે અને શૈક્ષણિક વર્ષ 2023-24ના ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે પણ સેવારત છે. 33 વર્ષથી અધ્યાપન કાર્ય કરે છે. તેમની પાસેથી આપણને પાંચ વિવેચનસંગ્રહો, ત્રણ વાર્તાસંગ્રહો, પાંચ સંપાદનગ્રંથો અને બે નિબંધસંગ્રહો પણ મળ્યા છે.
ગુણવંત વ્યાસનો પીએચ.ડી. માટેનો શોધનિબંધ ‘ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રીકૃષ્ણ’ના નામે હતો. આ સંશોધનમાં તેમણે ગુજરાતી નવલકથામાં શ્રીકૃષ્ણ વિશે અભ્યાસપૂર્ણ સંશોધન કર્યું. તેમના આ સંશોધનને ગુજરાતી સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી વર્ષ 2006માં સંશોધન-વિવેચન વિભાગના શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક એનાયત થયું હતું.
કવિ અને કાવ્ય વિશેનો એમનો અભ્યાસગ્રંથ ‘કાવ્યવ્યાસંગ’ છે. ‘રચનાબોધ’, ‘શબ્દબોધ’ અને ‘અર્થબોધ’માં તેમણે ગુજરાતી સાહિત્યની સુંદર સમીક્ષા કરી છે. ‘આ લે, વાર્તા’ વાર્તાસંગ્રહની ‘વિકલ્પ’ અને ‘હિંચકો’ જેવી વાર્તાએ તેમને પ્રતિષ્ઠા અપાવી. ગુણવંત શાહના ‘શમ્યપ્રાસ’ અને ‘13’ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પુરસ્કારો પણ પ્રાપ્ત થયાં છે. નરસિંહ મહેતાકેન્દ્રી કાવ્યોનું સંશોધન અને સંપાદન ‘જૂજવે રૂપે અનંત ભાસે’ તેમણે કરેલું ખૂબ જ સુંદર સંપાદન છે. તેમણે દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત નવલકથાઓ વિશેના અભ્યાસોનું સંશોધન-સંપાદન ‘પુરસ્કૃત નવલકથા’ના નામે કર્યું છે જે પણ ખૂબ મૂલ્યવાન છે.
ગુણવંત શાહના દલિત સાહિત્ય પરના બે સંપાદનો ‘દલિત સાહિત્ય : અભ્યાસ અને અવલોકન’ અને ‘જૉસેફ મૅકવાનનો વાર્તાલોક’ નોંધપાત્ર છે. તેમણે ગુજરાતના જાણીતા સાહિત્યકારોની કથાઓ કરવાનું પણ કામ શરૂ કર્યું છે. સાહિત્યને કથાના માધ્યમથી લોકો સુધીનો પહોંચાડવાના તેમના આ ઉપક્રમને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં એમણે કવિ રમેશ પારેખનાં જીવન પર આધારિત ચૌદ ‘રમેશકથા’, જાણીતા હાસ્યકાર જ્યોતીન્દ્ર દવેનાં સાહિત્ય આધારિત આઠ ‘જયોતીન્દ્ર દવેનો હાસ્ય-દરબાર’, દલપતરામનાં સાહિત્ય આધારિત ‘દલપત-કથા’ ઉપરાંત ‘ભગવતીકુમાર શર્મા કથા’, ‘મેઘાણી-કથા’, ‘બકુલ ત્રિપાઠીનો હાસ્યદરબાર’ જેવા ઉપક્રમો સાથે એમણે અગિયાર ‘કૃષ્ણકથા’ અને ચાર ‘જલારામ-કથા’ પણ કરી છે.