Gulammohammed Sheikh Profile & Biography | RekhtaGujarati

ગુલામમોહમ્મદ શેખ

સુપ્રસિદ્ધ કવિ, નિબંધકાર અને ચિત્રકાર

  • favroite
  • share

ગુલામમોહમ્મદ શેખનો પરિચય

જન્મ સુરેન્દ્રનગરમાં. માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરની એન.ટી. હાઈસ્કૂલમાં. 1955માં મૅટ્રિક. કલાગુરુ રવિશંકર રાવળની નાણાકીય સહાય વડે કલા-અભ્યાસ આગળ ધપાવ્યો અને 1959માં મ.સ. યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટમાં બી.એ. તેમ જ 1961માં એમ.એ. અને 1966માં રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી એ.આર.સી.એ.ની પદવીઓ મેળવી. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાંથી અનુસ્નાતક થયા પછી ગુલામમોહમ્મદ શેખે મ.સ. યુનિવર્સિટી સંસ્થામાં કળા–ઇતિહાસ વિભાગમાં અને ચિત્ર વિભાગમાં અધ્યાપન કર્યું. 1992માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શેખ ચિત્રસર્જનમાં તથા લેખનમાં પ્રવૃત્ત છે.

ગુલામમોહમ્મદ શેખ ગુજરાતી સાહિત્યના સાતમા-આઠમા દાયકાના કવિ છે. સુરેશ જોષી, ભોગીલાલ ગાંધી, પ્રબોધ ચોક્સી સાથે ભેગા મળી યુરોપિય સાહિત્યનું વાચન કરતા, વડોદરામાં શેખ માટે ભારતીય તેમ જ વિશ્વકળાને પામવાના અનેકવિધ દરવાજા ખૂલે છે. તેમની કાવ્યાત્મક ચિત્રાત્મક શક્તિ અને ચિત્રાત્મક કાવ્યશક્તિની સંયુક્તાત્મક પ્રતિભાનો વ્યાપક પરિચય કરાવતો ‘અથવા’ (1974) કાવ્યસંગ્રહ તેમ જ ‘અથવા અને’ (2013) નામે કાવ્યસંગ્રહ સુજ્ઞ ભાવક–વિવેચકનું ધ્યાન ખેંચે તેવા છે. ‘અથવા’ની આધુનિક અછાંદસ રચનાઓમાં મૂલ્યહ્રાસ, આત્મવિડંબના, વ્યર્થતા, લાચારી, વિભક્તતા, સમાજ સામે અને પોતાની જાત સાથે વિદ્રોહ પ્રગટ કરે છે. નગરસંસ્કૃતિ અને બુઠ્ઠી થઈ ગયેલી આધુનિક માનવીની પંચેન્દ્રિયો પર વ્યંગ કટાક્ષ કરી નગરજીવનના આંતરિક બની ગયેલા નંબરી માનવીનાં જૂનાં સ્પંદ ચિત્રો રજૂ કરે છે. કવિતા રચવી એટલે કે ભાષાસર્જન કરવું એવા ખ્યાલ સાથે ભાષાને કવિએ સ્વીકારી નથી. જાગૃતિક ચેતનાના સંદર્ભમાં કવિ જાણે આત્મનિરીક્ષણ કરતો હોય તેમ કહે છે કે;

“સદીઓ લાગી હિજરાયેલા જીવોની વેદના,

તમારી જરાક ઊઘડેલી આંખોમાં પ્રગટી છે.”

તેમની કવિતાસૃષ્ટિ કુત્સિતતા અને ઈશ્વરહીન જગતની દુર્દશાનાં ચિત્રોથી કે શહેર પ્રત્યેન તીવ્ર તિરસ્કારભાવથી સભર છે. તેમાં આક્રોશ–ઉશ્કેરાટ જેવા ભાવો નિરૂપાયેલા છે. આધુનિકતા સાથે નગરવાસી, નગરસંસ્કૃતિ અને તેના દ્વારા ઉદ્‌ભવેલ સમસ્યાઓ તથા સંવેદનો આકાર પામ્યાં છે.

ગુલામમોહમ્મદ શેખ આધુનિકતાવાદી અછાંદસ ગુજરાતી કવિતાના પ્રથમ બળૂકા કવિ છે. એમના કાવ્યસર્જનને ચિત્રકારની વિલક્ષણ દૃષ્ટિનો પણ લાભ મળ્યો છે. ગુલામમોહમ્મદ શેખની કવિતા ઉપમા-સમૃદ્ધિનો પણ ઉલ્લેખ કરી શકાય એટલી માતબર છે.

ગુજરાતી નિબંધસૃષ્ટિમાં ખાસ કરીને લલિત નિબંધક્ષેત્રે અનુક્રમે કાકાસાહેબ, સુરેશ જોષી, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ અને ત્યાર બાદ ગુલામમોહમ્મદ શેખ થકી એક આગવું સ્થિત્યંતર રચાય છે. સાવ જુદા અનુભવજગતમાં લઈ જતા ગુલામમોહમ્મદ શેખના ‘ઘેર જતાં’ શ્રેણીના નિબંધો સંવેદન અને અભિવ્યક્તિના અનોખા કોણને કારણે ભાવકના મનમાં રણક્યા કરે છે. આ નિબંધો મુખ્યત્વે ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા ‘ગદ્યપર્વ’માં પ્રસિદ્ધ થયા છે.

‘દૃશ્યકળા' (અન્ય સાથે 1996) નામે સંપાદન, ‘અમેરિકન ચિત્રકળા’ (1964) નામે અનુવાદ આપ્યા છે.

1983માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ ખિતાબ, 1998માં ગુજરાત સરકાર દ્વારા રવિશંકર રાવળ ઍવૉર્ડ અને 2002માં મધ્યપ્રદેશ સરકાર તરફથી ‘કાલિદાસ સન્માન, ‘ઘેર જતાં’ નિબંધસંગ્રહ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી (1961), કેન્દ્રીય લલિતકલા અકાદમી (1962) અને બૉમ્બે આર્ટ સોસાયટીએ (1963) પણ વિવિધ ખિતાબો વડે તેમને નવાજ્યા છે.