ગોવિંદ સ્વામીનો જન્મ અમદાવાદમાં 6 એપ્રિલ, 1921ના રોજ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે એક વર્ષ બાદ તે છોડીને પાટણના આયુર્વેદ મહાવિદ્યાલયમાં વૈદનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમની એક કવિતા કૉલેજના મૅગેઝીનમાં છપાઈ હતી. આ બાદ પણ તેઓ કવિતા લખતા રહ્યા અને તેમની કવિતાઓ ‘કુમાર’, ‘પ્રજાબંધુ’, ‘ગુણસુંદરી’, ‘પ્રસ્થાન’, ‘ફાલ્ગુની’, ‘માધુરી’, ‘શીલ’, ‘કુસુમ’ વગેરે સામયિકોમાં પ્રગટ થતી રહી. આજ સમય દરમિયાન તેમણે ‘ફાલ્ગુની’ ત્રૈમાસિકનું તંત્રીપદ સંભાળ્યું. ટાઈફૉઈડની બીમારીના કારણે માત્ર 23 વર્ષની વયે 5 માર્ચ, 1944ના રોજ તેમનું અવસાન થયું.
ગોવિંદ સ્વામી પર શરૂઆતમાં સામ્યવાદી વિચારધારાનો પ્રભાવ હતો. તેમણે પ્રજારામ રાવળ સાથે મળીને 1940માં ‘મહાયુદ્ધ’ નામનો કાવ્યસંગ્રહ આપ્યો હતો. તેમાં તેમના વિશ્વપ્રેમની ઝલક જોવા મળે છે. યુદ્ધ વિશેના તેમના બોલ ભાવનાત્મક છે.
ગોવિંદ સ્વામીએ કિશોરાવસ્થામાં હિમાલયની 400 માઈલની પદયાત્રા કરી હતી. આ પદયાત્રા બાદ કવિએ ‘ઠંડી’, ‘શાંત દર્શન’, ‘સંધ્યા ઢળતાં’, ‘ઋચા તારી ગાતાં’ અને ‘ઉષા કનકથાળ’ જેવી કવિતાઓ લખી છે. આ કવિતાઓ ગોવિંદ સ્વામીના અવસાન બાદ 1948માં સુન્દરમ્ સંપાદિત કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’માં પ્રગટ થઈ છે. જેમાં કવિએ પ્રકૃતિની સુંદરતાને વર્ણવી છે.
‘પ્રતિપદા’ કાવ્યસંગ્રહમાં ગોવિંદ સ્વામીએ લખેલી કવિતાઓ ઉપરાંત ‘અગ્નિવિરામ’, ‘વિદાય દુનિયા’ અને ‘હવે ન ગોવિંદ’ જેવી સુન્દરમ્, ઉમાશંકર અને પ્રજારામ રાવળ રચિત કાવ્યાંજલિઓ છે. પ્રજારામ રાવળે કવિનો પરિચય પણ આ કાવ્યસંગ્રહમાં આપ્યો છે