Gokuldas Dwarkadas Raichura Profile & Biography | RekhtaGujarati

ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા

લોકસાહિત્યના અભ્યાસી, સંપાદક, કવિ, નવલકથાકાર અને વાર્તાકાર

  • favroite
  • share

ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરાનો પરિચય

ગોકુળદાસ રાયચુરા લોકસાહિત્યના અભ્યાસી, સંપાદક, કવિ, નવલકથાકાર અને વાર્તાકાર. જૂનાગઢના બાલાગામમાં જન્મેલા ગોકુળદાસને વાર્તાકાર પિતાનો વારસો મળ્યો હતો. માતાના મધુર કંઠની પણ તેમની પર અસર થઈ હતી. સાહિત્યવાચનનો શોખ નાની ઉંમરથી જાગ્યો હતો. શેરબજારના ધંધામાંથી માત્ર 32 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈને સાહિત્યના ક્ષેત્રમાં કારકિર્દી આગળ ધપાવી.

ભાવનગરમાં સાહિત્ય પરિષદ 1924માં મળેલી ત્યારથી ‘શારદા’ નામના માસિકની શરૂઆત કરી. એમાં ચિત્રો અને લોકગીતોને મહત્ત્વ અપાતું. જેના કારણે ‘શારદા’ સામાયિક લોકપ્રિય બન્યું. તેઓ ‘ચંડુલ’, ‘દાલચીવડા’, ‘કવિરસિકચતુર’, ‘રસિકચતુર’, ‘દોલિયા દવે’ જેવા ઉપનામથી લખતા રહ્યા.

ગોકુળદાસ રાયચુરાના બે કાવ્યસંગ્રહો ‘રાસમંદિર’ (1915, બી. આ. 1918) અને ‘નવગીત’ (1921) છે. નૈતિક ઉપદેશ આપતી આ કવિતાઓમાં દલપતરામની બોધાત્મક શૈલીનો અહેસાસ થાય છે. ‘રાસમંદિર’ના ગીતો ગરબા પ્રકારનાં છે. ‘નવગીત’માં આઝાદીની લડાઈને લગતાં ગીતો છે. ‘રસિયાંના રાસ’(1929)માં સૌરાષ્ટ્રનાં લોકગીતોનું સંપાદન છે. આ કાવ્યસંગ્રહોમાં ન્હાનાલાલ-બોટાદકરનાં શૈલી અને વિષયોનું અનુસરણ છે, તો સુંદર મૌલિક લખાણ પણ છે.

‘મહીપાલ દેવ’ (1932), ‘નગાધિરાજ’ (1936), ‘કુલદીપક’ (1938), ‘સોમનાથની સખાતે’ (1938), ‘સોરઠપતિ’ (1939) એ સર્વે તથા ‘ગ્રહરાજ’ અને ‘સોરઠરાણી’ વગેરે ઐતિહાસિક નવલકથાઓ તેમની છે. સોરઠના ચૂડાસમાઓના ઇતિહાસને આવરી લેતી આ નવલકથાઓમાં લોકકથાઓને પણ રસાળ અને સરસ રીતે આવરી છે.

ગોકુળદાસે લખેલી ‘સ્નેહપૂર્ણા’ (1928) અને ‘પ્રેમલીલા’ (1931) સામાજિક નવલકથાઓમાં તે સમયના કુટુંબજીવનનું તાદૃશ્ય ચિત્રણ કર્યું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓના ઉત્થાન માટે ‘સ્નેહપૂર્ણા’ નવલકથા લખી છે. ઇસરદાસ ચારણના જીવન પર આધારિત સંવાદસભર નવલકથા ‘ઇસરદાન’ લખી છે.

‘કાઠિયાવાડની લોકવાર્તાઓ’ (1925), ‘સોરઠી વીરાંગનાની વાર્તાઓ’ (1928), ‘રાયચુરાની રસીલી વાર્તાઓ’ (1929) જેવા વાર્તાસંગ્રહો તેમણે લખ્યા છે. આ વાર્તાસંગ્રહમાં તેમણે મેર, આહીર જેવી સોરાષ્ટ્રની જાતિઓના શ્રેષ્ઠ ગુણોને દર્શાવ્યા છે, ઉપરાંત સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને સુંદર રીતે ગૂંથી છે.

‘વ્યાસજીની વાર્તાઓ’ (1928) અને ‘દાલચીવડાની દસ વાર્તાઓ’ (1929) અને ‘દાલચીવડાનો દાયરો’(1932)માં હાસ્યરસિક વાર્તાઓ છે. ગાંધીજીના જીવન અને કાર્યોની ભારતીયોના જીવન પર જે અસર થઈ તેને આલેખતી ‘ગાંધીયુગની વાર્તાઓ’ (1931) છે.

રબારી, કાઠી, વાઘેર, ખારવા વગેરે તેર ખડતલ જાતિઓનો પરિચય કરાવતું તેમનું પુસ્તક ‘સબળ ભૂમિ ગુજરાત’ (1948) છે. જેમાં પ્રસંગકથાઓ છે. જેવી હાસ્યરસિક કૃતિ પણ આપી છે.

મેરુભા ગઢવી સાથે એમણે ‘સોરઠી દુહાની રમઝટ’ (1966) નામે સામસામે બોલાતા દુહાનું સંપાદન કર્યું છે. તેમની અનેક કૃતિઓ ‘ગુજરાત’ સામયિકમાં પ્રગટ થઈ હતી.