ગીતા પરીખનો જન્મ ભાવનગરમાં 10 ઑગસ્ટ, 1929ના રોજ થયો હતો. તેમણે મુંબઈમાં તત્વજ્ઞાન વિષયની સાથે એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેમને તત્વજ્ઞાન ઉપરાંત સાહિત્ય, સંગીત અને સમાજસેવામાં રસ હતો. શાસ્ત્રીય કંઠસંગીતના અભ્યાસુ હતા અને વર્ષો સુધી એનું શિક્ષણ પણ આપ્યું હતું. 1953માં સૂર્યકાંત પરીખ સાથે લગ્ન થયા બાદ પતિ-પત્ની બંને આચાર્ય વિનોબા ભાવેની સાથે ભૂદાનયજ્ઞમાં સક્રિય થયા હતા. તેમણે વર્તમનાપત્રોમાં સાત-આઠ વર્ષ સુધી સર્વોદયને લગતાં વિભાગનું સંપાદન કર્યું હતું. આઠ વર્ષની ઉંમરે તેમણે 'પ્રભાત' નામનું કાવ્ય લખ્યું હતું. 1951માં 'કુમાર'માં તેમનું પહેલું કાવ્ય 'મારું લગ્ન' પ્રકાશિત થયું હતું.
ગીતા પરીખે 1966માં 'પૂર્વી' તથા 1979માં 'ભીનાશ' એમ બે કાવ્યસંગ્રહો આપ્યા હતા. 'પૂર્વી'ને ગુજરાત સરકારનું 1966-67ના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનું ઇનામ મળ્યું. ગુજરાતી સાહિત્યસભાએ તે વર્ષોમાં પ્રકાશિત થયેલા સ્ત્રીરચિત પુસ્તકોમાં શ્રેષ્ઠ પુસ્તકનું ઇનામ આપ્યું હતું. કોઈ ગુજરાતી સ્ત્રીસર્જકને મળેલું પહેલું સમ્માન હતું.
બ. ક. ઠાકોર, ઉમાશંકર જોશી અને રાજેન્દ્ર શાહની કાવ્યશૈલીનો તેમની પર પ્રભાવ જોવા મળે છે. આ બંને સંગ્રહોમાં ગીતો, છંદોબદ્ધ રચનાઓ, મુક્તક અને હાઈકુ છે. 'પૂર્વી'માં ‘અમે તો સંસારી’, ‘ઉર મારું’, ‘સભર શૂન્યતા’ જેવા કાવ્યોમાં ગીતાએ દાંપત્યજીવનનાં વિવિધ પાસાઓને સરળ રીતે રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમની ‘વૃદ્ધિ’, ‘વિરહ’, ‘નવજાત શિશુને’ અને ‘રેખ’ કવિતાઓ ધ્યાનાકર્ષક છે. 'ભીનાશ'માં પ્રકૃતિ, ગૃહજીવન, મૃત્યુ અને ભક્તિવિષયક રચનાઓ છે.
ગીતા પરીખે અર્વાચીન ગુજરાતી કવયિત્રીઓ વિશનો સંશોધનાત્મક અભ્યાસ 'સિત્તેર ગુજરાતી કવયિત્રીઓ' (1985)ના નામે તૈયાર કર્યો છે. તેમાં 1960થી 1982ના સમયગાળામાં સક્રિય કવયિત્રીઓની કવિતાઓની વિસ્તારથી વિવેચના કરી છે. 'કાવ્યસપંદિતા' (1988)માં એમના વિવેચનલેખોનો સમાવેશ થાય છે.
ગીતા પરીખે પોતાના પિતા પરમાનંદદાસ કાપડિયાના ચિંતનાત્મક લેખોનું સંપાદન ‘ચિંતન યાત્રાનું’ અન્ય સાથે મળીને 1974માં કર્યું છે. કાવ્યસર્જન ઉપરાંત ગીતાબહેને વિમલા ઠાકરનાં અંગ્રેજી કાવ્યોનો ગુજરાતી અનુવાદ 'નવો પલટો' (1963/65) કર્યો છે. ગીતા પરીખ વિશે સુન્દરમે લખ્યું છે કે ‘ગીતાએ સ્ત્રીહૃદયના ભાવોને જે રીતે આલેખ્યા છે તે દૃષ્ટિએ જોઈએ તો આપણા આખા ગુજરાતી સાહિત્યમાં આવી રીતે સ્ત્રી-આત્મા ગૂંજ્યો નથી એમ કહી શકાય.’