તેમનો જન્મ બર્માના મોલમીન શહેરમાં તા. ૧૬ માર્ચ, ૧૯૨૩ના રોજ થયો હતો. મહેસાણા જિલ્લાનું ઉમતા ગામ તેમનું વતન. મોલમીન અને અમદાવાદમાં અનુક્રમે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું, ૧૯૩૯માં મૅટ્રિક, ૧૯૪૪માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે વિનયન સ્નાતક અને ૧૯૪૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી વિનયન અનુસ્નાતકની પદવી મેળવી એ જ વર્ષથી સુરતની મ. ઠા. બા. કૉલેજમાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે જોડાયા.
કારકિર્દીમાં ભાષાશાસ્ત્રના અભ્યાસમાં પરિપક્વ રુચિને કારણે ‘ગુજરાતી ભાષા પર અન્ય ભાષાઓની અસર’ વિષય પર મહાપ્રબંધ કરવાની તત્પરતા તેમજ સંગીત અને ચિત્ર કલાઓમાં ગહન રુચિ દાખવી. તેમણે મિત્રને નવલકથા પર ચર્ચા કરતા પત્ર પણ લખેલા. રાવજી પટેલ અને મણિલાલ દેસાઈ, ગજેન્દ્ર બૂચ અને ગોવિંદ સ્વામીની જેમ અલ્પ વયે આ દુનિયાથી વિદાય લઈ ચૂકેલા એવા તેમનાં કાવ્યોનું સંપાદન સુંદરમે તેમના મરણોપરાંત પુરોવચન, પરિશિષ્ટ અને ટિપ્પણ સહ ‘વિશ્રામ’ શીર્ષકથી સંપાદિત કરેલું. આ સંચયમાં આત્મનોંધો જેવી રચનાઓ તેમજ શાર્દૂલવિક્રીડિત, પૃથ્વી, શિખરિણી, મંદાક્રાન્તા, હરિગીત આદિ છંદોમાં બદ્ધ રચનાઓ અને ગીતકાવ્યો સંગ્રહિત છે.
ઉપરાંત, ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા ‘છે મૃત્યુય એનું કવિતાભરેલું’ (૨૦૧૩) નામક ગિરિન ઝવેરીનાં સમગ્ર કાવ્યોનું ઉત્પલ પટેલે સંપાદન પ્રગટ કર્યું છે. ગિરિન ઝવેરીના ટી. એસ. એલિયટ પરના લેખો ‘કૌમુદી’ સામયિકમાં છપાયેલા. ૧૪ જાન્યુઆરી, ૧૯૫૧ના રોજ ૨૮ વર્ષની નાની વયે તેમણે તેમની કવિતાઓને ચિરકાલીન વૈધવ્ય અર્પ્યુ.