કવિ, ગઝલકાર. તેમનો જન્મ સુરતમાં, તેમણે પ્રાથમિક ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. 1928માં અમદાવાદમાં અને પછી 1930થી સુરત જઈ દરજીનો ધંધો કર્યો. સુરતમાં ‘સ્વરસંગમ’ નામે એક સંગીતમંડળની પણ તેમણે સ્થાપના કરી હતી. તેઓ ગઝલના ચાહક, લેખક હોઈ તેમણે 1942માં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ની સ્થાપના કરેલી. ઉર્દૂમિશ્રિત બાનીની પકડમાંથી ગુજરાતી ગઝલને છોડાવવા માટે, તેને લોકભોગ્ય બનાવવા તેમણે તેના પ્રચાર-પ્રસારનું કામ કર્યું. સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં તેમણે કાવ્યકટાક્ષિકાલેખન પણ કર્યું હતું.
‘ગાતાં ઝરણાં’ (1953) તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે. તેના વિશે વિવેચક નિરંજના વોરા લખે છે કે, “પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ, અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર બની છે. એમાં ફારસી-ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદ્ભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે.”
આ ઉપરાંત તેમની પાસેથી ‘મહેક’ (1961), ‘મધુરપ’ (1971), ‘ગનીમત’ (1971), અને ‘નિરાંત’ (1981) નામે ગીત, ગઝલ, અને મુક્તકના સંગ્રહો મળે છે.