GangaSati Profile & Biography | RekhtaGujarati

ગંગાસતી

ગુજરાતી સંતસાહિત્યનાં શિરમોર સંત કવયિત્રી

  • favroite
  • share

ગંગાસતીનો પરિચય

લોકકથાનુસાર, તેમનો જન્મ હાલના ગુજરાતમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારના રાજપરા ગામમાં વાઘેલા રાજપૂત કુટુંબમાં આશરે 1846માં થયો હતો. તેમના લગ્ન ભાવનગર નજીકના સમઢિયાળાના ગિરાસદાર, ભક્તિ આંદોલનના નિજ્ય અનુયાયી કહળુભા (કહળસંગ) ગોહેલ સાથે થયેલા હતા. તેમને અજોભા નામનો પુત્ર થયેલો, જેના લગ્ન પાનબાઈ સાથે થયા હતા. ગંગાસતી અને કહળસંગ અત્યંત ધાર્મિકવૃત્તિના હોઈ તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર બન્યું. લોકવાયકા મુજબ, લોકોના વ્યંગથી પોતાની આધ્યાત્મિક સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધારૂપ બનશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો નિશ્ચય કર્યો. ગંગાસતીએ પણ દેહત્યાગની ઇચ્છા બતાવી, પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને તેમ ન કરવાની આજ્ઞા કરી. તેથી ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈ(ફૂલબાઈ નામ પણ)ને સંભળાવતા. ભક્તિ અને યોગસાધનાથી માંડીને પરમતત્ત્વના સાક્ષાત્કાર સુધીની વિવિધ ભૂમિકાઓનું નિરૂપણ, સદ્ગુરૂનો મહિમા, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પરનાં ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસના સાતત્યથી બાવન ભજનોની રચના થઈ. ગંગાસતીએ ત્યારબાદ સમાધિ લીધી. તેમનાં ભજનો ‘સોરઠી સંતવાણી’, ‘ગંગાસતીનાં ભજનો’ તેમજ ‘ગંગા સતી એમ બોલિયાં રે’ (સં. સુનંદા વોહોરા, ઈ. સ. 1975), ‘ગંગા સતીનાં ભજનો’ (સં. ગોવિંદભાઈ રા. ધામેલિયા), ‘સતી ગંગાબાઈ’(પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ. સ. 1969)માં સંગ્રહાયાં છે. ‘વીજળીને ચમકારે’, ‘ભક્તિ રે કરવી જેને’, ‘શીલવંત સાધુને’ અને ‘મેરુ તો ડગે’ તેમની અતિખ્યાત ભજનરચનાઓ છે.

તેમના જીવન પર આધારિત ગુજરાતી ચલચિત્ર  ‘ગંગાસતી’ (1979, દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત) નામે રજૂ થયું હતું.