કવિ ગજેન્દ્રરાય બૂચનો જન્મ રાજકોટના વસાવડમાં 1902ની 15 સપ્ટેમ્બરે થયો હતો. પિતા જસદણમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હોવાથી પ્રાથમિક કેળવણી જસદણમાં લીધી હતી ત્યારબાદ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલ અને ગિરાસિયા કૉલેજમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યું.
ઉચ્ચ કેળવણી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં મેળવી. શિક્ષણમાં હોશિયાર હોવાથી બી.એ.(સંસ્કૃત ઓનર્સ)માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને ભાઉદાજી પ્રાઇઝ મેળવ્યું. બહાઉદ્દીન કૉલેજમાં 1923થી 1925 દરમિયાન ફેલો તરીકે રહ્યા હતા. 1925માં એમ.એ.માં વેદાંતમાં પ્રથમ આવતા તેમને સુજ્ઞ ગોકુળજી ઝાલા પ્રાઇઝ મળ્યું હતું.
સુરતની કૉલેજમાં 1925થી 1927 સુધી પ્રાધ્યાપકની નોકરી કરી. 17 નવેમ્બર, 1927માં 25 વર્ષની વયે સુરતમાં અવસાન પામ્યા. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું તેમનું જ્ઞાન વિશાળ હતું.
તેમની એક માત્ર કૃતિ ‘ગજેન્દ્રમૌક્તિકો’ 1927માં તેમના મૃત્યુ બાદ પ્રકાશિત થઈ હતી. આ કૃતિમાં તેમના કાવ્યો, નિબંધો, પત્રો વગેરેનું સંપાદન રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિકે કર્યું હતું.
આ સંપાદિત પુસ્તકમાં 1922થી 1927ની વચ્ચે તેમણે લખેલી મૌલિક અને અનુવાદિત સાઠેક કવિતાઓ છે. શરૂઆતમાં જે કવિતાઓ તેમણે લખી તેમાં પંડિતયુગના નરસિંહરાવ, ન્હાનાલાલ, કાન્ત, કલાપી, બોટાદકર વગેરેની અસર જોવા મળે છે. બાદમાં લખાયેલી કવિતાઓ સરળ, વ્યક્તિગત, સાહજિક, ગંભીર અને અર્થસભર છે.
‘ગિરનારની યાત્રા’ કવિનું સૌથી લાંબુ કાવ્ય છે જેમાં ગૂઢ ચિંતન કરવામાં આવ્યું છે. આ કાવ્ય સુંદર કલ્પના અને ચિત્રાત્મકતાથી સભર છે. તેમના ચિંતનાત્મક કાવ્યો ધ્યાન ખેંચનારા છે. તેમના નિબંધો સરળ અને પ્રસન્ન કરનારા છે. ગજેન્દ્રરાયના પત્રોમાં તેમનો મૃદુભાવ જોવા મળે છે.