દુલા ભાયા કાગનો પરિચય
ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ. ચારણી સાહિત્યના સીમાસ્તંભ સમા, કંઠ, કવિત, અને કહેવાના લઢણની વિશેષતા તેમને ચારણરત્ન બનાવે છે. તેમનો જન્મ મહુવા નજીક મજાદર ગામે થયો હતો. વર્ષ 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ચારણી ભાષા અને સાહિત્યના માધ્યમથી આધ્યાત્મની, રાષ્ટ્રભાવનાની, ગાંધીચીંધ્યા માર્ગની પ્રશસ્તિ કરી હતી.
તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર 5 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, ખેતીમાં જોડાયા. ઢોરાં ચરવતી વખતે પોતાનો બધો જ સમય દુહા, છંદોમાં ગાળતા. પિતાએ પુત્રને સંસારી રસમાં ઝબકોળવા પ્રયત્નો પણ કર્યા. દીકરાનો આધ્યાત્મ તરફનો ઝુકાવ જોઈને તેમણે દીકરાને સંત મુક્તાનંદજીને સોંપ્યો. જેમના સાન્નિધ્યમાં દુલા ભાયાએ આધ્યાત્મ આત્મસાત્ કર્યું, જે તેમની કવિતાઓ, દુહા, છંદોમાં અસ્ખલિત વહ્યું. ગુરુકૃપાએ પિંગળની પણ શિક્ષા લીધી.
ગાંધીજીપ્રેરિત ભૂદાન આંદોલનમાં તેમણે તેમની જમીન વિનોબા ભાવેને આપી દીધી હતી. ભૂદાનપ્રવૃત્તિના અગ્રણી રવિશંકર મહારાજના પ્રભાવથી દુલા ભાયાએ 50 વીઘાં જમીન, 10 હળ, 10 બળદ, 100 મણ અનાજ, અને 400 મણ ઘાસ ભૂદાનમાં આપ્યાં. તેમની આ ભવ્ય ત્યાગભાવનાએ ભૂદાનનાં સંખ્યાબંધ ગીતોને જન્મ આપ્યો. તેમણે રતુભાઈ અદાણી સાથે મળી જૂનાગઢમાં લોકસાહિત્યની શાળાનું નિર્માણ તથા ભાવનગરમાં ‘ચારણ બોર્ડિંગ હાઉસ’ની સ્થાપના કરી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ પણ રહ્યા હતા. ભવનાથમાં શિવરાત્રીએ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઉતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલા કાગનો ઉતારો જાણીતો હતો.
આધ્યાત્મ, ભક્તિ, વીરતા, શૂરતા, રાષ્ટ્રરંગ, જનજાગૃતિ, જ્ઞાન, નીતિ-આચરણ જેવા વિષયો તેમનાં કવિતનું વિશિષ્ટ પાસું રહ્યા. તેઓ 8 ભાગમાં વહેંચાયેલી તેમની કૃતિ ‘કાગવાણી’ માટે જાણીતા છે.
તેમની પાસેથી ‘કાગવાણી’ ભા. 1 (1935), 2 (1938), 3 (1950), 4 (1956), 5 (1958), 6 (1958), 7 (1964), ‘વિનોબાબાવની’ (1958), ‘તો ઘર જાશે, જાશે ધરમ’ (1959), ‘શક્તિચાલીસા’ (1960) મળે છે. આ ઉપરાંત, ‘ગુરુમહિમા’, ‘ચન્દ્રબાવની’, ‘સોરઠબાવની’, ‘શામળદાસબાવની’ પણ મળે છે.
1962માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો. 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
તેમનું અવસાન 22 ફેબ્રુઆરી 1977ના દિવસે 74 વર્ષની વયે થયું હતું. ઘણા લોકગાયકો અને લોકસાહિત્યકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ ‘કવિ કાગ ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવે છે.
(તસવીર સૌજન્ય: જગન મહેતા)