Dolatram Krupashankar Pandya Profile & Biography | RekhtaGujarati

દોલતરામ કૃપાશંકર પંડ્યા

પંડિતયુગના કવિ અને નાટ્યકાર, ગુજરાતી ભાષામાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગકાર

  • favroite
  • share

દોલતરામ કૃપાશંકર પંડ્યાનો પરિચય

દોલતરામ પંડ્યાનો જન્મ 8 માર્ચ, 1856ના રોજ કૃપારામ પંડ્યાને ત્યાં નડિયાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન નડિયાદમાં મેળવ્યું. પિતાના મૃત્યુને કારણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજનો ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ અધવચ્ચે છોડી દઈને વતન પરત ફર્યા. વ્યાવસાયિક કારકિર્દીના પ્રારંભમાં વકીલાત, પછી તેર વર્ષ લુણાવાડાના દીવાનપદે રહ્યા. ‘ગુજરાત બૅચ મેજિટ્રેસી’ નામની લોકોપયોગી સંસ્થા તેમ જ નડિયાદમાં લાઇબ્રેરી અને અંત્યજ સહકારી મંડળીની સ્થાપના કરીને ટોલ જેવો દુઃખકર વેરો નાબૂદ કરવાની ઉગ્ર લડત ચલાવી હતી. 18 નવેમ્બર, 1916ના રોજ 60 વર્ષની વયે નડિયાદમાં અવસાન થયું.

સંસ્કૃત કવિતાની અસર હેઠળ ગુજરાતીમાં સંસ્કૃત મહાકાવ્યની ઢબે મહાકાવ્ય લખવાના બે અતિપ્રશસ્ય પ્રયત્નોમાં ભીમરાવનું ‘પૃથુરાજરાસા’ અને દોલતરામનું ‘રામાયણ’ને સ્રોત બનાવતું ‘ઇન્દ્રજિતવધ’ (1887) સમાવેશ પામે છે. તેમના સર્જનમાં ‘સુમનગુચ્છ’ (1899)નાં પ્રકૃતિસૌંદર્ય, નીતિરીતિ, ઉપદેશાદિ વિષયો અને દલપતશૈલીનો અતિરેક તેમ જ મધ્યકાલીન કવિતાનું અનુસરણ કરતાં આ સંગ્રહનાં છૂટક કાવ્યો – તેમની સંસ્કૃત કવિતાની જેમ ઊંચો સંસ્પર્શ દાખવવા મથતી કળાશક્તિ અને તત્ત્વરૂપે દલપતશૈલી એમ દ્વિરંગી શૈલીથી મંડિત છે. શિષ્ટ ગુજરાતી ગદ્યકાર તરીકેની છબી ઉપસાવી આપતી તેમની કૃતિ ‘કુસુમાવલિ’ (1889) કાદંબરીશૈલીની સળંગ કથા છે. ‘અમરસત્ર’ (1902) સંસ્કૃતશૈલીનું, અસત્ય પર સત્યના પ્રાબલ્યને લક્ષતું, પણ કથાઘટકોના સંયોજનમાં શિથિલતા દર્શાવતું એમનું સપ્તાંકી નાટક છે. ‘સ્વીકૃત નવીન ભાગવત’ એમની અપૂર્ણ રહેલી રચના છે. સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યા પ્રમાણે બધાં અંગો-ઉપાંગોને ચુસ્તપણે જાળવતી છવ્વીસ સર્ગમાં વિભાજિત, ચિત્રાત્મકતા અને આલંકારિક સૌન્દર્યમંડિત ‘ઇન્દ્રજિતવધ’ કૃતિ એક રીતે સળંગસૂત્રતાના અભાવથી શિથિલ, વિશૃંખલ, રસહીન, અને કાવ્યને અકાવ્ય કરી મૂકે એવી હોવા છતાં, સંસ્કૃત મહાકાવ્ય પેઠે ગુજરાતીમાં મહાકાવ્ય રચવાના પ્રથમ ઉદ્યમરૂપે કાયમ નોંધનીય રહેશે.