Dipak Bardolikar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીપક બારડોલીકર

કવિ, નવલકથાકાર, પત્રકાર, સંશોધક અને સંપાદક

  • favroite
  • share

દીપક બારડોલીકરનો પરિચય

દીપક બારડોલીકર તરીકે જાણીતા મુસાજી ઈસપજી હાફિઝજીનો જન્મ 23મી નવેમ્બર 1925ના રોજ સુરત જિલ્લાના બારડોલીમાં વહોરા કુટુંબમાં થયો. બી.એ.બી.એસ. હાઇસ્કૂલ-બારડોલીમાંથી મેટ્રિક પાસ થયા. શરૂઆતમાં કુસ્તી અને ચિત્રકળા પર પણ હાથ અજમાવ્યો અને બારડોલીમાં અન્ય મિત્રો સાથે મળીને વ્યાયામ શાળાની સ્થાપના પણ કરેલી. બારડોલીમાં ચાલતી આઝાદીની ચળવળને કારણે તેઓ કૉંગ્રેસ સેવાદળમાં જોડાયેલા અને આ દરમ્યાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો. પછી ભાઈ સાથે પાકિસ્તાન ગયા. જ્યાં તેમણે સાત વર્ષ સુધી શિક્ષક તરીકે નોકરી કર્યા બાદ પત્નીની તબિયત ખરાબ થતાં તેઓ બારડોલી પરત ફર્યા. જોકે, ભારતમાં આવ્યા બાદ તેઓ પાકિસ્તાની નાગરિક હોવાનું કહી તેમને 1961માં દેશનિકાલ કરવામાં આવતા તેઓ પાકિસ્તામાં જ રહ્યા અને ત્યાં તેમણે સાહિત્ય રચનાઓની સાથે પત્રકાર તરીકે કાર્યરત્ રહ્યા. બારડોલીકરે પાકિસ્તાનના કરાચીમાંથી નીકળતા ગુજરાતી અખબાર 'વતન', 'મિલ્લત', ‘ડોન ગુજરાતી’ જેવાં અખબારોમાં કામ કર્યું. અનેક સંઘર્ષ વચ્ચે પસાર થયેલા આ સર્જક શરૂઆતમાં બારડોલી એટલે કે ભારતમાં અને પછી 36 વર્ષની વયે કરાચી શહેરમાં વસવાટ કર્યો. પછી 30 વર્ષ ત્યાં રહીને ઇંગ્લૅન્ડ ગયા. પાકિસ્તાનના જાણીતા દૈનિક અખબાર 'ડોન'ના ગુજરાતી આવૃત્તિના તંત્રી વિભાગમાં તેમણે લાંબો સમય સેવા આપી. ત્યાં તેઓ ડોન ગ્રૂપ ઑફ ન્યૂઝપેપર્સના કામદાર મંડળ 'પાકિસ્તાન હેરાલ્ડ વર્કસ યુનિયન'ના મહામંત્રી તથા ઑલ પાકિસ્તાન ન્યૂઝપેપર ઍમ્પ્લૉઇઝ કન્ફેડરેશન (એપનેક)ની રાષ્ટ્રીય કારોબારી કાઉન્સિલના સભ્ય રહ્યા. અંતે થોડો વખત કૅન્સરથી પીડિત રહી તા. 12 ડિસેમ્બર 2019ના રોજ માન્ચેસ્ટર ખાતે તેમનું અવસાન થયું.

દરિયાપાર સર્જાતા ડાયસ્પોરા સાહિત્યમાં દીપક બારડોલીકરનું નામ મોખરે લેવાય છે. તેમણે ‘પરિવેશ’, ‘મોસમ’, ‘આમંત્રણ’, ‘વિશ્વાસ’, ‘તલબ’, ‘એની શેરીમાં’, ‘ગુલમહોરના ઘૂંટ’, ‘ચંપો અને ચમેલી’, ‘હવાનાં પગલાં’ ‘ફુલ્લિયાતે દીપક’, ‘તડકો’, ‘તારો પ્યાર’ અને ‘રેલો અષાઢનો’ જેવા કાવ્યસંગ્રહો, ‘ઉચાળા ખાય છે પાણી' અને 'સાંકળોનો સિતમ' એમ બે ભાગમાં આત્મકથા, 'ધૂળિયું આકાશ' અને 'બખ્તાવર' નામે નવલકથા, ઇસ્લામ ધર્મના અને વહોરા સમાજ અંગેના સંશોધનમૂલક ગ્રંથો : ‘સુન્ની વહોરા’ અને ‘વહોરા વિભૂતિઓ’, ‘કુરાન પરિચય’, ‘ન્યાયનો દિવસ’, ‘વાટના દીવા’ વગેરે તેમજ 'વિદેશી ગઝલો' નામે પાકિસ્તાની શાયરોની ગુજરાતી ગઝલોનું સંપાદન આપ્યું છે.

1990માં તેમને રંગકલા ગુજરાતી કલ્ચરલ સોસાયટી તરફથી ગુજરાતી ગઝલમાં પ્રદાન અનુસંધાને ગઝલસર્જક વલી મુહમ્મદ ફકીરની યાદમાં અપાતો 'ફકીર સુવર્ણ ચંદ્રક'  એનાયત કરવામાં આવ્યો. વડોદરાની પ્રેમાનંદ સાહિત્ય સભા તથા બુધ કવિસભાના સંયુક્ત ઉપક્રમે 2001માં કરાચીના વતન ગ્રૂપ ઑફ પબ્લિકેશન્સ દ્વારા 2003માં યુ.કે.ની ગુજરાતી રાઇટર્સ દ્વારા 1996માં જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.