દિનેશ કોઠારીનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. 1955માં અમદાવાદમાંથી ગુજરાતી વિષય સાથે વિનયન સ્નાતક અને 1961માં એ જ વિષયમાં વિનયન અનુસ્નાતક થયા. ગુજરાત લૉ સોસાયટી(અમદાવાદ)ની જુદી જુદી કૉલેજોમાં ગુજરાતી વિષયનું અધ્યાપન કરી નિવૃત્ત થયા. આઠ દાયકાનું આયખું ગાળી 5 માર્ચ, 2009ના રોજ તેઓ પરલોક સિધાવ્યા.
એમની પાસેથી મુખ્યત્વે પ્રકૃતિ, પ્રણય, અંગતસંવેદન અને આધુનિક જીવનની કૃતકતા-વિડંબનાને વિષય બનાવતાં ગીત અને અછાંદસ કાવ્યોનો ‘શિલ્પ’ (1965) નામક કાવ્યસંગ્રહ તેમજ નવલકથાના સ્વરૂપ વિશેના અભ્યાસલક્ષી લેખો સમાવતો ‘ઇન૨લાઈફ' (લાભશંકર ઠાકર સાથે, 1965) અને સાહિત્ય, આધુનિકતા તેમજ સાહિત્યના વિવિધ ક્ષેત્ર સાથેના અનુબંધ આલેખતા લેખો, સાહિત્ય-સ્વરૂપલક્ષી લેખો, ગુજરાતી રંગભૂમિ અને એકાંકીને લગતાં ઐતિહાસિક માહિતીના લેખો સમાવતો અને સાથોસાથ એમની મૂળ વિભાવનાને સ્પષ્ટ કરવા અનેક દૃષ્ટાન્ત આપી વિશ્વસનીયતા સિદ્ધ કરતો ‘પરિસર’ (1989) નામક વિવેચનસંગ્રહ — એમ એક કાવ્યસંગ્રહ અને બે વિવેચનસંગ્રહ મળી આવે છે. મૂળે તો વિવેચનની રૂઢ પરિભાષાના ચીલાને ચાતરી, તટસ્થ વિવેચક તરીકેના અલાયદા દૃષ્ટિકોણથી નીતારી આપેલાં એમનાં તારણો-મૂલ્યાંકનો સવિશેષ આપણું ધ્યાન ખેંચે છે.