Dhwanil Parekh Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધ્વનિલ પારેખ

કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક.

  • favroite
  • share

ધ્વનિલ પારેખનો પરિચય

ધ્વનિલ પારેખનો જન્મ તા. 28 ઑક્ટોબર 1976ના રોજ ગુજરાતના સુરત શહેરમાં રવીન્દ્રભાઈ અને પુષ્પાબહેનને ત્યાં થયો. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી માંડીને અનુસ્નાતક સુધીનો અભ્યાસ સુરતમાં કર્યો. 1997માં જે.ઝેડ. શાહ આર્ટ્સ અને એચ.પી. દેસાઈ કૉમર્સ કૉલેજ-અમરોલી ખાતેથી સ્નાતક, 1999માં એમ.ટી.બી. આર્ટસ કૉલેજ, સુરતમાંથી ગુજરાતી વિષય સાથે વિનયન અનુસ્નાતક, 2001માં, મ.ઠા.બા. આર્ટસ કૉલેજ, સુરતમાં જુનિયર રિસર્ચ ફૅલો, 2005માં ‘નાટકોમાં પૌરાણિક કથા : ભારતીય ભાષાઓમાં લખાયેલા મહાભારત આધારિત નાટકોનો આલોચનાત્મક અભ્યાસ’ શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. પત્રકાર તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કરીને તેમણે ‘નવગુજરાત ટાઇમ્સ’, ‘પ્રતિનિધિ પત્ર’ અને ‘ચૅનલ સુરત’ સહિત વિવિધ માધ્યમોમાં પત્રકાર તરીકે ફરજ બજાવી. 2002થી 2006 સુધી તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયમાં, 2006માં છએક માસ સુધી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાં અને 2006ના અંતમાં એમ.ડી. ગ્રામસેવા મહાવિદ્યાલય, સાદરામાં- એમ વિવિધ કૉલેજમાં સહાયક વ્યાખ્યાતા તરીકે જોડાયા.

ગુજરાત મૅગેઝિનમાં પ્રથમ કૃતિ પ્રકાશિત થતા એમની સાહિત્યિક કારકિર્દીનો આરંભ થયો. એમની પાસેથી ‘અજવાળું સુરતનું’ (2003, અન્ય ત્રણ કવિઓ સાથે), ‘દરિયો ભલેને માને’ (2008) અને ‘અજવાસનાં વર્તુળ’ (2021) નામક ગઝલસંગ્રહ, ‘સાક્ષીભાવ’ (2007), ‘સાત્વિકમ્’ (2010), ‘સંકેત’ (2011), ‘શબ્દસંધાન’, ‘રંગચક્ર’ (2014), ‘સમીક્ષિત’ (2018), ‘રંગતત્ત્વ’ વગેરે વિવેચનસંગ્રહ, ‘અંતિમ યુદ્ધ’ (2009, ‘એક હતી ક્રિષ્ના’ (2020) નામક નાટકો, ‘એક ચપટી ઊંઘ’ (2017) એકાંકીસંગ્રહ, ‘ગુજરાતી ગઝલસંપદા’, ગુજરાતી એકાંકીસંપદા, ‘રવીન્દ્ર પારેખની વાર્તાસૃષ્ટિ’ આદિ સંપાદન, ‘નાટકમાં મિથ’ અને ‘ઉર્દૂ ગઝલ અને સામાજિક સંવાદિતા’ વગેરે સંશોધન પુસ્તક તેમજ ‘મહાભારત અને સ્વાતંત્ર્યોત્તર ભારતીય નાટકો’ (2015) નામક પરિચય પુસ્તિકા અને ‘એક કારકુનની આત્મકથા’ જેવી અન્ય કૃતિઓ મળી આવે છે.

ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ કૃતિ પારિતોષિક અને યુવા ગૌરવ પુરસ્કાર(2008), સાહિત્ય અકાદમી-નવી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર (2011), ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા મહેન્દ્ર ભગત પુરસ્કાર (2008-09), બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર (2004), યશવંત પંડ્યા પુરસ્કાર (2005) અને રમણલાલ જોશી પુરસ્કાર, ઉપરાંત કલાગુર્જરી, મુંબઈ દ્વારા દ્વિતીય ગિરાગુર્જરી પારિતોષિક, કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ગોધરા દ્વારા ચં. ચી. મહેતા ઍવૉર્ડ, નર્મદ સાહિત્યસભા દ્વારા મનહરલાલ ચોકસી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.