Dhruv Bhatt Profile & Biography | RekhtaGujarati

ધ્રુવ ભટ્ટ

જાણીતા કવિ અને નવલકથાકાર, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત

  • favroite
  • share

ધ્રુવ ભટ્ટનો પરિચય

કવિ અને નવલકથાકાર ધ્રુવ ભટ્ટનો જન્મ 8 મે, 1947ના રોજ ભાવનગરના નિંગાળા ખાતે થયો હતો. પિતા કવિ પ્રબોધરાય. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ભાવનગર, અમરેલી અને જૂનાગઢનાં વિવિધ ગામમાં મેળવ્યું. એસ. વાય. બી. કોમ. સુધી અભ્યાસ (1972) કર્યો. પિતા કવિ હોવાના કારણે સાહિત્યનો વારસો તેમને મળ્યો. તેઓ ઇજનેરી કારખાનામાંથી મૅનેજર તરીકે નિવૃત્ત થયા હતા.

નિવૃત્તિ બાદ તેઓ વલસાડ જિલ્લાના ધરમપુરમાં નચિકેતા ટ્રસ્ટમાં જોડાયા હતા. તેમણે ત્યાંની સ્થાનિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભ્યાસક્રમના વિષયો સમજવામાં મદદ કરવાનું અને અભ્યાસક્રમમાં ન હોય તેવા વિષયોમાં રસ જગાડવાનું કામ કર્યું છે. પ્રવાસના શોખીન ધ્રુવ ભટ્ટને લોકોને, વિદ્યાર્થીઓને મળવું, અજાણ્યાં કુટુંબો સાથે રહેવું, બાળકોને નદી-દરિયાકાંઠે, ટાપુઓ પર, જંગલોમાં ફરવા લઈ જવાં, વાર્તાઓ કહેવી વગેરે ખૂબ જ ગમે છે.

‘ખોવાયેલું નગર’ (1982) નામની કિશોરકથા તેમની સૌથી પહેલી કૃતિ છે. દ્રૌપદીના પાત્રને કેન્દ્રમાં રાખીને ‘અગ્નિકન્યા’ (1988) નવલકથા લખી. દરિયાકાંઠાના પ્રવાસની કથા ‘સમુદ્રાન્તિકે’(1993)ના કારણે તેમને માન અને પ્રસિદ્ધિ પણ મળ્યાં. ગુજરાતી સાહિત્ય પરિષદે ગ્રામીણ નવલકથા માટે તથા ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રવાસ/નિબંધ માટે ‘સમુદ્રાન્તિકે’ને પારિતોષિક આપ્યાં હતાં. ધ્રુવ ભટ્ટ સાદી, સુઘડ, સરળ શૈલીમાં, ભારે ભારે શબ્દોનો ઉપયોગ કર્યા વિના અને સુંદર રીતે પ્રવાસવર્ણનો લખે છે. તેમની ભ્રમણકથાઓમાં જમીન સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થતો જાય છે અને કથા આગળ વધતી જાય છે. આ લેખક પોતાની કૃતિઓને ‘લખાણ’ તરીકે ઓળખાવે છે. કોઈ સ્વરૂપનું લેબલ લગાવતા નથી.

‘તત્ત્વમસિ’(1998)માં ધ્રુવ ભટ્ટે નર્મદાકાંઠાના ભ્રમણની સાથે સાથે આદિવાસીઓનાં જીવન અને ભારતીય સંસ્કૃતિના તત્ત્વને સુંદર રીતે ગૂંથ્યાં છે. ‘તત્ત્વમસિ’ કૃતિને સાહિત્ય અકાદમી, દિલ્હી; ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઇનામ મળ્યાં છે.

‘અતરાપી’ (2001), ‘અકુપાર’ (2010), ‘લવલી પાન હાઉસ’ (2012), ‘તિમિરપંથી’ (2015) અને ‘પ્રતિશ્રૃતિ’ (2016) તેમણે લખેલી નવલકથાઓ છે.

ધ્રુવ ભટ્ટે ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા છે : ‘કર્મણ્યે’ (1989), ‘ગાય તેનાં ગીત’ (2003) અને ‘શ્રુણવંતુ.’ ગીતો તેમનું પ્રિય કાવ્યસ્વરૂપ રહ્યું છે. તેમનાં ગીતોમાં માનવીના સહજ સંવેદનો સરળતાથી રજૂ થાય છે.