Dhiro Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધીરો

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાના કવિ

  • favroite
  • share
  • 1753-1825

ધીરોનો પરિચય

  • જન્મ -
    1753
  • અવસાન -
    1825

ધીરા ભગતનો જન્મ વડોદરાના સાવલી નજીક ગોઠડાના પ્રતાપ બારોટ અને દેવબા બારોટને ત્યાં થયો. સાધુસંન્યાસીઓની સેવાસુશ્રુષા દ્વારા બહુશ્રુત બન્યા અને શાસ્ત્રીઓ પાસે એમણે શાસ્ત્રાભ્યાસ પણ કર્યા હોવાનું સંભવ છે. સાંખ્ય વેદાંતના જ્ઞાન ઉપરાંત હઠયોગ અને રાજયોગના તલસ્પર્શી જ્ઞાન ધરાવતા તેઓ જ્ઞાનમાર્ગી પરંપરાના કવિ છે. કુળધર્મે વૈષ્ણવ પણ પછીથી રામાનંદી સંપ્રદાયનો અંગીકાર કર્યો. તેઓ જીભાઈ શાસ્ત્રીના શિષ્ય અને બાપુસાહેબ ગાયકવાડના ગુરુ હતા. તેમનો જીવન અવધિકાળ 1753થી 1825 અર્થાત્ 72 વર્ષનો રહ્યો.

ધીરા ભગત એમની ‘કાફીઓ’ તથા એમની ‘અવળવાણી’ માટે સવિશેષ ખ્યાતનામ છે. ધીરા ભગતે રચેલી ‘સ્વરૂપની કાફીઓ’માં સંસારની સારહીનતા ઉપરાંત માયા, તૃષા, ચિત્ત, વૈભવ, યુવાની, ગુરુ તથા દેહનાં સ્વરૂપ - તળપદી બાનીમાં આગવા જુસ્સા, બળકટતાની સાથોસાથ પ્રાસાદ, ઓજસ અને માધુર્ય એ ત્રિગુણ, લાલિત્ય અને કલ્પનાના ઓઘ સહ આલેખાયાં છે.

‘રણયજ્ઞ’, ‘અશ્વમેઘ’, ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ જેવાં આખ્યાન અને ‘જ્ઞાનકક્કો’, ‘મતવાદી’, ‘આત્મબોધ’, ‘યોગમાર્ગ’, ‘પ્રશ્નોત્તરમાર્ગ’, ‘જ્ઞાનબત્રીસી’, ‘સુરતીબાઈનો વિવાહ’, ‘ગુરુપ્રશંસા’, ‘શિષ્યધર્મ’, ‘ધર્મવિચાર’, ‘માયાનો મહિમા’, ‘ઈશ્વરસ્તુતિ સ્વરૂપ’, ‘ગુરૂધર્મ’ જેવી અન્ય કૃતિઓ આપી છે. મુખ્યત્વે કાફી, આખ્યાન, ગરબી, ઢાળ, કુંડળીયા, અવળવાણી, છૂટક પદ, ગરબીઓ, ધોળ સ્વરૂપમાં પ્રદાન કરી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કાવ્યધારાના કવિ અને કાફીના પિતા તરીકે પ્રખ્યાત થયા છે.