Dhirendra Mehta Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધીરેન્દ્ર મહેતા

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક અને સંપાદક

  • favroite
  • share

ધીરેન્દ્ર મહેતાનો પરિચય

તેમનો જન્મ 29 ઓગસ્ટ, 1944ના રોજ અમદાવાદમાં પ્રીતમલાલ મહેતાને ઘેર રમીલાબહેનની કુખે થયો. ભુજની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી 1961માં મૅટ્રિક, 1966માં ગુજરાતી વિષય સાથે વિનયન સ્નાતક, 1968માં ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી મુખ્ય વિષય ગુજરાતી સાથે વિનયન અનુસ્નાતક, 1976માં ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’ વિષય પર પીએચ. ડી., આકાશવાણી, ભુજમાં થોડો સમય નોકરી કર્યા પછી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં રિસર્ચ ફેલો તરીકે રહ્યા. 1970-1976 સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યાપન કારકિર્દી શરૂઆતના વર્ષો ગાળી, બાકીનો સમય રામજી રવજી લાલન કૉલેજ, ભૂજમાં ભાષાસાહિત્યનું અધ્યાપન કાર્ય કરતા રહી 2006માં નિવૃત્ત થયા. પછી કચ્છ યુનિવર્સિટીમાં એમ. ફિલ.ના મુલાકાતી અધ્યાપક તરીકે અધ્યાનકાર્ય પણ કર્યું.

તેમની પાસેથી ‘વલય’ (1971), ‘ચિહ્ન' (1978), ‘અદૃશ્ય’ (1980), ‘દિશાન્તર’ (1983), ‘આપણે લોકો’ (1985), ‘કાવેરી અને દર્પણલોક’ (1988), ‘ધારણા’ (1990), ‘ઘર’ (1995), ‘ખોવાઈ ગયેલી વસ્તુ’ (2001), ‘ભંડારી ભવન’ (2002), ‘છાવણી’ (2006) આદિ નવલકથાઓ, ‘નંદશંકરથી ઉમાશંકર : ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય' (1984), ‘ડૉ. જયંત ખત્રી’ (1977), ‘નિસબત’ (1990), ‘ઘટડો મિંજ તો ગરે’ (1993), ‘મોરચંગના સૂર’ (1995), ‘બાતમી' (1998), ‘સ્નેહરશ્મિ’ (1999), ‘ગુજરાતી નવલકથા કેટલાંક પુનર્મૂલ્યાંકનો' (2000) આદિ વિવેચન પુસ્તક, ‘સમ્મુખ’ (1985), ‘એટલું બધું સુખ’ (1998), ‘હું એને જોઉં એ પહેલાં’ (1995) આદિ વાર્તાસંગ્રહ, ‘ભૂસકાની ઉજાણી’ (1986), ‘પવનના વેશમાં’ (1995) નામક કાવ્યસંગ્રહ અને ‘રણની આંખમાં દરિયો' (વાર્તાઓ, 1986), ‘કાલઘટિકા’ (વ્યાખ્યાનો : 1996), ‘જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ' (2000), ‘ગુજરાતી કવિતાચયન : 2000’ (2003) આદિ સંપાદન પુસ્તક મળી આવે છે. તેમની વાર્તાઓ, કવિતાઓના હિન્દી, મરાઠી, ઉડિયા, અંગ્રેજી ભાષામાં અનુવાદો પણ થયા છે.

તેઓ તેમના ઉત્તમ પ્રદાન બદલ ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પ્રથમ પારિતોષિકો, ક્રિટિક્સ ઍવૉર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, બકુલેશ – જયંત ખત્રી ઍવૉર્ડ, ર. વ. દેસાઈ ઍવૉર્ડ, હરેન્દ્રલાલ ધોળકિયા સુવર્ણચન્દ્રક, દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો દર્શક ઍવૉર્ડ, રણજિતરામ ચંદ્રક આદિ પુરસ્કાર વડે પોંખાયા છે.