Deshalji Parmar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દેશળજી પરમાર

ગુજરાતી કવિ અને સંપાદક

  • favroite
  • share

દેશળજી પરમારનો પરિચય

  • જન્મ -
    13 જાન્યુઆરી 1894
  • અવસાન -
    12 ફેબ્રુઆરી 1966

તેમનો જન્મ સોરઠના સરદારગઢમાં કહાનજી પરમાર અને જીવીબેનને ત્યાં 13 જાન્યુઆરી, 1894ના રોજ થયો હતો. તેઓ મૂળે ગોંડલ તાલુકાના ગણોદના વતની હતા. પ્રાથમિક અભ્યાસ લોધિકામાં કર્યો. 1912માં મૅટ્રિક થયા. 1916માં ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાંથી વિનયન સ્નાતક થયા. કાયદાના અભ્યાસ માટે મુંબઈ ગયા પરંતુ બે વાર અનુત્તીર્ણ થવાથી ત્યાં જ ‘વીસમી સદી’માં કામચલાઉ કારકુન તરીકે તેમ જ 1918માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલની કૉલેજમાં તો 1922માં વનિતા આશ્રમ, અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવી. એ દરમિયાન ‘કુમાર’માં, 1931માં ગોંડલના રેવન્યૂ ખાતામાં પણ કામગીરી કરી. પછી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ રહ્યા. 1953માં નિવૃત્ત યયા. 12 ફેબ્રુઆરી, 1966ના રોજ 72 વર્ષની વયે ગોંડલમાં અવસાન થયું.

ગુલાબી અને અમીર દિલના આદમી, કર્તવ્યપરાયણ, શિષ્યવત્સલ શિક્ષક, અને જીવનનાં રસાયનથી ભરેલાં શાંત પ્રસન્ન કાવ્યોના સર્જક દેશળજી પરમાર આજીવન કર્મઠ કાવ્યોપાસક રહ્યા. પંડિતયુગ અને ગાંધીયુગ વચ્ચેની કડીરૂપ એવા એમણે ન્હાનાલાલના રાસ, ઠાકોરની છંદોરીતિ, ગાંધીજીએ પ્રબોધેલ સ્વદેશભક્તિ ને માનવપ્રેમ તેમ જ શ્રી અરવિંદનું જીવનદર્શન – એમ અનેકવિધ અસરો ઝીલતા રહી, શૈશવ, કૌમાર્ય, જીવનશુદ્ધિ–રોતલવેડાથી પર એવા જીવનવિષાદ, સમર્પણભાવના, જીવનસંઘર્ષ દ્યોતક યુયુત્સા, વ્યક્તિજીવન તેમ જ રાષ્ટ્રજીવનના ખમીરવંતા ભાવો પર તો વળી ચિંતનસભર ગંભીર ભાવ વણી લઈ ગીત, સૉનેટ, રાસ, મુક્તક અને દીર્ઘકાવ્ય લખ્યાં છે. ગુજરાતી સાહિત્યમાં તેમની કાવ્યવાણી લાંબા પટ પર વહેતી રહેલી જણાય છે. તેમની પાસેથી ન્હાનાલાલની અસર હેઠળ લખાયેલાં રાસગીતોનો સંગ્રહ ‘ગૌરીનાં ગીતો’ (1929), બાલકાવ્યોના સંગ્રહો ‘ગલગોટા’ (1930) અને ‘ટહુકા’, પ્રતિનિધિ કાવ્યોનો સંગ્રહ ‘ઉત્તરાયન’ (1954) વગેરે મળે છે. એમણે સંપાદનકાર્ય પણ કર્યું છે. એમનું કેટલુંક ગદ્યલેખન અદ્યાપિ ગ્રંથસ્થ થયું નથી.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)