Damodar Botadkar Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દામોદર બોટાદકર

ગુજરાતી કવિ અને નાટ્યકાર

  • favroite
  • share

દામોદર બોટાદકરનો પરિચય

તેમનો જન્મ 27 નવેમ્બર, 1870ના રોજ બોટાદમાં થયો. મૂળે શાહ પણ વતન નિસ્બતે બોટાદકર અટક રાખી. પિતા ખુશાલદાસનું શિરછત્ર ગુમાવતાં વધુ અભ્યાસ કરવાને અસમર્થ એવા તેમણે ધોરણ છ સુધીનો અભ્યાસ બોટાદમાં કર્યો. તેઓ તેરમા વર્ષે શિક્ષક બન્યા તેમ જ કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે વેપાર અને વૈદુ કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. 1893માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. દમનો વ્યાધિ લાગુ પડતાં મુંબઈ છોડવાની ફરજ પડી. 1907માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. 7 સપ્ટેમ્બર, 1924ના રોજ તેમનું અવસાન થયું.

‘ઉષા’ અને ‘શત્રુંજય’ જેવાં પ્રકૃતિકાવ્યો, ‘અવસર’, ‘ઊર્મિલા’, ‘એભલ વાળો’ જેવાં ખંડકાવ્યો, ‘માતૃગુંજન’ અને ‘ભાઈબીજ’ જેવા રાસ અને ‘જનનીની જોડ’ ઊર્મિકાવ્ય થકી ગુજરાતી કવિતાને વિશિષ્ટ અર્પણ કરનાર બોટાદકર ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણને કારણે વિશ્વનાથ ભટ્ટ તરફથી ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ પામ્યા. એમની પ્રારંભિક કૃતિઓ ‘શાહ પ્રણીત લાલસિંહ–સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામક નાટક, ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’, અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ છે. તે પછી કાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (1912), ‘સ્રોતસ્વિની’ (1918), ‘નિર્ઝરિણી’ (1921), નોંધપાત્ર રાસોનો સંગ્રહ ‘રાસતરંગિણી’ (1923), અને મરણોત્તર ‘શૈવલિની’ (1925), ‘ચંદન’ મળ્યા છે. સરેરાશે કલ્પનાશક્તિ તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતાં વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસો અને ગૃહજીવનનાં કોમળ નિર્વ્યાજ સંવેદનોનાં કાવ્યો એમનું અવિસ્મરણીય પ્રદાન છે.