Dalpat Padhiyar Profile & Biography | RekhtaGujarati

દલપત પઢિયાર

અનુઆધુનિકયુગના કવિ અને સંશોધક

  • favroite
  • share

દલપત પઢિયારનો પરિચય

  • જન્મ -
    11 ઑક્ટોબર 1950

દલપતસિંહ નારણસિંહ પઢિયારનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના શીલી ગામે થયો હતો. ધોરણ ચાર સુધીનું શિક્ષણ વતન કહાનવાડીમાં લીધું. બાદ અગિયારમા ધોરણ સુધીનું શિક્ષણ બોચાસણની સંસ્થા વલ્લભ વિદ્યાલયમાં લીધું. ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેમણે અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હતો. ‘ગાંધીયુગનું ગદ્ય’ (1990) તેમણે તૈયાર કરેલો શોધનિંબધ છે, જે મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શનમાં તૈયાર કર્યો છે. આ શોધનિબંધમાં તેમણે ગદ્યનાં વ્યાકરણ વિશે, ગદ્યની વિભાવના વિશે, ગદ્યની તપાસ અને શૈલી વિશે ચર્ચા કરી છે. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એક બે કૉલેજોમાં પાર્ટટાઇમ અધ્યાપનકાર્ય કર્યા બાદમાં ગૂજરાત વિદ્યાપીઠના રાંધેજાના ગ્રામસેવા કેન્દ્રમાં અધ્યાપક બન્યા. 1984માં ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તરીકે તેમની નિમણૂક થઈ. તેઓ 2008માં ગાંધીનગરથી અધિક માહિતી નિયામકના પદેથી નિવૃત્ત થયા.

દલપત પઢિયારે પોતાના ગૂજરાત વિદ્યાપીઠના અભ્યાસ દરમિયાન જ કવિતાઓ લખવાની શરૂ કરી હતી. ‘ભોંયબદલો’ (1982) અને ‘સામે કાંઠે તેડાં’ (2010) તેમનાં કાવ્યસંગ્રહો છે. તેઓ મુખ્યત્વે ગીતકવિ છે. લોકસંસ્કૃતિનો વારસો તેમની કવિતાઓમાં જોવા મળે છે. તેમના કાવ્યસંગ્રહોમાં ગીતો અછાંદસ, છાંદસ રચનાઓ જોવા મળે છે. રવિભાણ સંપ્રદાયની કૌટુંબિક ગાદીના વારસ હોવાના કારણે તેમની રચનાઓમાં સંતવાણી અને આધ્યાત્મિકતા જોવા મળે છે. ‘સૂકા છાંટાની સલામું’, ‘જલતી દીવડી’, ‘ટેંટોડો’, ‘રાજગરો’, ‘અમને કોની રે સગાયું’, ‘મેલો ભૈ...’, ‘હોંચી રે હોંચી’, ‘ઝીલણ ઝીલવાને!’ વગેરે તેમનાં પ્રસિદ્ધિ પામેલાં ગીતો છે. તેમનાં ગીતોમાં આધુનિક ગીતશૈલીની છાંટ જોવા મળે છે.

‘આપણી પૉલિસી પાકે છે...’માં કવિએ કરેલો પોતાની જાત પ્રત્યેનો કટાક્ષ વેધક છે. ‘ભૂકંપની છઠ્ઠી’ અને ‘કાલે રાખીએ’ જેવી કવિતાઓમાં કવિએ સરકારીકરણ અને નોકરશાહી પર વ્યંગ અને તેનો ઉપહાસ કર્યો છે. તેમણે લલિત અને ચરિત્રનિબંધો પણ લખ્યા છે. તેમણે ‘છોગાળા હવે છોડો’ નામની બાળવાર્તા આપી છે.