Dalpat Chauhan Profile & Biography | RekhtaGujarati

દલપત ચૌહાણ

અનુઆધુનિક યુગના જાણીતા દલિત સાહિત્યકાર

  • favroite
  • share

દલપત ચૌહાણનો પરિચય

જન્મ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મંડાલી મુકામે થયો. 1947માં આઝાદી મળતાં સમાજના લોકોને વેઠ બંધ કરવાનો વિચાર આવ્યો અને તેઓ પણ વતન છોડીને અમદાવાદ મુકામે આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા. ધોરણ એકથી સાત સુધી રખિયાલ શાળા નંબર એકમાં, મૅટ્રિક સુધી વી.એસ. ટ્યૂટોરિયલ હાઈસ્કૂલ ત્રણ દરવાજા અમદાવાદમાં ભણ્યા. અભ્યાસની સાથે સાથે તેમનું વાંચન એટલું બધું પ્રબળ હતું કે ત્યાંની ચાલીઓમાં જે લાઇબ્રેરી હતી તેમાંનાં ઘણાં પુસ્તકો વંચાતાં હતાં અને એ વખતે તુરી બારોટ દ્વારા ભવાઈ થતી. આમ અભિનય અને કલા–સાહિત્યના સંસ્કાર તેમને વિદ્યાર્થીજીવનમાંથી જ મળેલા. 1964માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. 1964માં સ્ટેટ ટ્રાન્સ્પૉર્ટ, અમદાવાદમાં, 1965માં કંડલા પોર્ટ ટ્રસ્ટમાં-કંડલામાં, 1966માં ગુજરાત સરકારમાં નોકરી કરતા એકાઉન્ટન્ટ તરીકે 1998માં નિવૃત્ત થયા. લાલ દરવાજા પોએટ્સ વર્કશૉપના ઉપક્રમે ‘કાળો સૂરજ’ નામના કવિતા ચતુર્માસિકનું પાંચ વર્ષ સુધી સંપાદન કર્યું. ‘સર્વનામ’, ‘વાર્ષિકી’નું ચાર વર્ષ સંપાદન કર્યું. દલિત સાહિત્ય સંઘના સ્થાપક સભ્ય અને ઉપપ્રમુખ તરીકે કાર્ય કર્યું, ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આબુ મુકામે વાર્તાલેખન શિબિર યોજેલો જેમાં વાર્તા લખતાં આવડી જશે એવું માનીને ગયા, પરંતુ વાર્તા લખાઈ નહીં, એ પછી એકસાથે ત્રણ વાર્તાઓ લખાઈ—‘હડકાયું કૂતરું’, ‘ગંગામા’, અને ‘બદલો’. ત્રણ વાર્તાઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત’, અને ‘ચાંદની’ એમ ત્રણ જુદાં જુદાં સામયિકોમાં મોકલી અને ત્રણેય વાર્તાઓ છપાઈ. અને વાર્તા લખવાનો ઉમંગ બેવડાયો. વાર્તા લખવા–સમજવાની નવી દિશા મળી. ‘બદલો’, ‘મૂંઝારો’, ‘ગાંઠ’, ‘ભેલાણ’, ‘ઘાબાજરિયું’, ‘ચાંલ્લો’, વગેરે તેમની ખૂબ જ જાણીતી વાર્તાઓ છે. તેમની પાસેથી ઘણી વાર્તાઓ અને નવલકથારૂપે દલિતચેતનાને ઉજાગર કરતી ઉમદા કૃતિઓ મળી છે.

આ સર્જકે સ્વયં દલિત હોવાની વેદના–વ્યથા વેઠી છે. પ્રત્યાઘાતરૂપે એમના સર્જનમાં એનો બળકટ પડઘો પડ્યો છે. અમદાવાદમાં મિલ કામદાર તરીકે કામ કરતા પિતા પાસે રહેવા આવ્યા પછી અછૂત હોવાની લાગણીમાંથી મુક્ત થયા. ‘મલક’ના નિવેદનમાં લેખક પોતે જણાવે છે : “સારાનરસા અનુભવો વચ્ચે અમદાવાદી હવાએ મને ઘડ્યો. ચાલીમાં રહેતાં નવા વિચારો મળ્યા. ગામડાનું અછૂતપણાનું ભૂત મને અહીં ઓછું ધૂણતું જણાયું. વાંચનભૂખ અને મિત્રોને લીધે મારી આસપાસ રચાયેલ સંસાર અને સમાજરચનાની સમજ આવતી ગઈ. અમદાવાદનાં નાનાં-મોટાં આંદોલનો મારા માર્ગદર્શક બન્યાં.”

કવિતા તરફ આકર્ષનારાં પરિબળોમાં અમદાવાદના રખિયાલ જેવા પરાવિસ્તારોમાં રાતના રાત ચાલતા મુશાયરાઓ અને ચાલીમાં વંચાતાં રામાયણ-મહાભારતની શ્રવણપ્રવૃત્તિ કારણભૂત રહ્યાં છે. પછી તો કવિમિત્રો સાથે લખવાનું શરૂ કર્યું. ‘આક્રોશ’, ‘કાળો સૂરજ’ જેવા ઋતુપત્ર ચલાવી દલિત સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે દેખાવો કર્યા. મરાઠી સાહિત્યમાંથી પ્રેરણા લઈ એમણે આસપાસ ગંદી ચાલીઓમાં જીવતા, ભૂખ-તરસથી વલવલતા, અને અપમાન ભરેલા બેહાલ જીવનની દલિત-પીડિત કવિતા લખવી શરૂ કરી. પ્રવીણ ગઢવી તેમને ‘દલિત કવિઓમાં આદ્ય’ કહે છે. આમ, કવિતાસર્જનથી આરંભ થયેલી પ્રવૃત્તિ વાર્તા, નવલકથા, નાટક, વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરવા સુધી પહોંચી. તેમની તમામ રચનામાં દલિતચેતનાનો તંતુ સુદૃઢ અનુસ્યૂત છે. દલપત ચૌહાણ ગુજરાતી દલિત સાહિત્યના એક અગ્રેસર અને સત્ત્વશીલ સર્જક છે.

‘તો પછી’ (1992), ‘ક્યાં છે સૂરજ?’ (2000) એમ બે કાવ્યસંગ્રહ.

નવલકથા : ‘મલક’ (1991) નવલકથાનું કથાવસ્તુ એક દલિત પુરુષના સવર્ણ સ્ત્રી સાથેના સંબંધનું, એ સંબંધમાંથી ઊભા થતા તણાવનું, અને અંતે એને કારણે સમગ્ર દલિત સમાજે કરવી પડેલી હિજરતનું છે. ‘ગીધ’ (2001)માં આઝાદી પૂર્વેનું વિષયવસ્તુ અને વાતાવરણ લઈને સવર્ણોના પ્રભુત્વમાં જીવતા દલિત સમાજની વ્યથા–વિટંબણા આલેખાઈ છે. ‘ભળભાંખળું’ (2004)માં દલિત સમાજની વ્યથા–પીડાનું નિરૂપણ એક જુદા જ પરિપ્રેક્ષ્યમાં ઊપસે છે. અહીં શિક્ષણનો પ્રશ્ન કેન્દ્રમાં છે, તો ‘રાશવા સૂરજ’ (2012) ‘ભળભાંખળું’નો ઉત્તરાર્ધ છે.

દલિત સાહિત્યમાં નાટ્યક્ષેત્ર વિધામાં કામ અલ્પ થયું છે, એમાં દલપત ચૌહાણની સક્રિયતા આપણું ધ્યાન ખેંચે છે. તેમનો હેતુ દલિતચેતના જગાવવાનો છે. ‘અનાર્યાવર્ત’ (2000) સંગ્રહનું શીર્ષકપ્રધાન નાટક ‘અનાર્યાવર્ત’ અર્થઘટનનું નાવીન્ય અને વસ્તુગત આક્રોશ સહ મહાભારતની પ્રસિદ્ધ કથાને રજૂ કરતું નાટક છે. જોકે, કળાકીય પાસું થોડુંક નબળું જણાય છે. ઇતિહાસ અને મહાકાવ્યોની ઘટનાઓને નવે છેડેથી ઓળખાવતું ‘અંતિમ ધ્યેય’ નામનું દ્વિઅંકી નાટક પણ ધ્યાન ખેંચે છે. ‘હરીફાઈ’ (2001)નાં એકાંકીઓમાં વણસ્પર્શી સમસ્યાઓને વાચા આપી છે. સતીશ વ્યાસ પ્રસ્તાવનામાં આ સંગ્રહના એકાંકીઓ વિશે નોંધે છે કે, “આ એકાંકીઓ મિશ્ર અનુભૂતિઓ, વિભિન્ન વસ્તુવિશેષો, વિલક્ષણ નાટ્ય પ્રયુક્તિઓથી લખાયાં છે. એની સામગ્રી ભલે પરંપરાગત હોય પણ અભિવ્યક્તિ આધુનિકતા સાથે સંકળાયેલી પ્રયોગાત્મક છે. પહેલો માણસ, બીજો માણસ જેવાં પાત્રો, પુરાકલ્પનો તરફ ઝુકાવ, ભાષામાં આવતું ચિંતનતત્ત્વ એમ અહીં સીધી આધુનિક પ્રયુક્તિઓ છે.”

‘મૂંઝારો’ (2002), ‘ડર’ (2009), ‘ભેલાણ’ (2013) નામે વાર્તાસંગ્રહ, 'સંભારણા અને સફર' નામે નિબંધસંગ્રહ, ‘પદચિહ્ન' (2003), ‘દલિત સાહિત્યની કેડીએ’ (2008), ‘સમર્થન’ (2009), ‘શબ્દભેદ’ (2015) આદિ વિવેચનસંગ્રહ અને ‘ગુજરાતી દલિત ટૂંકીવાર્તાઓ’ (સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા) ‘વણબોટી વાર્તાઓ’, ‘દુંદુભિ’ (કાવ્યસંગ્રહ અન્ય સાથે), ‘શબ્દે બાંધ્યો સૂરજ’ (કાવ્યસંગ્રહ અન્ય સાથે), ‘સાગમટે’ સમગ્ર દલિત સાહિત્ય (‘સમાજમિત્ર’ માસિક પત્રિકા વિશેષાંક), ‘સ્વકીય’ (સમગ્ર દલિત સાહિત્ય સાહિત્ય પરિષદ અમદાવાદ અન્ય સાથે) જેવાં સંપાદન થકી દલિત સાહિત્યની વિવિધ મુદ્રાઓ ઉપસાવી આપી આ સર્જકે પોતાની સત્ત્વશીલ આભા ઊભી કરી છે. આ ઉપરાંત, છૂટક લેખો જુદાં જુદાં સામયિકોમાં પ્રકાશિત થયા છે.

‘ક્યાં છે સૂરજ?’ (2000) કાવ્યસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક, ‘પાટણને ગોંદરે’ અને ‘અનાર્યાવર્ત’ નાટકને અખિલ ભારતીય રેડિયો નાટ્યલેખન પ્રતિયોગિતા પુરસ્કાર, ઉપરાંત, ‘અનાર્યવર્ત’ ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક. ‘ગીધ’ (2001) નવલકથાને ગુજરાત દલિત સાહિત્ય અકાદમીનો સંતોકબા સુવર્ણચંદ્રક, ‘ભળભાંખળું’ (2004) નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ પારિતોષિક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક, શ્રી દોલત ભટ્ટ પારિતોષિક, પ્રિયકાન્ત પરીખ નવલકથા પારિતોષિક, અને ગુજરાત સરકાર દ્વારા ‘દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ’, ‘હરીફાઈ' (2001) એકાંકીસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક અને એમાં સંગૃહીત ‘દીવાલો’ એકાંકી માટે બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક. 'બાનું મૃત્યુ’ વાર્તાને ‘તાદર્થ્ય’ માસિકનો શ્રેષ્ઠ વાર્તા પુરસ્કાર, ‘ડર’ વાર્તાસંગ્રહને ધૂમકેતુ પરિવાર દ્વારા ધૂમકેતુ વાર્તા પુરસ્કાર, ‘ભેલાણ’ને ‘જલારામદીપ’ માસિકનો દ્વિતીય પુરસ્કાર, ‘દરબાર’ વાર્તાને ગુજરાત સમાચારનું આશ્વાસન ઇનામ, ગુજરાત સરકાર, ગાંધીનગર તરફથી સમગ્ર દલિત સાહિત્ય સર્જન માટે નરસિંહ મહેતા ઍવૉર્ડ. દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ દ્વારા ઇબ્રાહિમ મોહમ્મદ સરવૈયા ઍવૉર્ડ, સંશોધન ‘ગુજરાતી દલિત સાહિત્યની કેડીએ’ માટે ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, શ્રી હરિજન કેળવણી મંડળ, વિસનગર સન્માનિત પુરસ્કાર (દલિત સાહિત્યકાર સન્માન),વગેરે સન્માન મળી ચૂક્યાં છે.