Daksha Vyas Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દક્ષા વ્યાસ

જાણીતા કવિ, અનુવાદક, વિવેચક-સંશોધક

  • favroite
  • share

દક્ષા વ્યાસનો પરિચય

જન્મ બળવંતરાય વ્યાસને ત્યાં તાપી જિલ્લાના વ્યારા મુકામે, વ્યારામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, 1962માં ગુજરાત યુનિવર્સિટીમાંથી વિનયન સ્નાતક, 1965માં વિનયન અનુસ્નાતક, 1978માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી, શ્રીમતી કૃ. કૃ. કદમ કન્યા વિદ્યાલય, વ્યારાથી શિક્ષિકા (1962-67) તરીકેની કારકિર્દીનો આરંભ, ગુરુકુળ કૉલેજ, પોરબંદર(1967-73)માં અને વ્યારાની આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં (1973-85) વ્યાખ્યાતા તરીકે સેવા, 1985થી 2004 સુધી અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપન તેમજ એમ.ફિલ., પીએચ.ડી.ના માર્ગદર્શક, વ્યારા કૉલેજ સંચાલિત આદિજાતિ અને ગ્રામીણ વિકાસ તથા સંશોધનભવન અને પ્રફુલ્લ-ભક્તિ અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન કેન્દ્રના 2004થી માનદ્ નિયામક તરીકે એમ વિવિધ ક્ષેત્રે ફરજ બજાવી.

તેમની પાસેથી 1850થી 1940 સુધીની કાવ્યયાત્રાનો નકશો આંકી સ્વાતંત્ર્યોત્તર કવિતાના નિરંતર બદલાવો, સમસામયિક સ્થિતિ, અભિવ્યક્તિની તરાહ તેમજ વિષય સમાર્જનને ધ્યાનમાં રાખીને કવિતાની સમીક્ષા કરતો ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા: પરિદર્શન’ નામે મહત્ત્વનો મહાનિબંધ, ‘ચૌધરી બોલી અને સંસ્કૃતિ બોલી : એક અભ્યાસ' (1981), ‘ગામીતજાતિ : સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન’ (1993), ‘આદિવાસીસમાજ :  કેટલાક લેખો' (2001), ‘ગામીત કહેવત સંચય’ (2004) જેવાં સંશોધનના ગ્રંથો, ‘ભાવપ્રતિભાવ’ (1981), ‘સૌન્દર્યદર્શી કવિઓ' (1984), ‘સિદ્ધાંત વિવેચનનું રૂપકગ્રંથિ’ (1988), ‘અનુસર્ગ’ (1998), ‘પરિપ્રેક્ષણા’ (2004), ‘સારસ્વત જયંત પાઠક’ (2007) આદિ વિવેચનનાં પુસ્તક, મહદ્અંશે અછાંદસ કાવ્યોને સમાવતો કાવ્યસંગ્રહ ‘અલ્પના’ (2000), ‘આતમને અજવાળે’ (2004) નામે ચિંતનગ્રંથ, ‘ઉત્તરાંચલ : એક અનુભૂતિ’ (2006) નામે પ્રવાસગ્રંથ, ‘પથપ્રદીપ’ નામે અર્વાચીન કવિઓના જીવનચરિત્રનું પુસ્તક, ‘બાળક અને આપણે’ નામે બાળઘડતર સહાયક લેખોનું પુસ્તક, રવીન્દ્રનાથ ટાગોરના પુસ્તકનો ‘પુષ્પકુંજનો માળી’ નામે અને મહાદેવી વર્માના પુસ્તકનો ‘શૃંખલાની કડીઓ’ નામક ગુજરાતી અને જયંત પાઠકના 75 કાવ્યોનો ‘पंचसप्तति’ નામે હિન્દી અનુવાદ, ‘ક્ષણ હસવું...’ નામે હાસ્યલેખસંગ્રહ, ‘અનુબંધ’, ‘સંમુખમ્’, ‘મંગલપરિણય’ જેવા અન્ય પુસ્તક પણ મળે છે.

તેમના ‘ગામીતજાતિ : સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન’ (1993) નામે સંશોધનગ્રંથને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ભાસ્ક૨રાવ વિદ્વાંસ પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું લોકવિદ્યા વિભાગનું પારિતોષિક, ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન’(1931)ને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક એમ વિવિધ પુરસ્કાર એનાયત થયાં છે.