Chunilal Madia Profile & Biography | RekhtaGujarati

ચુનીલાલ મડિયા

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ

  • favroite
  • share

ચુનીલાલ મડિયાનો પરિચય

તેમનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં થયો હતો. 1939માં તેઓ મૅટ્રિક થયા હતા. 1945માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ.ની પદવી હાંસિલ કરી હતી. 1946માં ‘જન્મભૂમિ’માં તેમણે પત્રકારની રૂએ કામ કર્યું. ત્યાર બાદ મુંબઈમાં 1950માં ‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં તેમણે નોકરી કરી. 1962માં ‘યુસીસ’માંથી જ તેઓ નિવૃત્ત થયા. 1966થી તેમણે ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન કર્યું. 1957નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક તેમને ગુજરાતી સાહિત્યમાં તેમનાં પ્રદાનને અનુલક્ષીને એનાયત થયા હતા.

‘પાવકજ્વાળા’ (1945), ‘વ્યાજનો વારસ’ (1946), ‘ઈંધણ ઓછાં પડ્યાં’ (1951), ‘વેળા વેળાની છાંયડી’ (1956), ‘લીલુડી ધરતી’ ભા. 1–2 (1957), ‘પ્રીતવછોયાં’ (1960) ‘શેવાળનાં શતદલ’ (1960), ‘કુમકુમ અને આશકા’ (1962), ‘સધરા જેસંગનો સાળો’ ભા. 1–2 (1962), ‘ગ્રહાષ્ટક વત્તા એક’ (1965), ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ (1967), ‘સધરાના સાળાનો સાળો’ (1968), ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ (1968), વગેરે એમની નવલકથાઓ છે.

‘ઘૂઘવતાં પૂર’ (1945), ‘શરણાઈના સૂર’ (1945), ‘ગામડું બોલે છે’ (1945) ‘પદ્મજા’ (1947), ‘ચંપો અને કેળ’ (1950), ‘તેજ અને તિમિર’ (1952), ‘રૂપ-અરૂપ’ (1953), ‘અંતઃસ્રોતા’ (1956), ‘જેકબ સર્કલ સાત રસ્તા’ (1959), ‘ક્ષણાર્ધ’ (1962), ‘ક્ષત-વિક્ષત’ (1968) એ એમના નવલિકાસંગ્રહો છે.

‘હું અને મારી વહુ’ (1949), ‘રંગદા’ (1951), ‘વિષયવિમોચન’ (1955), ‘રક્તતિલક’ (1956), ‘શૂન્યશેષ’ (1957), ‘રામલો રોબિનહૂડ’ (1962) વગેરે એમનાં ત્રિઅંકી નાટક અને એકાંકીનાં પ્રકાશનો છે.

‘ગાંધીજીના ગુરુઓ’ (1953)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, ટૉલસ્ટૉય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. ‘વિદ્યાપ્રેમી ફાર્બસ’ પણ એમની ચરિત્રપુસ્તિકા છે. ‘ચોપાટીના બાંકડેથી’ (1959) એ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો ‘જય ગિરનારી’ (1948) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે.

‘સૉનેટ’ (1959) એમનો એકવીસ સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે. ‘વાર્તાવિમર્શ’ (1961), ‘ગ્રંથગરિમા’ (1961), ‘શાહમૃગ અને સુવર્ણમૃગ’ (1966), અને ‘કથાલોક’ (1968) એ એમના કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક વિવેચનના ગ્રંથો છે. ‘નાટક ભજવતાં પહેલાં’ (1957), ‘ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’ (1963) એમણે આલેખેલી પરિચયપુસ્તિકાઓ છે.

એમનાં સંપાદનોમાં ‘મડિયાની હાસ્યકથાઓ’, ‘મડિયાની ગ્રામકથાઓ’, ‘મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘શ્રેષ્ઠ એકાંકીઓ’, ‘નટીશૂન્ય નાટકો’, ‘નાટ્યમંજરી’, અને ‘ઉત્તમ એકાંકી’ જેવાં સંપાદનો ઉલ્લેખનીય છે. જોકે, આમાં મોટા ભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. ‘શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ’ અને ‘કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓના અનુવાદોના સંગ્રહો છે; તો ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ’ એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.