Chhotam Kavi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છોટમ કવિ

19મી સદીના ગુજરાતના સંતકવિ

  • favroite
  • share

છોટમ કવિનો પરિચય

  • મૂળ નામ - છોટાલાલ કાળિદાસ ત્રવાડી
  • જન્મ -
    24 માર્ચ 1812
  • અવસાન -
    05 નવેમ્બર 1885

મૂળ નામ છોટાલાલ કાળિદાસ ત્રવાડી. વડોદરા રાજ્યના પેટલાદ તાલુકાના મતાલજ ગામે સાઠોદરા નાગર જ્ઞાતિમાં પિતા કાળિદાસ સુખરામ ત્રવાડી અને માતા ઉમિયાલક્ષ્મીને ત્યાં જન્મેલા. ગામઠી શાળામાં પ્રારંભિક શિક્ષણ મેળવી સંસ્કૃતનો અભ્યાસ પણ કરેલો. વધારે અભ્યાસ ન હોવા છતાં તેમની પાસે અનુભવી અનોખી નિરીક્ષણ શક્તિ જેના થકી વિદ્યાભ્યાસને ઉત્તેજન આપવા સાથે તેઓ જ્ઞાનયોગ અને ભક્તિમાર્ગના ઉપાસક રહ્યા હતા. પુખ્ત છોટાલાલે આરંભમાં તલાટીની નોકરી પણ કરી હતી, પછી પુરુષોત્તમ નામે સિદ્ધ યોગીના સંસર્ગમાં પાખંડી પંથોનું ખંડન કરી અસલ વેદ ધર્મનું મંડન કરતા ગ્રંથ રચવાની શીખ મળતા છોટાલાલે યોગસાધના કરી અને જ્ઞાન, કર્મ અને ભક્તિની ઉપાસના દ્વારા જનસમાજમાં વ્યાપેલ મિથ્યાડંબરી મતોનું ખંડન કરીને પરમ ધર્મ-વેદ ધર્મનો મર્મ સમજાવતું સાહિત્ય રચ્યું. લગભગ ચારસો જેટલાં પદો, પાંત્રીસ જેટલાં ખંડકાવ્યો અને વીસ જેટલાં બોધપ્રધાન આખ્યાનોની રચના દ્વારા 41 જેટલા ગ્રંથો આપી સંતકવિ ‘છોટમ’ તરીકે સમસ્ત ગુજરાતમાં ખ્યાતિ પામ્યા. થોડીક કૃતિઓ વ્રજભાષામાં ઉપરાંત હિન્દીમાં પણ રચાઈ છે.

‘કપિલગીતા’, ‘કીર્તનમાળા’, ‘શિવસ્વરોદય’, ‘બોધચિંતામણિ’, ‘ઉપાસના-કુતૂહલ’, ‘ભક્તિભાસ્કર’, ‘ગુરુમહિમા’, ‘બોધબાવની’, ‘પ્રશ્નોત્તર-માળા’, ‘વાદવિચાર’, ‘સાંખ્યસાર’ અને ‘રોગસાર’ જેવાં અનેક જ્ઞાનબોધક કાવ્યો, ‘ચિત્રભાનુ આખ્યાન’, ‘મનજીભાઈનું આખ્યાન’, ‘વંશપાળ-આખ્યાન’, ‘નારારેશમનું આખ્યાન’, ‘માનસિંહ-આખ્યાન’, ‘સુમુખચરિત્ર’, ‘પ્રહ્લાદ આખ્યાન’, ‘નારા-રેશમનું આખ્યાન’, ‘મદાલસા-આખ્યાન’, ‘જડમુનિનું આખ્યાન’, ‘ધુંધુંમાર આખ્યાન’ અને ‘બુદ્ધિધનચરિત્ર’, ‘ચંદ્રચરિત્ર’ જેવાં અનેક આખ્યાનો અને ‘શિવવિવાહ’, ‘ધર્મસિદ્ધિગ્રંથ’, ‘પંચીકરણ’, ‘હંસઉપનિષદ સાર’ કૃતિઓ લોકપ્રચલિત થયેલી.

કવિની દીર્ઘ કૃતિઓ અને છૂટક પદ નડિયાદના ‘શ્રી છોટમ જ્ઞાનોદય’ નામે માસિકમાં તેમજ ‘છોટમકૃત કાવ્યસંગ્રહ’ (1922), ‘છોટમકૃત કીર્તનમાળા’ (ભાગ 1 થી 3, 1924) અને ભિક્ષુ અખંડાનંદ સંપાદિત ‘છોટમની વાણી’ ગ્રંથ 1 થી 3માં પ્રકાશિત થતાં સર્વસુલભ છે, તો પણ આજે ધાર્મિક સાહિત્ય રચનાર સર્જકોમાં તેઓ ઉમદા પ્રદાન છતાં ઉપેક્ષિત રહ્યા છે.