ચંદ્રવદન મહેતાનો પરિચય
તેઓ સુપ્રસિદ્ધ ગુજરાતી નાટ્યકાર, નાટ્યવિદ્, કવિ, અને આત્મકથાકાર હતા. તેઓ ચં.ચી. મહેતાના હુલામણા નામે ખૂબ જાણીતા થયા.
તેમનો જન્મ સુરતમાં થયો હતો પરંતુ પિતાની વડોદરામાં રેલવેની નોકરીને કારણે તેમનું બાળપણ વડોદરામાં વીત્યું હતું. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ લઈને માધ્યમિક શિક્ષણાર્થે તેઓ સુરત ગયા હતા. સારા શિક્ષકોના સત્સંગે તેમને સાહિત્ય અને ઇતિહાસનો રસ લગાડેલો અને કાવ્યના સંસ્કાર તેમને શાળામાંથી જ મળેલા. મિત્રો અને નવરાત્રિમાં અમીચંદ ભગત પાસેથી સાંભળી સાંભળી કાવ્યો અને છંદોનું જ્ઞાન તેમને ઠીકઠાક થઈ ગયું હતું. 1920માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા ત્યાં સુધીમાં નરસિંહરાવ, બલવંતરાય, ન્હાનાલાલ, અને કેશવલાલ ધ્રુવ જેવા સાક્ષરોનો તેમને સંપર્ક થયો હતો.
તેમણે 1924માં ગુજરાતી વિષય સાથે બી.એ.ની પદવી મેળવી હતી. તેઓએ 1933થી 1936 સુધી મુંબઈમાં શિક્ષણકાર્ય કર્યું. ત્યાર બાદ મુંબઈ તેમ જ અમદાવાદ આકાશવાણીના નિયામકપદ સુધી પહોંચ્યા. નિવૃત્તિ બાદ વડોદરાની મ.સ. યુનિવર્સિટી તથા અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંલગ્ન રહ્યા.
સાહિત્યક્ષેત્રે ચંદ્રવદનનો પ્રવેશ કવિતા દ્વારા થયેલો. તેમના લખેલાં ઇલા કાવ્યોએ ગુજરાતી સાહિત્યમાં અમીટ છાપ છોડેલી છે. બ.ક. ઠાકોરની શૈલીમાં ગુજરાતી સાહિત્યની પ્રથમ સૉનેટમાળા લખ્યાનું શ્રેય પણ તેમને નામે છે.
ચંદ્રવદનની નાટ્યસૃષ્ટિ નાટક અને રંગભૂમિને લગતી ગંજાવર કાર્યશાળા (workshop) જેવી છે. નાટક અને થિયેટરનાં વિવિધ અંગોના અભ્યાસની પુષ્કળ સામગ્રી તેમાંથી મળી રહે તેમ છે. આરોહ-અવરોહવાળી અને સીધી-સપાટ, સંગીતમય અને ગદ્યાળુ એમ ભાતભાતની ભાષાભંગિઓનો ચંદ્રવદને નાટ્યમાં પ્રયોગ કરીને રંગભૂમિની દૃષ્ટિએ ગુજરાતી શબ્દની શક્તિનો ક્ષિતિજવિસ્તાર કરી આપ્યો છે.
સાત દાયકાથીય વધુ વખત સુધી તેઓ નાટક અને રંગભૂમિની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા હતા. એલ્ફિન્સ્ટન કૉલેજના અભ્યાસકાળ દરમિયાન તેમને લાગેલો નાટક કરવાનો ચસકો આજીવન રહ્યો અને તેનું મોંઘેરું ફળ ગુજરાતી પ્રજા અને સાહિત્યને મળ્યું છે. જૂની રંગભૂમિનાં દૂષણો પણ એમણે જાહેરમાં પ્રગટ કરવા માંડ્યાં. જૂની રંગભૂમિના વાચિક, આંગિક, સંનિવેશ, રંગભૂષા, વગેરેમાં ફેરફાર કરીને તેમ જ પ્રવચનો દ્વારા નવી રંગભૂમિ ઊભી કરવાની જેહાદ તેમણે ગુજરાત–સૌરાષ્ટ્રમાં ઉપાડી. સ્ત્રીપાત્ર સ્ત્રી જ ભજવે એવો આગ્રહ રાખ્યો અને શિક્ષિત સન્નારીઓ પાસે નાટ્યપ્રયોગ કરાવ્યા.
થોડો વખત શિક્ષક રહ્યા પછી 1939ના અરસામાં આકાશવાણીના નવા શરૂ થયેલા મુંબઈ કેન્દ્ર પર તેમની કાર્યક્રમ અધિકારી તરીકે નિમણૂક થઈ હતી.
ગુજરાતમાં ઉચ્ચ સ્તરે નાટ્યશિક્ષણનો આરંભ કરવાનું શ્રેય નાટ્યાચાર્ય ચંદ્રવદનને મળે છે. તેઓ આકાશવાણી પરથી વહેલા નિવૃત્ત થયા. તે પછી તરત જ વડોદરા યુનિવર્સિટીમાં નાટ્યવિદ્યાના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમને નિમંત્રવામાં આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન નાટ્યવિદ્યા અને કળાનો વ્યવસ્થિત અભ્યાસક્રમ (સ્નાતક તેમ જ સ્નાતકોત્તર) ઘડાયો અને તેનું વર્ષો સુધી અધ્યયન–અધ્યાપન ચાલ્યું, જેના ફળસ્વરૂપે અદ્યતન રંગભૂમિના કલાકારો અને કસબીઓની એકાધિક પેઢીઓ તૈયાર થઈ શકી. તે અરસામાં જ ઇન્ટરનૅશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસ; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયેટર રિસર્ચ, વિયેના; ઇન્ટરનૅશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ્સ ઑવ્ યુનાઇટેડ સ્ટેટ્સ, ન્યૂ યૉર્ક; મિશિગન સ્ટેટ યુનિવર્સિટી, વગેરે વિદેશી નાટ્યસંસ્થાઓ અને તેના નિષ્ણાતો સાથે ચંદ્રવદનનો સંબંધ બંધાતાં વડોદરા યુનિવર્સિટીના નાટ્યવિભાગની પ્રતિષ્ઠા વધી. ચંદ્રવદને અનેક વિદેશી સંસ્થાઓમાં ભારતીય નાટ્યશાસ્ત્ર, સંસ્કૃત નાટ્ય, અને ભવાઈ જેવા વિષયો ઉપર વ્યાખ્યાનો આપીને ભારતની પ્રતિષ્ઠા વધારી. આઇ.ટી.આઇ.ની કાર્યવાહક સમિતિ અને નાટ્યસ્પર્ધાની નિર્ણાયક સમિતિના તેઓ સક્રિય સભ્ય હતા; દા.ત., વિશ્વરંગભૂમિદિન (World Theatre Day) ઊજવવા અંગે ચંદ્રવદને આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઠરાવ મૂકેલો તેનો સ્વીકાર થતાં 1962થી દર વર્ષે માર્ચની 27મી તારીખે વિશ્વરંગભૂમિદિન ઊજવાય છે.
ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપેલો. અનેક યુનિવર્સિટીઓએ તેમને ડી.લિટ્.ની માનાર્હ પદવી આપેલી. ગુજરાત સાહિત્ય સભાનો 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને ‘આગગાડી’ નાટક માટે અપાયેલો. 1942–46નો નર્મદચંદ્રક, 1971નો સાહિત્ય અકાદમી પુરસ્કાર, વગેરે તેમને પ્રાપ્ત થયેલા. 1978માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ થયા હતા.
તેમની કૃતિઓનું લિસ્ટ તો વિશાળ છે, પરંતુ તેમનાં ચૂંટેલા ગ્રંથોની યાદી નીચે પ્રમાણે છે.
કવિતા: ‘યમલ’ (1926), ‘ઇલાકાવ્યો’ (1933), ‘ચાંદરણાં’ (1935), વગેરે.
નવલકથાઅનેવાર્તા: ‘ખમા બાપુ’ (1950), ‘વાતચકરાવો’ (1967), ‘મંગલત્રયી’ (1976), ‘પરમ માહેશ્વરથી હે રામ’ (1987), વગેરે.
નાટક: ‘અખો’ (1927), ‘અખો, વરવહુ અને બીજાં નાટકો’ (1933), ‘ચંદ્રવદન મહેતા : સમગ્ર નાટ્યકૃતિઓ’ ભા. 1–4, (1989, સંપા. સુરેશ દલાલ) વગેરે.
આત્મકથા: ‘બાંધ ગઠરિયાં’ ભા. 1–2 (1954), ‘છોડ ગઠરિયાં’ (1955), વગેરે.
વિવેચન: ‘‘કવિશ્રી ન્હાનાલાલનાં નાટકો અને ‘શાહાનશાહ અકબરશાહ’ની રંગભૂમિ પર રજૂઆત’’ (1959), ‘નાટક ભજવતાં’ (1962), ‘લિરિક’ (1962), ‘લિરિક અને લગરીક’ (1965), વગેરે.
પ્રકીર્ણ: ‘ડૉન કિહોટે’ (અનુવાદ) (1964), ‘પ્રસારણ અને સમાજ’ (અનુવાદ) (1980), વગેરે.
અંગ્રેજીપુસ્તકો: ‘Bibliography of Stageable Plays in Indian Languages’, Parts : I–II (1963, 1965), વગેરે.
(તસવીર સૌજન્ય: જગન મહેતા)