Chandrakant Topiwala Profile & Biography | RekhtaGujarati

ચન્દ્રકાન્ત ટોપીવાળા

અગ્રણી કવિ, વિવેચક, અનુવાદક અને સંપાદક

  • favroite
  • share

ચન્દ્રકાન્ત ટોપીવાળાનો પરિચય

જન્મ 7 ઓગસ્ટ, 1936ના રોજ વડોદરામાં. 1958માં મુંબઈની સૅન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતક અને 1960માં અનુસ્નાતકની પદવી, 1982માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ, 1961થી 1965 દરમ્યાન તેઓ પોરબંદરની કે.એચ. માધવાણી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. 1965માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા અને 1971થી 1984 સુધી એ જ કૉલેજમાં આચાર્યના પદે રહ્યા. 1984થી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત કસ્તુરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરના નિયામક રહ્યા.

ચન્દ્રકાન્ત ટોપીવાળાએ કવિતા, નિબંધ, અનુવાદ, વિવેચન, અને સંપાદન એમ એકાધિક ક્ષેત્રે અગત્યનું પ્રદાન કરી સાહિત્યને રળિયાત કર્યું છે. ‘મહેરામણ’, ‘કાન્ત તારી રાણી’, ‘પક્ષીતીર્થ’, ‘બ્લૅક ફૉરેસ્ટ’, ‘આવાગમન’, ‘કામાખ્યા’ કાવ્યસંગ્રહો. ‘મારો આતમરામ’ નિબંધસંગ્રહ. ‘અપરિચિત “અ” અપરિચિત “બ”’, ‘હદ પારના હંસ અને આલ્બેટ્રોસ’, ‘મધ્યમાલા’, ‘પ્રતિભાષાનું કવચ’, ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’, ‘વિવેચનનો વિભાજિત પટ’, ‘ગ્રંથઘટન’, ‘સુરેશ જોષી’, ‘અનેકાયન’, ‘દલપતરામ’, ‘અનુઆધુનિકતાવાદ’, ‘બહુસંવાદ’, ‘અછાંદસ મીમાંસા’, ‘સહવર્તી પરિવર્તી’, ‘સાક્ષીભાષ્ય’, વગેરે વિવેચન. ‘હદ પારના હંસ અને આલ્બેટ્રોસ’, ‘કલ્પો કે કલ્પના મરી પરવારી છે’, ‘Contemporary Gujarati Poetry’, ‘ઈથાકા અને જેરુસલેમ’, ‘ધ રેવન’, ‘ઈશ્વરની યાતના’, ‘મૈથિલી સાહિત્યનો ઇતિહાસ’, ‘સૉનેટ્સ ટુ ઑર્ફિયસ’ વગેરે અનુવાદ. ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’, ‘ગુજરાતી ટૂંકી વાર્તા કોશ’, ‘ગુજરાતી સાહિત્યકોશ’ ભાગ–2-3, ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’, ‘અનુઆધુનિકતાવાદ’, ‘તુલનાત્મક કાવ્યશાસ્ત્ર’, ‘આપણી કવિતાસમૃદ્ધિ’ આદિ મહત્ત્વનાં સંપાદન.

રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, અનંતરાય રાવળ વિવેચન પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર, ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, સમન્વય ભાષા સન્માન પુરસ્કાર આદિથી નવાજવામાં આવ્યા છે.