Chandrakant Sheth Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચંદ્રકાન્ત શેઠ

અગ્રણી કવિ, અનુવાદક, સંપાદક, નિબંધકાર, ચરિત્રકાર અને વિવેચક

  • favroite
  • share

ચંદ્રકાન્ત શેઠનો પરિચય

  • ઉપનામ - નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
  • જન્મ -
    03 ફેબ્રુઆરી 1938
  • અવસાન -
    02 ઑગસ્ટ 2024

તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે થયો હતો. તેમનું મૂળ વતન ખેડા જિલ્લાનો ઠાસરા તાલુકો છે. ચુસ્ત વૈષ્ણવ પિતા ત્રિકમલાલ શેઠ તરફથી તેમને બાળપણથી ધાર્મિક સંસ્કારો મળ્યા હતા, અને ભજનકીર્તનનો લયાત્મક વારસો મળ્યો હતો.

તેમણે પ્રાથમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં, તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. તેઓએ 1954માં મૅટ્રિક થઈને 1958માં ગુજરાતી–સંસ્કૃત સાથે બી.એ.ની પદવી હાંસિલ કરી હતી. ત્યાર બાદ તેમણે હાલોલ તથા ભરૂચમાં થોડો સમય શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. ત્યારબાદ 1961માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પણ મેળવી હતી. તે પછી 1963થી 1966 સુધી અને 1972થી 1998માં નિવૃત્ત થયા ત્યાં સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં તેમણે ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી બજાવી હતી. 1979માં ‘ઉમાશંકર જોશી : સર્જક અને વિવેચક’ વિષય પર વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)ની પદવી પણ મેળવી હતી. 1979થી 1984 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લિયન પર, તથા ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા. સ્વાધ્યાય મંદિરના નિયામક તરીકે સેવા આપી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યકોશ’ના સહસંપાદક (1980–82) તથા માનાર્હ સંપાદક (1982–84) રહ્યા હતા. રાષ્ટ્રીય વ્યાખ્યાતા (1989–90) તરીકે ફરજ નિભાવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદનાં સામયિકો ‘ભાષાવિમર્શ’ (1984–85) તથા ‘પરબ’ (1988–89)નું સંપાદનનું કામ પણ સંભાળ્યું હતું, તથા 1998થી ‘ગુજરાતી વિશ્વકોશ’ના વિભાગીય સંપાદક તરીકે કાર્ય કર્યું હતું.

‘કુમાર’ની બુધસભાએ તેમને સમકાલીન સાહિત્યકારોનો પરિચય કરાવી પરંપરાના સંસ્કાર આપ્યા ત્યારે તેની સામે ‘રે મઠ’ની બળવાખોરીએ તેમને પોતાનો ચીલો ચાતરવાનો નિશ્ચય આપ્યો. તેમની પાસેથી ‘પવનરૂપેરી’ (1972), ‘ઊઘડતી દીવાલો’ (1974), ‘પ્રૌઢશિક્ષણ ગીતમાળા’ (1986), ‘પડઘાની પેલે પાર’ (1987), ‘ગગન ખોલતી બારી’ (1990), ‘સાક્ષરતાનાં ગીતો (1990), ‘એક ટહુકો પંડમાં’ (1996), ‘શગે એક ઝળહળીએ’ (1999), ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ (2004), ‘જળ વાદળ ને વીજ’ (2005), ‘ગગન ધરા પર તડકા નીચે’ (2008), ‘ભીની હવા, ભીના શ્વાસ’ (2008), ‘ચિદાકાશનાં ચાંદરણાં’ (2012), ‘હદમાં અનહદ’ (2015) કાવ્યસંગ્રહો મળ્યા છે.

તેમની પાસેથી એક એકાંકીસંગ્રહ ‘સ્વપ્નપિંજર’ (1983), એક ટૂંકીવાર્તાસંગ્રહ ‘એ બાલ્કનીવાળી છોકરી અને…’ (1995), એક હાસ્યકથાસંગ્રહ ‘એ અને હું’ (1991) મળ્યા છે.

તેમની પાસેથી ‘નંદ સામવેદી’ (1980), ‘ચહેરા ભીતર ચહેરા’ (1986), ‘હેત અને હળવાશ’ (1990), ‘વહાલ અને વિનોદ’ (1995), ‘વાણીનું સત વાણીની શક્તિ’ (1996), ‘ગુણ અને ગરિમા’ (1997), ‘કાંકરીચાળો ને પથ્થરમારો’ (2005), ‘હળવી કલમનાં ફૂલ’ (2005), ‘અખંડ દીવા’ (2011), ‘રૂડી જણસો જીવતરની’ (2013), ‘અત્તરની સુવાસ’ (2015), ‘દીવે દીવે દેવ’ (2015), ‘આપણું અત્તર આપણી સુવાસ’ (2016), વગેરે નિબંધસંગ્રહો મળ્યા છે.

આ ઉપરાંત, અનેક સંપાદનો, સંશોધનો, વિવેચનો પણ તેમની પાસેથી મળ્યા છે. જેમ કે, ‘કાવ્યપ્રત્યક્ષ’ (1976), ‘અર્થાન્તર’ (1978), ‘રામનારાયણ વિ. પાઠક’ (1979), ‘આયરનીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ’ (1984), ‘સ્વામીનારાયણ સંતકવિતા : આસ્વાદ અને અવબોધ’ (1984), ‘કવિતાની ત્રિજ્યામાં’ (1986), ‘કાન્ત’ (1990), ‘ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : 3’ (1992), ‘ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા : ભક્તિકવિતાનું સાતત્ય અને સિદ્ધિ’ (1993), ‘મહાદેવભાઈ દેસાઈ : સત્ત્વ અને સાધના’ (1994), ‘સાહિત્ય : પ્રાણ અને પ્રવર્તન’ (1998), ‘સ્વામી આનંદ’ (1998), ‘શબ્દ દેશનો, શબ્દ વિદેશનો’ (2002), ‘ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી’ (2003), ‘કવિતા : પંથ અને પગલાં’ (2004), ‘સાહિત્ય : તેજ અને તાસીર’ (2005).

આ ઉપરાંત અનુવાદ/રૂપાંતર તથા ‘બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 1 અને 2’ (1995), ‘બૃહદ ગુજરાતી ગદ્યપરિચય ભાગ 1 અને 2’ (1995), ‘સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ’ (1983), ‘યુગદ્રષ્ટા ઉમાશંકર જોશી’ (1995, 2004), ‘ચૂંટેલી કવિતા : સુન્દરમ્’ (2004), ‘સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ’ (2004), ‘સ્વામી આનંદ નિબંધ વૈભવ’ (2004), વગેરે સંપાદનનાંય પાંત્રીસેક પુસ્તકો મળ્યાં છે. ‘ચાંદલિયાની ગાડી’ (1980), ‘હું તો ચાલું મારી જેમ’, ‘ઘોડે ચડીને આવું છું’ (2001)માં એમનાં બાળકાવ્યો છે. એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (1985); કુમારચંદ્રક (1964); સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ (1986); નર્મદ સુવર્ણચંદ્રક (1983-87); નરસિંહ મહેતા ઍવૉર્ડ (2005); તથા ગુજરાતી સાહિત્ય અકાદમીનાં તેમ જ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા હતા.