ચાંપશી ઉદેશીનો જન્મ 24 એપ્રિલ, 1892માં મોરબીના ટંકારા ખાતે થયો હતો. માતા ડાહીબહેન અને પિતા વિઠ્ઠલદાસ. ચાંપશી ઉદેશીનું મૂળ વતન ગોંડલ. મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમણે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી.
ચાંપશી ઉદેશીએ એપ્રિલ, 1922માં ‘નવચેતન’ નામના માસિકની શરૂઆત કોલકાતાથી કરી. આ માસિક દ્વારા તેમણે અનેક યુવા લેખકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. કોલકાતામાં 1942માં થયેલા કોમી રમખાણોને લીધે ‘નવચેતન’ સાથે વડોદરામાં સ્થળાંતર કર્યું. જોકે 1946માં તેઓ કોલકાતા પરત ફર્યા. બાદમાં 1948માં ‘નવચેતન’ સાથે અમદાવાદમાં સ્થાયી થયા. 1972માં ‘નવચેતન’નો સુવર્ણ મહોત્સવ. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ છેલ્લાં શ્વાસ સુધી ‘નવચેતન’નું પ્રકાશન કર્યું. ટૂંકી માંદગી બાદ 26 ફેબ્રુઆરી, 1974ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું.
ચાંપશી ઉદેશીએ નાટ્યક્ષેત્રે મોટું યોગદાન આપ્યું હતું. કોલકાતામાં ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરી, જેમાં ગુજરાતી નાટકો ભજવાયાં અને તેમનું દિગ્દર્શન પણ કર્યું. તેમના ગુજરાતી નાટકો માત્ર કોલકાતામાં જ પ્રસિદ્ધી નહોતાં પામ્યાં, પરંતુ મુંબઈના પ્રેક્ષકોમાં પણ વખણાયાં હતાં. તેમણે કુલ પાંચ નાટકો લખ્યાં છે જેમાંથી ‘ગરીબ આંસુ’, ‘ઘેલી ગુણિયલ’, ‘ન્યાયના વેર’ જેવા સફળ નાટકો છે.
કોલકાતામાં ચાંપશી ઉદેશીએ 1936માં ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી. ‘કાવ્યકલાપ’ (1918) અને ‘હૈયું અને શબ્દ’ (1973) નામના કાવ્યસંગ્રહો આપ્યા. ‘જંજીરને ઝણકારે’ (1925), ‘તાતી તલવાર’ (1928), ‘આશાની ઇમારત’ (1930), ‘નસીબની બલિહારી’ (1934), ‘માનવહૈયાં’ (1943) એમ કુલ પાંચ નવલકથા લખી હતી. તેમનો વાર્તાસંગ્રહ ‘મધુબિંદુ’(1945)ના નામે પ્રકાશિત થયો. ચાંપશીએ 1954માં ‘સ્મૃતિસંવેદન’ નામની આત્મકથા લખી. તેમના ચિંતનલેખો 'જીવનઘડતર' (1968), 'જીવનમાંગલ્ય' (1970) અને 'જીવનવિકાસ'(1973)ના નામે પ્રકાશિત થયા છે.