મધ્યકાલીન જ્ઞાનમાર્ગી વેદાંતી કવિ. સમય ઈ. ૧૭મી સદી. કવિ બ્રહ્માનંદના શિષ્ય અને અખાજી (ઈ.૧૭મી સદી)ના ગુરુભાઈ હોવાની માન્યતા પણ પ્રચલિત છે. જાતે સાધુ. બૂટાજીનાં ૧૨ પદ નોંધાયેલાં મળે છે. આ પદોમાં કવિની અદ્વૈતવેદાંતનિષ્ઠા તથા આધ્યાત્મિક અનુભવે રણકતી, અત્રતત્ર હિંદીની છાંટવાળી, સુબોધક સંસ્કારપૂત વાણી જોવા મળે છે. કવિની શૈલીમાં સ્વાભાવિકતાની સાથે વેગનો પણ અનુભવ થાય છે.