Brahmanand Profile & Biography | RekhtaGujarati

બ્રહ્માનંદ

સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ, સહજાનંદ સ્વામીના સખા

  • favroite
  • share
  • 1772-1832

બ્રહ્માનંદનો પરિચય

  • મૂળ નામ - લાડુદાન બારોટ
  • જન્મ -
    1772
  • અવસાન -
    1832

સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. જન્મ આબુ પર્વતની તળેટીમાં આવેલા રાજસ્થાનના શિરોહી રાજ્યના ખાંણ ગામમાં. પૂર્વાશ્રમનું નામ લાડુદાનજી. પિતાનું નામ શંભુદાન ગઢવી. માતાનું નામ લાલુબા. જ્ઞાતિએ ચારણ. નાની ઉંમરે તેમની શીઘ્ર કવિતા કરવાની શક્તિથી પ્રસન્ન થયેલા શિરોહી રાજ્યના રાજવીએ રાજ્યને ખર્ચે ભૂજની કાવ્યશાળામાં મોકલ્યા. ત્યાં શ્રી અભયદાનજી પાસેથી પિંગળ અને અલંકારશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. પછી વિવિધ રાજ્યોના રાજવીઓને પોતાની કાવ્યશક્તિથી મુગ્ધ કર્યા. ઈ.૧૮૦૪માં ભૂજમાં સહજાનંદ સ્વામી સાથે મેળાપ અને તેમનાથી પ્રભાવિત. ઈ.૧૮૦૫માં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. સાધુ બન્યા પછીનું નામ શ્રી રંગદાસજી અને પાછળથી બ્રહ્માનંદ. સાધુ બન્યા ત્યારે કુટુંબમાં ઊહાપોહ અને સ્વજનો તરફથી લગ્ન માટે દબાણ. વડોદરાના ગાયકવાડ નરેશ તરફથી રાજકવિ બનવા માટેનું નિમંત્રણ. બંને પ્રલોભનોને વશ ન થયા. ઈ.૧૮૨૩માં સહજાનંદ સ્વામીના આદેશથી વડતાલમાં સ્વામિનારાયણનું મંદિર બંધાવવાની શરૂઆત કરી અને ત્રણેક વર્ષમાં એ કામ પૂરું કર્યું ત્યારપછી જૂનાગઢ અને મૂળીના મંદિર પણ તેમની દેખરેખ નીચે બંધાયાં. મૂળી મંદિરના મહંત બન્યા અને ત્યાં જ એમનું અવસાન થયું.