ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક
તેઓ ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક હતા. તેમના પિતા શિક્ષક હતા. તેમનું પ્રાથમિક–માધ્યમિક શિક્ષણ ગણદેવીમાં અને કૉલેજશિક્ષણ બીલીમોરામાં થયું હતું. તેમણે અમદાવાદમાંથી એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું. પરંતુ શિક્ષણના વ્યવસાયથી અને તેના પ્રત્યેના સમાજના ઉદાસીન વર્તનથી હતાશ થઈ તેમણે અધ્યાપનકાર્ય 1976માં છોડી દીધું અને માત્ર સાહિત્યલેખન અને ફિલ્મ દિગ્દર્શન તરફ તેમણે કામ શરૂ કર્યું. અસ્તિત્વની નિરર્થકતા અને કલાની ટૂંકી પહોંચનો ભાસ તેમનામાં ઘર કરી ગયો હતો. તેમના જન્મસ્થળ ગણદેવીની નદીમાં ડૂબી જવાથી તેમનું નાની ઉંમરે અવસાન થયું હતું
નાની ઉંમરથી જ તેમણે કવિતા–વાર્તાસર્જનનું કામ શરૂ કર્યું હતું. તેમની પ્રથમ વાર્તા માત્ર 18 વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ હતી. કેટલાંક સૂત્રોના મતે તેમણે 25થી 30 વાર્તાઓ લખી હતી પરંતુ તેમાંથી 16 વાર્તાઓ ‘હનુમાન-લવકુશમિલન’ (1982)માં મરણોત્તર પ્રકાશિત થઈ હતી.
આ રીતે જ તેમનો મરણોત્તર એકમાત્ર કાવ્યસંગ્રહ ‘પ્રથમ સ્નાન’ (1986)માં આપણને મળે છે. તેના વિશે ચન્દ્રકાન્ત ટોપીવાળા લખે છે કે “એમાં અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો આપતી એમની કવિતાની ઓળખ નાદથી જ થઈ શકે એવું બધી રચનાઓનું કલેવર છે. છતાં આ રચનાઓ નાદ આગળ નથી અટકતી; પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને પ્રતિબદ્ધતા સાથે પરાવૃત્ત થતી કવિતાની બહિર્મુખતા વચ્ચે અહીં રચનાઓએ રસ્તો કર્યો છે. ‘પ્રથમ સ્નાન’ કે ‘બૂટકાવ્યો’ જેવી વિલક્ષણ કૃતિઓ અત્યંત નોંધપાત્ર છે.”
(તસવીર સૌજન્ય: મૂકેશ વૈદ્ય)