Bholanath Sarabhai Divetia Profile & Biography | RekhtaGujarati

ભોળાનાથ સારાભાઈ દિવેટિયા

સુધારકયુગના કવિ, અર્વાચીન ભક્તિકવિતાનાં પ્રથમ પ્રવર્તક, વિદ્વાન લેખકો ભીમરાવ અને નરસિંહરાવના પિતા

  • favroite
  • share

ભોળાનાથ સારાભાઈ દિવેટિયાનો પરિચય

તેમનો જન્મ 22 જુલાઈ, 1823માં અમદાવાદમાં રૂઢિચુસ્ત ધાર્મિક નાગર બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, ફારસી અને સંસ્કૃત ભાષાઓના સારા જાણકાર હતા. કાયદાનો અભ્યાસ કર્યો હોવાથી ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન સરકારી નોકરી (અમદાવાદ, કપડવંજ, ઉમરેઠ અને ખેડા જિલ્લામાં) કરી,  સમય જતા તેમને પ્રથમ દરજ્જાના ઉપ-ન્યાયાધીશ તરીકેની બઢતી મળી અને તેઓ 1874માં નિવૃત્ત થયા. બ્રિટિશ સરકાર દ્વારા 'રાય બહાદુર' ઇકલાબથી તેમને નવાજવામાં આવ્યા હતા. પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિઓથી પ્રેરાઈને તેમણે ધાર્મિક સુધારણા માટે મહીપતરામ નીલકંઠ આદિના સહયોગથી ‘પ્રાર્થનાસમાજ’(1871)ની અને ‘ધર્મસભા’ની સ્થાપના કરી હતી. 11 મે, 1886ના રોજ તેમનું અવસાન થયું.

‘ઈશ્વર પ્રાર્થનામાળા’ (1875,ભાગ1-2) તેમનો નિરાકાર, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન સ્રષ્ટાને ઉદ્દેશીને લખાયેલ, ઈશ્વરોપાસક શુદ્ધ ભાવના સ્તવનમય પ્રાર્થનાઓનો સંગ્રહ છે.સર્જકના મૃત્યુના કારણે તેના અપૂર્ણ રહેલા છેલ્લા બે વિભાગો તેમના પુત્ર નરસિંહરાવ દિવેટિયા દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા હતા. ‘અભંગમાળા’ તેમનો મરાઠી અભંગ અને દિંડી છંદમાં સર્જાયેલ કાવ્યોનો બીજો સંગ્રહ છે. ‘મંગલસ્રોત’ અને ‘ઋણાનુદાન’ એમની ખ્યાત રચનાઓ છે. એમની રોજનીશી પરથી એમના પુત્ર કૃષ્ણરાવે જીવનચરિત્ર લખ્યું છે.

ભોળાનાથની 200 વર્ષ જૂની હવેલી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે, જે હવે અમદાવાદની હેરિટેજ વોકમાં આવરી લેવાઈ છે.