Bhogilal Gandhi Profile & Biography | RekhtaGujarati

ભોગીલાલ ગાંધી

ગુજરાતના સ્વતંત્રસેનાની, કવિ, સંપાદક અને અનુવાદક

  • favroite
  • share

ભોગીલાલ ગાંધીનો પરિચય

ગુજરાતના જાણીતા સ્વતંત્રસેનાની, કવિ, સંપાદક અને અનુવાદક ભોગીલાલ ગાંધીનો જન્મ સાબરકાંઠાના મોડાસામાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મોડાસા, અમદાવાદ, મુંબઈ અને ભરૂચમાં મેળવ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠમાંથી 1930માં સ્નાતક થયા. આઝાદીની લડાઈમાં ભાગ લેવાના કારણે જેલવાસ પણ વેઠ્યો આ દરમિયાન જેલમાં માર્કસવાદી સાહિત્યનું વાંચન કરતા તેઓ માર્કસવાદ તરફ આકર્ષાયા હતા. સમાજવાદી પક્ષ મારફતે અંતે 1940માં સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા. અમદાવાદ-મુંબઈમાં પ્રગતિશીલ લેખક મંડળનું સંચાલન તેમજ પક્ષની વડી કચેરી સાથે રહી ગુજરાતી પ્રકાશનોનું સંપાદન અને સંકલનનું કામકાજ પણ કર્યું હતું.

ભારત દેશ આઝાદ થયો બાદમાં સામ્યવાદી પક્ષે અપનાવેલી નવી નીતિના કારણે તેમને અઢાર મહિના (1949–51) જેલમાં રહેવું પડ્યું. આ પછી તેમણે ભારે વૈચારિક સંઘર્ષ અને મૂલ્યાંકન બાદ સામ્યવાદી પક્ષમાંથી 1956માં રાજીનામું આપ્યું.  વિનોબા ભાવે, દાદા ધર્માધિકારી અને જયપ્રકાશ નારાયણ જેવા કર્મશીલોની પ્રવૃત્તિમાંથી પ્રેરણા મેળવીને પુન:ગાંધીચીંધ્યા માર્ગે લોકસેવામાં જોડાયા. ગુજરાતમાં જનતા મોરચાની રચના અને દેશમાં કટોકટી સમયે થયેલા લોકસંઘર્ષમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભોગીભાઈએ સામાજિક અને રાજકીય ચળવળોમાં ભાગ લેવાની સાથે સાથે આજીવન લેખન, સંપાદન અને પ્રકાશન પ્રવૃત્તિ કરી. 1958માં તેઓ ‘વિશ્વમાનવ’ નામના સામાયિકના તંત્રી બન્યા. ‘વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ’ દ્વારા તેમણે સમાજ માટે મદદરૂપ ચિંતનાત્મક પુસ્તકોનું સંપાદન અને પ્રકાશન કર્યું. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયેલી ‘જ્ઞાનગંગોત્રી’ ગ્રંથશ્રેણીના મુખ્ય સંપાદક તરીકે 1990 સુધી કાર્ય કર્યું. તેમનું અવસાન 10 જુન, 2001ના રોજ અમદાવાદ ખાતે થયું.

ભોગીલાલ ગાંધી પાસેથી કવિતા, નવલિકા, નિબંધ, વિવેચન, અભ્યાસગ્રંથો, સંપાદનો અને અનુવાદોના 80 જેટલા પુસ્તકો મળે છે. તેમના કાવ્યસંગ્રહ ‘સાધના’(1943)ની મોટા ભાગની કવિતાઓ ‘ઉપવાસી’ના ઉપનામથી પ્રકાશિત થઈ હતી. આ કાવ્યસંગ્રહની ‘રખે ને’, ‘વ્રજ રમણી’, ‘મલિન આતુરાં’, ચિરવિદાય, ‘વાંછના’ અને ‘આત્મદીપોભવ’ નોંધપાત્ર છે. સ્વપ્નસ્થ અને બીજા કવિઓની સાથે મળીને ભોગીભાઈએ પોતાની વિચારધારાના પ્રસાર માટે ‘બૂંગિયો’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો હતો.

તેમના મૌલિક પુસ્તકોમાં પ્રવાસનકથા ‘મહાબળેશ્વર’ (1938); જીવનચરિત્રો ‘પ્રા. કર્વે’, ‘રાજગોપાલાચારી’, ‘મહામાનવ રોમા રોલાં’ (1958) અને ‘પુરુષાર્થની પ્રતિભા’(1939–1980)નો સમાવેશ થાય છે. વાર્તાસંગ્રહ ‘પરાજિત પ્રેમ’ (1957) અને ‘લતા’ (1967) જેવા અપવાદો બાદ કરતાં એમનું ગ્રંથસ્થ સાહિત્ય મોટા પ્રમાણમાં સ્વાધ્યાયલક્ષી લખાણોનું છે.

સામ્યવાદના પ્રભાવમાં તેમણે જે સાહિત્યની રચના કરી તે અભ્યાસગ્રંથોમાં ‘સોવિયેટ રશિયા’ (1947), ‘સામ્યવાદ’ (1948), ‘રશિયાની કાયાપલટ’ (1959), ‘અદ્યતન સોવિયેત સાહિત્ય’ (1964), ‘મહર્ષિ તોલ્સ્તોય’(1983)નો સમાવેશ થાય છે. સામ્યવાદની વિચારધારાને તેમણે પડતી મૂકી તે બાદમાં ‘સામ્યવાદી ચીન’, ‘સામ્યવાદી સાંસ્કૃતિક ક્રાંતિનો અભિશાપ’, ‘સામ્યવાદી બ્રેઇનવૉશિંગ’ અને ‘સામ્યવાદી આત્મપ્રતારણાને પંથે’ જેવા પુસ્તકો તેમણે લખ્યા.

સમકાલીન રાજકીય ઘટનાઓને ધ્યાનમાં રાખીને ‘ઇન્દિરાજી કયા માર્ગે ?’ (1969) અને ‘ભારત કયા માર્ગે?’ (1980) વિષયો પર પુસ્તક લખ્યા. ‘નર્મદ – નવયુગનો પ્રહરી’ (1971) નામના નર્મદના જીવનચરિત્રમાં નર્મદની પ્રેરણાત્મક વાતોની સાથે મૌલિક ચિંતન અને સર્જનની સામગ્રી પણ મૂકી છે. તોલ્સટોય, દૂર્ગારામ વિશેના ચરિત્રો નોંધપાત્ર છે. જાદુ-ધર્મ અને મનોવિજ્ઞાનને લગતા ગ્રંથો ‘ચમત્કારોનું મનોવિજ્ઞાન’ (1982) અને ‘ચમત્કારિક શક્તિની શોધમાં’(1983) આપ્યા છે. બિનમુસ્લિમો ઇસ્લામથી પરિચિત થાય તે માટે ‘ઇસ્લામ–ઉદય અને અસ્ત’ (1984) એ લેખમાળાનું સંકલન કર્યું. બંગાળી-અંગ્રેજી ભાષાના અનેક ગ્રંથોનું અનુવાદ કર્યું છે.

‘મિતાક્ષર’ (1970) અને ‘પાથેય’ (1972) એમના નોંધપાત્ર લેખસંગ્રહો છે. મિતાક્ષરમાં ભોગીભાઈએ સાહિત્ય, જીવનમૂલ્યો, વિવિધ વિચારધારાઓ, રાષ્ટ્રીય એકતા અને વિચ્છિન્નતા, નવજાગૃતિ અને મધ્યકાલીન ભક્તિસાહિત્ય, ચિંતક હર્બટ રીડ અને રજનીશની વિચારધારની સમીક્ષા કરી છે. સામ્યવાદી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને રવીન્દ્રનાથ ટાગોરના વિવિધ પુસ્તકો પર વિવેચનાત્મક ગ્રંથો લખ્યા છે.

સરદાર પટેલ યુનિવર્સિટી પ્રકાશિત કરેલી અને ભોગીભાઈએ સંપાદિત કરેલી ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’એ ગુજરાતી ભાષાના જ્ઞાનકોશની ગરજ વર્ષો સુધી સારી છે. આ ગ્રંથશ્રેણીના 30 ગ્રંથોમાં ઇતિહાસ, સ્વરાજ-ક્રાંતિ, લલિતકળાઓ, વૈશ્વિક ઘટનાઓ, પૃથ્વી, ભારત, કૃષિ, ઇજનેરી, જીવ અને રસાયણશાસ્ત્ર અને આરોગ્યને આવરી લેવાયા છે. આ ગ્રંથોનું આયોજન ભોગીભાઈએ કર્યું હતું. 26 ગ્રંથોમાં ગુજરાત વિદ્વાનોની મદદ મેળવીને તેમણે આ ગ્રંથશ્રેણીનું લેખન અને સંપાદનનું કામ કર્યું.