ભાવેશ ભટ્ટનો જન્મ 12 જાન્યુઆરી 1975ના રોજ અમદાવાદ મુકામે દિલીપભાઈ અને જયાબહેનને ત્યાં થયો. તેમણે 1985માં અંકુર હાઇસ્કૂલ, અમદાવાદથી પ્રાથમિક શિક્ષણ, 1989માં એચ.બી. કાપડિયા હાઇસ્કૂલ-અમદાવાદમાંથી માધ્યમિક શિક્ષણ, 1990માં બી.વી. હાઇસ્કૂલ-અમદાવાદથી મેટ્રિક અને 1992માં આશિષ હાઇસ્કૂલ, અમદાવાદથી એચ. એસ. સી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1994માં તેમણે ગુજરાત કૉલેજમાં વિનયન શાખાના પ્રથમ વર્ષના અભ્યાસ બાદ કૉલેજ શિક્ષણ અધૂરું જ છોડી દીધું.
2007માં પ્રગટેલ સહિયારો ગઝલસંગ્રહ 'વીસ પંચા સો'માં અન્ય ચાર યુવા કવિઓ સાથે એમની ગઝલો પ્રગટ થઈ, એ પછી 2009માં તેમનો સ્વતંત્ર પ્રથમ કાવ્યસંગ્રહ ‘છે તો છે’ પ્રકાશિત થયો. 2014માં ‘ભીતરનો શંખનાદ’ નામે તેમનો દ્વિતીય સંગ્રહ પ્રકાશિત થયો.
તેમને રાવજી પટેલ ઍવૉર્ડ (2014), શયદા ઍવૉર્ડ (2014), ભારતીય ભાષા પરિષદ-કોલકાતાનો યુવા પુરસ્કાર (2014), ગુજરાત સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર (2014), કાવ્યમુદ્રાનો યુવા સર્જક પ્રતિભા ઍવૉર્ડ (2020), હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક (2022)થી નવાજવામાં આવ્યા છે.